Sachin Tendulkar : ક્રિકેટ જગતમાં જેમને 'ભગવાન'નો દરજ્જો આપવામાં આવ્યો છે તેવા સચિન તેંડુલકર આજે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. 100 આંતરરાષ્ટ્રીય સદી અને અગણિત રેકોર્ડ્સ ધરાવતા સચિન વિશે આપણે ઘણું જાણીએ છીએ, પરંતુ તેમની કારકિર્દીનો એક એવો કિસ્સો પણ છે, જે કદાચ 99 ટકા લોકો નથી જાણતા. સચિને ભારત માટે 1989 માં ડેબ્યુ કર્યું હતું, પરંતુ તેના બે વર્ષ પહેલા જ તેઓ પાકિસ્તાની ટીમ તરફથી મેદાનમાં ઉતરી ચૂક્યા હતા. આ વાત સાંભળવામાં થોડી અજીબ લાગે, પરંતુ ક્રિકેટના ઈતિહાસનું આ એક સત્ય છે.
20 જાન્યુઆરી 1987 ની એ ઐતિહાસિક મેચ
આ ઘટના 20 જાન્યુઆરી 1987 ના રોજ મુંબઈના પ્રખ્યાત બ્રેબોર્ન સ્ટેડિયમમાં બની હતી. ક્રિકેટ ક્લબ ઓફ ઈન્ડિયા (CCI) પોતાની સુવર્ણ જયંતી એટલે કે, 50 વર્ષ પૂરા થવાની ઉજવણી કરી રહ્યું હતું. આ અવસરે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પ્રદર્શન મેચ (Exhibition Match) રમાઈ રહી હતી. આ કોઈ સત્તાવાર આંતરરાષ્ટ્રીય મેચ નહોતી, પરંતુ બંને દેશોના દિગ્ગજ ખેલાડીઓ પોતાની પૂરી શક્તિ સાથે રમી રહ્યા હતા. આ સમયે સચિન તેંડુલકરની ઉંમર માત્ર 13-14 વર્ષની આસપાસ હતી અને તેઓ મુંબઈના સ્થાનિક ક્રિકેટમાં ઉભરતું નામ હતા.
આ પણ ખાસ વાંચો : Sachin Tendulkar Birthday : મેદાન ભલે બદલાયા પણ 'સચિન... સચિન...' નો નાદ કાયમ! જાણો માસ્ટર બ્લાસ્ટરના અતૂટ રેકોર્ડ્સની અદ્દભુત કહાની
જ્યારે પાકિસ્તાન પાસે ફિલ્ડર્સ ખૂટ્યા
મેચ દરમિયાન લંચ બ્રેક થયો ત્યારે પાકિસ્તાનના બે સ્ટાર ખેલાડીઓ જાવેદ મિયાદાદ અને અબ્દુલ કાદિર આરામ કરવા માટે મેદાનની બહાર ગયા હતા. પાકિસ્તાની ટીમને ફિલ્ડિંગ માટે સબસ્ટીટ્યુટ ખેલાડીઓની જરૂર પડી. તે સમયે સચિન ત્યાં જ હાજર હતા. પાકિસ્તાનના કેપ્ટન ઈમરાન ખાને જોયું કે, એક યુવાન અને સ્ફૂર્તિલો છોકરો ત્યાં છે, તેમણે સચિનને પાકિસ્તાની ટીમ વતી ફિલ્ડિંગમાં જોડાવા માટે પૂછ્યું. સચિને જરા પણ ખચકાયા વિના હા પાડી દીધી અને પાકિસ્તાની ટીમની જર્સી પહેરીને મેદાનમાં ઉતરી ગયા.
આ પણ ખાસ વાંચો : સચિન તેંડુલકરને ટીમમાંથી હટાવવા માંગતું હતું BCCI : પૂર્વ ચીફ સિલેક્ટરનો મોટો ખુલાસો!
મેદાન પર સચિનની સ્ફૂર્તિ અને કપિલ દેવનો એ શોટ
ઈમરાન ખાને સચિનને 'લોંગ ઓન'ની પોઝિશન પર તૈનાત કર્યા હતા. મેચ ચાલુ હતી અને ભારત તરફથી દિગ્ગજ ખેલાડી કપિલ દેવ બેટિંગ કરી રહ્યા હતા. કપિલ દેવે હવામાં એક ઉંચો શોટ ફટકાર્યો, જે લોંગ ઓન તરફ જઈ રહ્યો હતો. સચિને આ કેચ પકડવા માટે લગભગ 15 મીટર જેટલી લાંબી દોડ લગાવી હતી. જોકે, પૂરી મહેનત કરવા છતાં બોલ સચિનના હાથમાં આવ્યો નહીં અને કેચ છૂટી ગયો. સચિને તે સમયે પાકિસ્તાન માટે કરેલો આ સંઘર્ષ આજે પણ ક્રિકેટ ઈતિહાસના પાનાઓમાં સુવર્ણ અક્ષરે અંકિત છે.
આ પણ ખાસ વાંચો : આ 10 ભારતીય દિગ્ગજ ક્યારેય અંડર-19 વર્લ્ડ કપમાં રમ્યા નથી! : Sachin Tendulkar થી Hardik Pandya સુધીના ખેલાડીઓ લિસ્ટમાં સામેલ
સચિનનો અફસોસ અને આત્મકથામાં ઉલ્લેખ
સચિન તેંડુલકરે પોતાની આત્મકથા 'Playing it My Way' માં આ કિસ્સાને ખૂબ જ વિગતવાર લખ્યો છે. તેમણે લખ્યું છે કે, "મને ખબર નથી કે, ઈમરાન ખાનને યાદ છે કે નહીં, પરંતુ મેં પાકિસ્તાન માટે ફિલ્ડિંગ કરી હતી." સચિને એ વાતનો પણ અફસોસ વ્યક્ત કર્યો હતો કે, જો તેઓ લોંગ ઓનની જગ્યાએ મિડ ઓન પર ઉભા હોત, તો કદાચ તે કેચ પકડી શક્યા હોત. આ કિસ્સો દર્શાવે છે કે, સચિનમાં નાનપણથી જ રમત પ્રત્યે કેટલો જોશ અને સમર્પણ હતું.





