મ્યાનમારની રાજધાની નજીક રશિયન નૌકાદળનો પેસિફિક ફ્લીટ હાલમાં સત્તાવાર પ્રવાસે છે. આ મુલાકાત દરમિયાન ફ્રિગેટ માર્શલ શાપોશ્નિકોવ, કોર્વેટ ગ્રેમ્યાશ્ચી અને ટેન્કર બોરિસ બુટોમા જેવા રશિયન યુદ્ધજહાજો ભાગ લઈ રહ્યા છે. આ જહાજો હાલમાં બાંગ્લાદેશી નૌકાદળ સાથે આંદામાન સમુદ્રમાં સંયુક્ત સમુદ્રી કવાયત MARUMEX 2025 માં જોડાયા છે. આ કવાયત એવા સમયે યોજાઈ રહી છે, જ્યારે મ્યાનમાર લાંબા ગાળાના આંતરિક સંઘર્ષ અને રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે.
આંદામાન સમુદ્રમાં આ કવાયતનું આયોજન વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાય છે, કારણ કે આ જ વિસ્તાર ભારતની Tri-Service Commandનું મુખ્ય કેન્દ્ર છે, જ્યાં થલસેના, નૌકાદળ અને વાયુસેનાની સંયુક્ત કામગીરી થાય છે.
સબમરીન શોધ અને તોપખાનાં અભ્યાસ પર ધ્યાન
રશિયન નૌકાદળના નિવેદન મુજબ, બંને દેશોના નૌકાદળોએ થિલાવા બંદર ખાતે ઉદ્ઘાટન સમારોહ બાદ તાલીમ શરૂ કરી છે. કવાયત દરમિયાન નૌકાદળ નિયંત્રણ પ્રક્રિયાઓ, સબમરીન શોધ અને ટ્રેકિંગ તેમજ તોપખાનાં અને ટોર્પિડો હુમલાનો અભ્યાસ કરવામાં આવશે. આ તાલીમનો હેતુ નૌકાદળોની વચ્ચે સમન્વય વધારવો અને દરિયાઈ સુરક્ષા કૌશલ્યોને મજબૂત બનાવવાનો છે.
સમુદ્રી ચાંચિયાગીરી સામે સંયુક્ત પ્રયાસ
કવાયતનો એક ભાગ સમુદ્રી ચાંચિયાગીરી સામેની કામગીરી માટે સમર્પિત છે, જેમાં આતંકવાદ વિરોધી દળો પણ જોડાશે. બંને નૌકાદળો સમુદ્રી ચાંચિયાઓ દ્વારા કબજામાં લેવામાં આવેલા જહાજોને મુક્ત કરાવવાની તાલીમ લેવાના છે. રશિયન પેસિફિક ફ્લીટના જણાવ્યા અનુસાર, આ અભ્યાસ દક્ષિણપૂર્વ એશિયાના દરિયાઈ માર્ગોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
મ્યાનમારના જહાજો અને ક્ષમતા
મ્યાનમાર નૌકાદળે આ કવાયત માટે UMS મોઆટ્ટામા લેન્ડિંગ પ્લેટફોર્મ ડોક, ફ્રિગેટ ક્યાનસિથા, કોર્વેટ તાબિનશ્વેહતી અને સબમરીન મિન્યે થેઇનખાથુ તૈનાત કર્યા છે. તેમ છતાં, મ્યાનમારની નૌકાદળ ક્ષમતા તુલનાત્મક રીતે મર્યાદિત છે. તેમ છતાં તે આંદામાન સમુદ્રના વ્યૂહાત્મક દરિયાઈ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
ચીન આ વિસ્તારની પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન રાખી રહ્યું છે અને તે પણ આંદામાન ક્ષેત્રમાં પોતાની હાજરી સતત મજબૂત કરી રહ્યું છે. રશિયા અને મ્યાનમાર વચ્ચેની આ સંયુક્ત કવાયત પ્રદેશમાં શક્તિના સંતુલન અને વ્યૂહાત્મક હેતુઓ પર નવી ચર્ચાઓને જન્મ આપી રહી છે.




















