RTE Gujarat Admission 2026: ગુજરાત રાજ્યના મધ્યમ અને શ્રમિક વર્ગના પરિવારો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. 'રાઈટ ટુ એજ્યુકેશન' (RTE) એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં ધોરણ-1 માં મફત પ્રવેશ મેળવવા માટેની શૈક્ષણિક વર્ષ 20226-27ની જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નોટિફિકેશન મુજબ, આગામી 4 એપ્રિલ 2026 થી ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયાનો પ્રારંભ થશે. આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી બિન-અનુદાનિત શાળાઓમાં 25% અનામત બેઠકો પર વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે, જેનો લાભ લેવા માટે હજારો વાલીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
4 એપ્રિલથી 17 એપ્રિલ સુધી ભરી શકાશે ઓનલાઇન ફોર્મ
RTE એક્ટ 2009 અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વાલીઓએ ઓનલાઇન પોર્ટલ પર જઈને અરજી કરવાની રહેશે. અરજી પ્રક્રિયા 4 એપ્રિલ 2026થી શરૂ થશે અને 17 એપ્રિલ2026 સુધી ચાલશે. વાલીઓએ આ નિયત સમયમર્યાદામાં જ પોતાની અરજી સબમિટ કરવાની રહેશે. ખાસ નોંધનીય છે કે, ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ તેની પ્રિન્ટ ક્યાંય પણ રૂબરૂ જમા કરાવવાની જરૂર નથી, સમગ્ર પ્રક્રિયા ડિજિટલ માધ્યમથી જ પૂર્ણ કરવાની રહેશે.
કયા પોર્ટલ પર કરવાની રહેશે અરજી?
પ્રવેશ મેળવવા માંગતા બાળકોના વાલીઓએ RTE ની સત્તાવાર વેબસાઇટ rte.orpgujarat.com પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. આ વેબસાઇટ પર ફોર્મ ભરવાની લિંક ૪ એપ્રિલથી એક્ટિવ કરવામાં આવશે. ફોર્મ ભરતા પહેલા વાલીઓએ તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ સ્કેન કરીને તૈયાર રાખવા હિતાવહ છે જેથી ફોર્મ ભરતી વખતે કોઈ ટેકનિકલ મુશ્કેલી ન નડે.
જરૂરી આધાર-પુરાવા અને ડોક્યુમેન્ટ્સની તૈયારી
RTE એડમિશન માટે બાળકના જન્મનો દાખલો, રહેઠાણનો પુરાવો (રેશન કાર્ડ/આધાર કાર્ડ/લાઇટ બિલ), પિતાનો આવકનો દાખલો અને જે-તે કેટેગરી (SC/ST/OBC) મુજબનો જાતિનો દાખલો જેવા મહત્વના દસ્તાવેજો રજૂ કરવાના રહેશે. આવક મર્યાદા અને અન્ય પાત્રતાના ધોરણોની વિગતવાર માહિતી પણ સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ખોટા દસ્તાવેજો અપલોડ કરનારની અરજી રદ થઈ શકે છે, તેથી વાલીઓએ સંપૂર્ણ કાળજી રાખવા સૂચના આપવામાં આવી છે.





