Delhi Car Blast : દિલ્હીમાં થયેલા કાર બ્લાસ્ટ બાદ સમગ્ર દેશમાં સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. આ ઘટના બાદ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સુરક્ષા એજન્સીઓ સાથે બેઠકો યોજી રહ્યા છે. તેમણે આજે પોતાના નિવાસસ્થાને મહત્વપૂર્ણ ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ગૃહ મંત્રાલય અને ગુપ્તચર એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન બ્લાસ્ટની પ્રાથમિક માહિતી, શક્ય કારણો અને તેમાં સંડોવાયેલા તત્વોની તપાસ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
સુરક્ષા બંદોબસ્ત વધારવામાં આવ્યો
અમિત શાહે અધિકારીઓને દેશભરમાં સઘન ચેકિંગ શરૂ કરવાનો અને સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવા માટે જરૂરી સૂચનો આપ્યા. તેમણે અગાઉ સ્પષ્ટ જણાવ્યું હતું કે કોઈપણ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશમાં સુરક્ષાની બાબતમાં બેદરકારી સહન કરવામાં નહીં આવે. દિલ્હી કાર બ્લાસ્ટ બાદ રાજધાની સહિત દેશના અન્ય મહાનગરોમાં પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશનો, એરપોર્ટ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોએ વધારાનો સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે.
તપાસ એજન્સીઓ અલર્ટ
ગૃહ મંત્રાલયના સૂત્રો મુજબ તપાસ એજન્સીઓ ઘટનાની પાછળ રહેલા સંભાવિત આતંકી કનેક્શન અથવા સંગઠનોની ભૂમિકા અંગે માહિતી એકત્ર કરી રહી છે. આ બેઠક બાદ સ્પષ્ટ થઈ રહ્યું છે કે કેન્દ્ર સરકારે સુરક્ષા મામલામાં કોઈ પણ પ્રકારની ઢીલ રાખવાની મનાઈ કરી છે અને દેશભરમાં કડક નજર રાખવા માટે એજન્સીઓને સંપૂર્ણ રીતે સજ્જ રાખવાનો આદેશ અપાયો છે.




















