IPL 2026 Eliminator RR vs SRH : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ના પ્લેઓફ તબક્કામાં આજે સૌથી મોટો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાવાનો છે. ન્યૂ ચંડીગઢના મુલ્લાંપુર સ્થિત મહારાજા યાદવેન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી એલિમિનેટર મેચ બંને ટીમો માટે ‘કરો યા મરો’ જેવી સ્થિતિ સર્જશે. આ મુકાબલામાં હારનારી ટીમ સીધી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે, જ્યારે જીતનારી ટીમ ક્વોલિફાયર-2 માં પહોંચી ફાઇનલની રેસમાં ટકી રહેશે. સિઝનની શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સ સૌથી મજબૂત ટીમોમાં ગણાતી હતી. ટીમે શરૂઆતની ચારેય મેચ જીતીને ટેબલ પર દબદબો બનાવ્યો હતો. પરંતુ ત્યારબાદ ફોર્મમાં આવેલો ઘટાડો ટીમ માટે મુશ્કેલીરૂપ બન્યો. ખાસ કરીને સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની હાર પછી RR સતત દબાણ હેઠળ આવી ગઈ હતી. બીજી તરફ SRH ની કહાની સંપૂર્ણ વિપરીત રહી. ટીમે પ્રથમ ચાર મેચમાંથી માત્ર એક જીત મેળવી હતી અને બોલિંગ તેમજ મધ્યક્રમ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા. જોકે રાજસ્થાન સામેની જીતે સમગ્ર સિઝનની દિશા બદલી નાખી હતી.
SRH ના દબદબા સામે RR ની યંગ ટીમ
સનરાઇઝર્સ હૈદરાબાદે આ સિઝનમાં રાજસ્થાનને બંને મુકાબલામાં હરાવ્યું છે. પ્રથમ મેચમાં SRH એ 216 રન ડિફેન્ડ કરીને 57 રનની જીત મેળવી હતી, જ્યારે જયપુરમાં 229 રનનો ટાર્ગેટ 9 બોલ બાકી રહેતા ચેઝ કર્યો હતો. માત્ર આ સિઝન જ નહીં, SRH એ રાજસ્થાન સામે સતત છ મેચ જીતી છે. IPL ઇતિહાસમાં RR સામે હૈદરાબાદનું આ સૌથી મોટું પ્રભુત્વ બની ગયું છે. હેડ-ટુ-હેડ આંકડાઓ પર નજર કરીએ તો બંને ટીમો વચ્ચે અત્યાર સુધી 23 IPL મેચ રમાઈ છે. જેમાંથી SRH એ 14 અને RR એ 9 મેચ જીતી છે. ખાસ વાત એ છે કે, રાજસ્થાને છેલ્લે એપ્રિલ 2023 માં હૈદરાબાદને હરાવ્યું હતું. ત્યારબાદ દરેક મુકાબલામાં SRH એ જ જીત મેળવી છે. તેમ છતાં રાજસ્થાન માટે આશાની વાત એ છે કે, ટીમ મુલ્લાંપુરમાં અત્યાર સુધી અજેય રહી છે. અહીં રમાયેલી ત્રણેય મેચ RR એ જીતી છે. તેથી હોમ જેવી પરિસ્થિતિમાં રમવાનો લાભ ટીમને મળી શકે છે.
વૈભવ સૂર્યવંશી પર સૌની નજર
આજની મેચમાં સૌથી વધુ ચર્ચા રાજસ્થાનના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને લઈને થઈ રહી છે. માત્ર 14 ઇનિંગ્સમાં 583 રન બનાવી ચૂકેલા વૈભવે આ સિઝનમાં તોફાની બેટિંગથી IPL ને નવી ઓળખ આપી છે. તેનો સ્ટ્રાઇક રેટ 232 થી વધુ છે અને તે અત્યાર સુધી 53 સિક્સ ફટકારી ચૂક્યો છે. ક્રિસ ગેલના એક સિઝનમાં સૌથી વધુ 59 સિક્સરના રેકોર્ડથી વૈભવ હવે માત્ર 7 સિક્સ દૂર છે. ખાસ વાત એ છે કે, SRH સામેની છેલ્લી મેચમાં તેણે માત્ર 37 બોલમાં 103 રનની ધમાકેદાર સેન્ચુરી ફટકારી હતી. જોકે તે મેચ RR હારી ગઈ હતી, પરંતુ વૈભવની ઇનિંગ IPL 2026 ની યાદગાર ઇનિંગ્સમાં સામેલ થઈ ગઈ છે. SRH ના બોલરો સામે વૈભવની અલગ જ ટક્કર જોવા મળી છે. સિઝનની પહેલી મેચમાં પ્રફુલ હિંગેએ તેને પ્રથમ બોલ પર આઉટ કર્યો હતો, ત્યારબાદ જયપુરમાં વૈભવે હિંગે સામે માત્ર 9 બોલમાં 30 રન ફટકાર્યા હતા. આજે આ હરીફાઈ ફરી કેન્દ્રમાં રહેશે.
અભિષેક-ક્લાસેન-ઈશાનની ત્રિપુટી SRH ની સૌથી મોટી તાકાત
જો RR પાસે વૈભવ છે, તો SRH પાસે અભિષેક શર્મા, ઈશાન કિશન અને હેનરિક ક્લાસેન જેવી વિસ્ફોટક ત્રિપુટી છે. ક્લાસેન અત્યાર સુધી 606 રન બનાવી ચૂક્યો છે અને ઓરેન્જ કેપની રેસમાં મજબૂત દાવેદાર છે. ઈશાન કિશન 569 અને અભિષેક શર્મા 563 રન સાથે શાનદાર ફોર્મમાં છે. જો આજે અભિષેક 37 અને ઈશાન 31 રન બનાવશે, તો IPL ઇતિહાસમાં પહેલીવાર એક જ ટીમના ત્રણ બેટર એક સિઝનમાં 600 થી વધુ રન બનાવશે. આ આંકડો SRH ની બેટિંગ પાવરનો પુરાવો આપે છે. અભિષેક શર્માનો સ્ટ્રાઇક રેટ 206 થી વધુ રહ્યો છે, જ્યારે ક્લાસેન મધ્યક્રમમાં મેચ ફિનિશ કરવાની ભૂમિકામાં સતત સફળ રહ્યો છે. જોકે બંને ખેલાડીઓ સામે રવીન્દ્ર જાડેજાનો રેકોર્ડ SRH માટે ચિંતાજનક છે. IPL માં ઈશાન કિશને જાડેજા સામે માત્ર 37 રન બનાવ્યા છે.
IPL પ્લેઓફમાં RCB નો સૌથી મોટો ધડાકો!: કોહલી-પાટીદારે લખી નવી સુવર્ણકથા, IPL ના બધા રેકોર્ડ્સ પડ્યા ફિક્કા
ઈજાગ્રસ્ત ખેલાડીઓ પણ મેદાનમાં ઉતરશે
રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગ હેમસ્ટ્રિંગ ઈજાથી પરેશાન છે. તેણે મુંબઈ સામેની મેચ બાદ કહ્યું હતું કે, તે મેચ રમવાનું પણ ડોક્ટરોએ મંજૂર ન કર્યું હતું, પરંતુ એલિમિનેટર જેવી મહત્વની મેચ તે ચોક્કસ રમશે. રવીન્દ્ર જાડેજા પણ ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહ્યા છે, છતાં બંને ખેલાડીઓ આજે પ્લેઇંગ-11 માં જોવા મળે તેવી સંભાવના છે. SRH તરફથી કોઈ મોટું ઈજાનું સંકટ નથી. જોકે અંતિમ પ્લેઇંગ-11 માં હર્ષલ પટેલ અને પ્રફુલ હિંગેમાંથી કોણ રમશે તે અંગે સસ્પેન્સ છે.
પિચ રિપોર્ટ અને સંજોગો
મુલ્લાંપુરની પિચ આ સિઝનમાં બેટિંગ માટે અનુકૂળ રહી છે. અહીં રમાયેલી છેલ્લી ત્રણ મેચમાં 200 થી વધુ સ્કોર નોંધાયો છે. બે વખત ટાર્ગેટ સફળતાપૂર્વક ચેઝ થયો હતો. તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરે તેવી શક્યતા વધારે છે. ગરમી પણ ખેલાડીઓ માટે પડકાર બની શકે છે. મેચ દરમિયાન તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહેવાની શક્યતા છે.
અડધી રાત્રે અર્શદીપની આ હરકતથી થયો હોબાળો!: IPL બાદ આ પગલાએ બધાને કર્યા વિચારતા, જાણો શું છે આખો મામલો
સંભવિત પ્લેઇંગ-11
રાજસ્થાન રોયલ્સ (RR) : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફેરેરા, શુભમ દુબે, રવીન્દ્ર જાડેજા, દાસુન શનાકા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, યશ રાજ પુંજા.
સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) : અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઈશાન કિશન (વિકેટકીપર), હેનરિક ક્લાસેન, સલીલ અરોરા, સ્મરણ રવિચંદ્રન, નીતિશ કુમાર રેડ્ડી, પેટ કમિન્સ (કેપ્ટન), શિવાંગ કુમાર, ઈશાન મલિંગા, સાકિબ હુસૈન.





