જો તમે નોકરી છોડવાની યોજના બનાવી રહ્યા છો અથવા હાલમાં તમે નોકરીમાંથી રાજીનામું આપ્યું છે, તો આ સમાચાર તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઘણા કર્મચારીઓએ અનુભવ્યું હશે કે, કંપનીઓ ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ (Full & Final Settlement) મોડું કરે છે અથવા અટકાવે છે. હવે નવા લેબર કાયદાના નિયમો અનુસાર કંપનીઓ માટે આ પ્રકારની વિલંબતા કરવી મુશ્કેલ બની શકે છે.
શું છે નવો નિયમ?
ભારતમાં લાગુ થયેલા નવા લેબર કોડ્સ હેઠળ કર્મચારીઓના હકોને વધુ મજબૂત બનાવવામાં આવ્યા છે. ખાસ કરીને વેતન, ગ્રેચ્યુઇટી અને અન્ય બાકી ચૂકવણી અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. નવા નિયમ મુજબ, જો કોઈ કર્મચારી નોકરી છોડે છે, પછી ભલે તે રાજીનામું આપે કે કોન્ટ્રાક્ટ પૂર્ણ થતો હોય. તો કંપનીએ નિર્ધારિત સમયમર્યાદામાં ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ કરવું ફરજિયાત છે. નવા નિયમ મુજબ ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટમાં બાકી રહેલું પગાર, પેન્ડિંગ બોનસ, ગ્રેચ્યુઇટી, લીવ એનકેશમેન્ટ અને અન્ય ભથ્થાંનો સમાવેશ થાય છે.
કંપનીઓ કેમ વિલંબ કરતી હોય છે?
અત્યાર સુધી ઘણા કેસોમાં જોવા મળ્યું છે કે, કંપનીઓ વિવિધ કારણોસર સેટલમેન્ટ અટકાવી દેતી હતી. જેના મુખ્ય કારણોમાં એક્ઝિટ ફોર્મેલિટીઝ પૂરી ન હોવી, કંપનીની આંતરિક પ્રક્રિયા ધીમી હોવી, ક્યારેક જાણીજોઈને વિલંબ કરવો અને નોટિસ પિરિયડ સંબંધિત વિવાદ જેવા મુખ્ય પરિબળો જવાબદાર હતા. આ પરિસ્થિતિમાં કર્મચારીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, ખાસ કરીને જ્યારે તેઓ નવી નોકરીમાં જોડાવા માટે રાહ જોઈ રહ્યા હોય.
નવા કાયદાથી શું બદલાશે?
નવા લેબર કાયદા હેઠળ, સમયસર ચુકવણી એક કાનૂની ફરજ બની જશે. જેમાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે:
કંપનીએ નિર્ધારિત સમયગાળામાં સેટલમેન્ટ પૂર્ણ કરવું પડશે.
વિલંબ માટે કાનૂની કાર્યવાહી શક્ય.
કર્મચારીઓ માટે ફરિયાદ કરવાની સરળ વ્યવસ્થા.
પારદર્શક અને સ્ટાન્ડર્ડ પ્રક્રિયા.
આ બદલાવથી કંપનીઓ પર દબાણ વધશે કે તેઓ કર્મચારીઓ સાથે યોગ્ય અને સમયસર વ્યવહાર કરે.
કર્મચારીઓ માટે શું મહત્વનું?
આ નવો નિયમ ખાસ કરીને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરતા કર્મચારીઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે. આ નવા નિયમથી કર્મચારીઓના હક્કમાં નીચેના મુદ્દાઓને સામેલ કરવામાં આવ્યા છે:
સમયસર તમામ બાકી ચુકવણી મેળવવાનો અધિકાર.
વિલંબ થાય તો કાનૂની કાર્યવાહી કરવાની તક.
પારદર્શક એક્ઝિટ પ્રોસેસ.
કર્મચારીઓએ પોતાનું એમ્પ્લોયમેન્ટ કોન્ટ્રાક્ટ, ઓફર લેટર અને HR પોલિસી સારી રીતે વાંચવી જોઈએ જેથી તેઓ તેમના હક્કોને સારી રીતે સમજી શકે.
ક્યારે મળશે ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ?
સામાન્ય રીતે, નવા નિયમો મુજબ સેટલમેન્ટ છેલ્લા કામના દિવસથી બે દિવસોમાં પૂર્ણ થવું જોઈએ. જોકે ચોક્કસ સમયગાળો કંપનીની નીતિ અને કાયદાકીય માર્ગદર્શિકા પર આધારિત હોઈ શકે છે, પરંતુ લાંબા સમય સુધી વિલંબ હવે સ્વીકાર્ય નહીં ગણાય.
શું કરવું જો સેટલમેન્ટ મોડું થાય?
જો કંપની સમયસર સેટલમેન્ટ ન આપે તો કર્મચારી પાસે નીચેના વિકલ્પો છે:
HR વિભાગને લેખિતમાં યાદ અપાવવું.
કંપનીના ગ્રિવન્સ સેલમાં ફરિયાદ કરવી.
લેબર વિભાગમાં ફરિયાદ નોંધાવવી.
કાનૂની સલાહ લેવી.
આ સમાચાર કેમ મહત્વના છે?
ભારતમાં રોજગાર ક્ષેત્ર ઝડપથી બદલાઈ રહ્યું છે. લોકો વધુ વખત નોકરી બદલે છે, અને આવા સમયમાં ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ એક મહત્વપૂર્ણ મુદ્દો બની જાય છે. આ નવા નિયમોથી કર્મચારીઓનો વિશ્વાસ વધશે, કંપનીઓમાં જવાબદારી વધશે અને કામકાજનું વાતાવરણ વધુ વ્યાવસાયિક બનશે. નવા લેબર કાયદા હેઠળ ફુલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટને લઈને સ્પષ્ટતા કર્મચારીઓ માટે એક મોટી રાહત છે. હવે કંપનીઓ માટે સેટલમેન્ટ અટકાવવું અથવા વિલંબ કરવું સહેલું રહેશે નહીં. જો તમે નોકરી છોડવાની તૈયારીમાં છો, તો તમારા હક્ક વિશે જાણવું ખૂબ જ જરૂરી છે, કારણ કે હવે તમારી સાથે કાયદો છે.





