Russia vs USA: રશિયા અને અમેરિકા વચ્ચેના સંબંધો ફરી એકવાર તળિયે પહોંચ્યા હોય તેમ જણાય છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે એક વિસ્ફોટક ઈન્ટરવ્યૂમાં અમેરિકાની વિદેશ નીતિ પર આકરા પ્રહારો કર્યા છે. લાવરોવે આરોપ લગાવ્યો છે કે, અમેરિકા વિશ્વના જે દેશોમાં દખલગીરી કરે છે, તેની પાછળ લોકશાહી નહીં પણ માત્ર 'તેલ' અને પોતાનો આર્થિક ફાયદો જવાબદાર હોય છે. લાવરોવે ત્યાં સુધી કહી દીધું કે, અમેરિકા પોતાના હિતો સાધવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે, જેમાં જે-તે દેશમાં તખ્તાપલટ કરાવવો કે નેતાઓની હત્યા કરાવવા જેવા ગંભીર કૃત્યોનો પણ સમાવેશ થાય છે.
વિશ્વના ઉર્જા બજાર (Energy Market) પર કબજો જમાવવાના અમેરિકાના પ્રયાસોની ટીકા કરતા લાવરોવે જણાવ્યું કે, વેનેઝુએલા અને ઈરાન જેવા કુદરતી સંસાધનોથી સમૃદ્ધ દેશોમાં અમેરિકાની સક્રિયતા પાછળનું એકમાત્ર કારણ ત્યાંના તેલના ભંડારો છે. લાવરોવના મતે હાલમાં આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદાનું શાસન ખતમ થઈ રહ્યું છે અને "જેની લાઠી તેની ભેંસ" જેવો માહોલ ઉભો થઈ રહ્યો છે, જે વૈશ્વિક શાંતિ માટે જોખમી છે.
"વાતચીત કરો, ટકરાવ નહીં": લાવરોવની અમેરિકાને સલાહ
સર્ગેઈ લાવરોવે અમેરિકાને આડે હાથ લેતા સલાહ આપી કે, જો તેમને કોઈ દેશની સરકાર કે વિચારધારા પસંદ ન હોય, તો સીધા ટકરાવમાં ઉતરવાને બદલે રાજદ્વારી વાતચીતનો માર્ગ અપનાવવો જોઈએ. તેમણે રંજ વ્યક્ત કર્યો કે, અમેરિકાની આદત પહેલા સમજૂતી કરવાની અને પછી પોતાના ફાયદા માટે તેમાંથી એકપક્ષીય રીતે પાછળ હટી જવાની છે, જેના કારણે વિશ્વમાં અવિશ્વાસનું વાતાવરણ ઉભું થયું છે.
ઈરાન પર હુમલાની આશંકા અને નવી રમત
રશિયાએ એક ગંભીર ચેતવણી આપતા કહ્યું છે કે, અમેરિકા અને ઈઝરાયેલ 'શાંતિ ચર્ચા' ના ઓઠા હેઠળ ઈરાન પર હુમલો કરવાની ગુપ્ત યોજના બનાવી શકે છે. જોકે, લાવરોવે સ્પષ્ટ કર્યું કે, ઈરાન પાસે કોઈ પણ હુમલાનો જવાબ આપવા માટે પૂરતી સૈન્ય શક્તિ છે. આ તણાવ વચ્ચે અમેરિકાએ તેના પ્રતિનિધિઓ સ્ટીવ વિટકોફ અને જેરેડ કુશ્નરને પાકિસ્તાન મોકલવાનો નિર્ણય લીધો છે, જ્યાં ઈરાન સાથેના સંબંધો અંગે નવી વાટાઘાટો થવાની શક્યતા છે.
ઈરાન પણ એક્શન મોડમાં: સાથી દેશોનો પ્રવાસ
અમેરિકાની હિલચાલને જોતા ઈરાન પણ સક્રિય બન્યું છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ પાકિસ્તાન, ઓમાન અને રશિયા જેવા મિત્ર દેશોની મુલાકાત લેવાની જાહેરાત કરી છે. ઈરાનનો હેતુ પોતાના સાથી દેશો સાથે સંકલન મજબૂત કરી અમેરિકાના દબાણ સામે મોરચો માંડવાનો છે.





