મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા અને માર્ગદર્શનથી હાથ ધરાઈ રહેલા 'મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટ'ની કામગીરીની સમીક્ષા કરી હતી અને સ્થળ નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાને 2024માં 12 માર્ચ દાંડીકૂચ સ્મૃતિ દિવસે આ રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો કાર્યારંભ ભૂમિવંદનાથી કરાવ્યો હતો. મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા અંદાજે 55 એકરમાં આ રિ-ડેવલપમેન્ટ કામગીરી હાથ ધરાઈ રહી છે.
ગાંધી બાપુનો સાબરમતી આશ્રમ હવે એક વર્ષમાં સંપૂર્ણપણે નવા આકારમાં તૈયાર થઈ જશે. આશ્રમનું અડધું વિકાસકાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ આશ્રમ 1200 કરોડ રૂપિયાના ખર્ચે 55 એકરમાં તૈયાર કરાશે. આશ્રમનું કદય સ્થળ હૃદય કુંજ (આશ્રમમાં બાપુનું નિવાસસ્થાન) અને પ્રાર્થના સ્થળ 2 એકરમાં બનાવવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જૂના મકાનોના રિસ્ટોરેશનની કામગીરીનું નિરીક્ષણ કરીને પૂર્ણ થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામોની સમીક્ષા કરી હતી. તેમણે સોમનાથ છાત્રાલય, દસ ઓરડી, વણિક પરિવારની ચાલી અને આશ્રમશાળા જેવા મકાનોની કામગીરી નિહાળી હતી. પ્રોજેક્ટમાં ચાલતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો, મુલાકાતીઓ માટેના આંતરિક રસ્તા, ડ્રેનેજ, પીવાના પાણીની વ્યવસ્થા સહિતની કામગીરીની સમીક્ષા મુખ્યમંત્રીએ કરી હતી.
ગાંધી આશ્રમનું મૂળ સ્થાપત્વ બાંધકામ, જેમાં બાપુ સાથે રહેતા લોકોના પરિવારોના નિવાસસ્થાનનો સમાવેશ થાય છે, તેને અકબંધ રખાયું છે. મહાત્મા ગાંધી અને તેમના અનુયાયીઓના જીવનની ઝલક દર્શાવતું પ્રદર્શન પણ અહીં યોજાશે. સત્ય, અહિંસા, આત્માનુશાસન અને સેવા જેવા ગાંધીજીના મૂલ્યોને દર્શાવવામાં આવશે. આ માસ્ટર પ્લાનમાં લગભગ 22 મોટી ઇમારતો છે. તેમાંથી ઘણી ઈમારતો તૈયાર થઈ ગઈ છે.
આશ્રમની મુલાકાતે આવનારા પર્યટકો માટે ભાષા અનુવાદ કેન્દ્ર કાફેટેરિયા, કાગળ અને ચામડાના ઉત્પાદનો બનાવવાની કળા શીખવવા માટે કાર્યશાળાઓ હશે.






