બાંગ્લાદેશના રાજકારણમાં ફરી ઉથલપાથલની શક્યતા ઊભી થઈ છે. આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ (ICT)એ જાહેર કર્યું છે કે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના સામેનો ચુકાદો 17 Novemberના રોજ જાહેર કરવામાં આવશે. આ કેસમાં શેખ હસીનાની સામે ગયા વર્ષની જુલાઈમાં થયેલા વિદ્યાર્થી આંદોલન દરમિયાન માનવતા વિરુદ્ધ ગુનાઓ અને સેંકડો લોકોની હત્યા જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
દેશવ્યાપી બંધથી જનજીવન ખોરવાયું
આ ચુકાદાની જાહેરાત પછી આવામી લીગે સવારથી સાંજ સુધી દેશવ્યાપી બંધનું આહ્વાન કર્યું છે. પરિણામે ઢાકા સહિત અનેક શહેરોમાં જાહેર પરિવહન, શાળા, બજાર અને સરકારી કચેરીઓ બંધ રહી છે. સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ, અર્ધલશ્કરી દળો અને સેનાને તૈનાત કરવામાં આવી છે.
યુનુસ સરકારે આવામી લીગ પર લગાવ્યા પ્રતિબંધો
હાલની વચગાળાની સરકાર, જે નોબેલ વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં કાર્યરત છે, તેણે થોડા અઠવાડિયા પહેલાં આવામી લીગ અને તેની સંલગ્ન સંસ્થાઓની રાજકીય પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય બાદ પાર્ટીના નેતાઓએ સોશિયલ મીડિયા દ્વારા વિરોધ અને બંધનું આહ્વાન કર્યું છે.
વિદ્યાર્થી આંદોલનથી બદલાઈ ગઈ સત્તા
ઉલ્લેખનીય છે કે July 2024માં વિદ્યાર્થી આંદોલનના જોરે શેખ હસીનાની સરકારને હટાવવામાં આવી હતી. તે સમયે હિંસક અથડામણોમાં લગભગ 1,400 લોકોના મૃત્યુ થયા હોવાનો સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ છે. ત્યારબાદ 5 August 2024ના રોજ શેખ હસીના ભારત ભાગી ગયા હતા અને હાલ ભારતમાં સુરક્ષિત સ્થળે નિવાસ કરી રહ્યા છે.
રાજકીય અનિશ્ચિતતાનો તબક્કો
શેખ હસીનાના રાજીનામા પછી રચાયેલી યુનુસ સરકારને આંતરરાષ્ટ્રીય સમર્થન મળ્યું છે, પરંતુ દેશમાં રાજકીય તણાવ અને અસંતોષ સતત વધી રહ્યો છે. વિશ્લેષકોના મત મુજબ, 17 Novemberનો ચુકાદો બાંગ્લાદેશની રાજકીય દિશા નક્કી કરી શકે છે, કારણ કે તેની અસર આવામી લીગના ભવિષ્ય અને દેશની આંતરિક સ્થિરતા બંને પર પડી શકે છે.




















