Salangpur Hanuman Dada : સાળંગપુર સ્થિત પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે ધનતેરશના પાવન દિવસે હનુમાનદાદાને ભવ્ય અને દિવ્ય શણગાર કરાયો છે. આજના વિશેષ દિવસે મંદિર પરિવારે હનુમાનજી દાદાની મૂર્તિને સુવર્ણ અને ચલણી ધનનો ઉપયોગ કરીને શણગાર્યો હતો, જે ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સાળંગપુર હનુમાનદાદાને ધનતેરસે કર્યો ભાવ્ય શણગાર
મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ દાદાને સોનાનાં દાગીના, સોનાનાં સિક્કા, ચલણી નોટો તથા વિદેશી ચલણમાંથી બનેલા આભૂષણોથી શણગારવામાં આવ્યા છે. ખાસ કરીને દાદાની મૂર્તિને રૂ. 500, 200, 100 અને 50ની નોટોથી અદભૂત રીતે શણગારવામાં આવી છે, જેને જોઈ ભક્તો અભિભૂત થઈ ગયા છે.
ભક્તો મંદિરે ઉમટી પડ્યા
આ ભગવાનના દર્શન માટે સવારથી જ ભક્તો મંદિરે ઉમટી પડ્યા છે. હરિભક્તો દાદાના શણગારના દર્શન કરતા ભક્તિભાવથી ભરાઈ ગયા હતા અને ફોટા-વીડિયો દ્વારા આ ક્ષણો કેદ કરતાં નજરે પડ્યા હતા. આ ખાસ પ્રસંગે મંદિર પરિસરમાં પણ વિશેષ આરતી અને હનુમાન ચાલીસાના પઠનનું આયોજન કરવામાં આવ્યું હતું. ભક્તોએ દાદાના ચરણોમાં ધનતેરસના શુભ દિવસે આરોગ્ય, સમૃદ્ધિ અને શાંતિ માટે પ્રાર્થના કરી.






