Home Sports Bcci Wanted To Remove Sachin Tendulkar From The Team Former Chief Selector Makes A Big Revelation

સચિન તેંડુલકરને ટીમમાંથી હટાવવા માંગતું હતું BCCI : પૂર્વ ચીફ સિલેક્ટરનો મોટો ખુલાસો!

સચિન તેંડુલકરને ટીમમાંથી હટાવવા માંગતું હતું BCCI
Published by: OBS Bureau
Last Updated: Mar 12, 2026, 09:34 AM IST

Sachin Tendulkar : ક્રિકેટના ઈતિહાસમાં જ્યારે પણ મહાન બેટ્સમેનોની વાત નીકળે છે, ત્યારે સૌથી પહેલું નામ સચિન તેંડુલકરનું આવે છે. વર્ષ 2013 માં જ્યારે સચિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું, ત્યારે આખું વિશ્વ ભાવુક હતું. પરંતુ હાલમાં પૂર્વ ચીફ સિલેક્ટર સંદીપ પાટિલે એક એવો ખુલાસો કર્યો છે, જેને સૌને ચોંકાવી દીધા છે. તેમના જણાવ્યા અનુસાર, BCCI સચિનના રિટાયરમેન્ટના એક વર્ષ પહેલા જ તેમને ટીમમાંથી બહાર કરવાનું વિચારી રહી હતી.

ખરાબ ફોર્મનો ગાળો

વર્ષ 2012 સચિન તેંડુલકરની કારકિર્દી માટે ઘણું પડકારજનક રહ્યું હતું. આંકડા જોઈએ તો, તે વર્ષે રમાયેલી 9 ટેસ્ટ મેચોમાં સચિનની એવરેજ માત્ર 23.80 ની હતી અને આ મેચોમાં સચિન તેંડુલકરે એક પણ સેન્ચુરી ફટકારી ન હતી. વનડે ફોર્મેટમાં પણ સ્થિતિ ખાસ સારી નહોતી, જ્યાં 10 મેચોમાં તેમની એવરેજ 31.50 રહી હતી. આ ખરાબ ફોર્મને કારણે સિલેક્શન કમેટી સચિન તેંડુલકરનું ટીમમાં રિપ્લેસમેન્ટ શોધી રહી હતી.

પસંદગીકારનો એ ફોન કોલ

તે સમયે સંદીપ પાટિલ BCCI સિલેક્શન કમેટીના અધ્યક્ષ હતા. હાલના એક ઇન્ટરવ્યુમાં, સંદીપ પાટીલે ખુલાસો કર્યો કે, સચિન તેંડુલકરને એ જાણીને આશ્ચર્ય થયું કે, સિલેક્શન કમેટી તેમને ટીમમાંથી હટાવવાની યોજના બનાવી રહી છે. સંદીપ પાટીલે સચિન તેંડુલકરને પૂછ્યું, "તમારો શું પ્લાન છે?" જેના જવાબમાં સચિને જવાબ આપ્યો, "કેમ?" પાટીલે આગળ કહ્યું, "મેં તેમને કહ્યું કે કમેટી તમારા રિપ્લેસમેન્ટને શોધી રહી છે. તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે મને ફરીથી ફોન કર્યો અને પૂછ્યું, 'શું તમે સિરિયસ છો?' મેં કહ્યું, 'હા.'"

સિલેક્ટર્સની મર્યાદા

પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, સિલેક્શન કમેટી પાસે કોઈ ખેલાડીને નિવૃત્તિ લેવા પ્રેશર કરવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે, સચિન તેંડુલકરે પોતે રિટાયરમેન્ટ લેવાનો નિર્ણય લીધો ત્યારે તેમને જાણ કરી હતી. પાટીલે કહ્યું, "સિલેક્ટર્સ કોઈ ખેલાડીને પડતો મૂકી શકે છે. તેઓ કોઈ ખેલાડીને કહી શકતા નથી કે તેની કારકિર્દી સમાપ્ત થઈ ગઈ છે. અમે તેને તેની યોજનાઓ વિશે પૂછ્યું. તેમણે કહ્યું કે, તે રમવાનું ચાલુ રાખવા માંગે છે. અમે કહ્યું ઠીક છે."

નવા ખેલાડીઓનું આગમન

પાટીલે કહ્યું કે, તેમનો કાર્યકાળ ઘણીવાર સચિન તેંડુલકરની નિવૃત્તિ માટે યાદ કરવામાં આવે છે, ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહ, રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે કે મોહમ્મદ શમી જેવા ખેલાડીઓના આગમન માટે નહીં. પાટીલે કહ્યું, "હું સમજું છું કે લોકો કેમ ગુસ્સે હતા. તે સચિન તેંડુલકર છે. પણ શમી આવ્યો. બુમરાહ આવ્યો. અશ્વિન, જાડેજા, રહાણે. કોઈ તેમના વિશે વાત કરતું નથી. તેઓ ફક્ત એટલું જ યાદ રાખે છે કે, અમે સચિનને ​​છોડી દીધો હતો." તેંડુલકરે નવેમ્બર 2013 માં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં તેના ઘરના ચાહકો સામે વેસ્ટ ઈન્ડિઝ સામે તેની છેલ્લી ટેસ્ટ રમી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now