IPL 2026 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 હવે તેના સૌથી રોમાંચક અને અંતિમ તબક્કામાં પ્રવેશી ચૂકી છે. તમામ લીગ મેચો રમાઈ ગયા બાદ પ્લેઓફનું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ ગયું છે અને ટોપ-4 ટીમો ખિતાબ જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહી છે. આ હાઇ-વોલ્ટેજ માહોલ વચ્ચે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અક્ષર પટેલે આ સિઝનની વિજેતા ટીમને લઈને એક એવી ભવિષ્યવાણી કરી છે, જેણે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. અક્ષર પટેલે આ સિઝનમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કે શાનદાર રમત બતાવી રહેલી ગુજરાત ટાઇટન્સને બાજુ પર મૂકીને અન્ય એક ખતરનાક ટીમને ટ્રોફીની પ્રબળ દાવેદાર ગણાવી છે.
અક્ષર પટેલની મોટી ભવિષ્યવાણી
દિલ્હી કેપિટલ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હોવા છતાં તેના કેપ્ટન અક્ષર પટેલે બાકીની ટીમોની રમતનું સચોટ વિશ્લેષણ કર્યું છે. અક્ષર પટેલે આ વર્ષે IPL નો ખિતાબ જીતવા માટે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) નું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. પોતાની છેલ્લી લીગ મેચ બાદ મીડિયા અને બ્રોડકાસ્ટર સાથે વાત કરતાં અક્ષરે જણાવ્યું હતું કે, હૈદરાબાદનો વિસ્ફોટક ટોપ ઓર્ડર આખી ટૂર્નામેન્ટમાં સૌથી ઘાતક સાબિત થયો છે. તેમણે અન્ય ટીમોને ચેતવણી આપતા કહ્યું કે, જો પ્લેઓફની મહત્વની મેચોમાં પણ હૈદરાબાદના શરૂઆતના ત્રણ બેટ્સમેનો ફોર્મમાં રહેશે, તો દુનિયાના કોઈપણ બોલિંગ આક્રમણ માટે તેમને રોકવા અશક્ય બની જશે.
હૈદરાબાદનું શાનદાર પરફોર્મન્સ
સનરાઇઝર્સ હૈદરાબાદે લીગ સ્ટેજના અંતમાં જે પ્રકારનું ક્રિકેટ રમ્યું છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. તેમણે પોતાની છેલ્લી લીગ મેચમાં ટેબલ-ટોપર રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામે 55 રનથી એક તરફી અને મોટી જીત મેળવીને પ્લેઓફમાં સત્તાવાર એન્ટ્રી કરી હતી. હૈદરાબાદના હોમ ગ્રાઉન્ડ એટલે કે, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં સનરાઇઝર્સે બેટિંગ અને બોલિંગ બંને ક્ષેત્રે સિઝનનું સર્વશ્રેષ્ઠ પરફોર્મન્સ કર્યું હતું. આ દબાણવાળી મેચ જીતીને તેમણે પોઇન્ટ ટેબલમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું અને સાબિત કર્યું કે, તેઓ ટ્રોફીથી હવે વધુ દૂર નથી.
એલિમિનેટર મેચનો રોમાંચ
પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રહેવાના કારણે હવે સનરાઇઝર્સ હૈદરાબાદે ફાઇનલ સુધી પહોંચવા માટે લાંબો રસ્તો કાપવો પડશે. તેમનો સામનો 27 મેના રોજ ચંદીગઢના મુલ્લાંપુર સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે એલિમિનેટર મેચમાં થશે. આ એક ડૂ-ઓર-ડાય મેચ હશે જેમાં હારનાર ટીમ સીધી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. અક્ષર પટેલે આ મેચ અંગે વાત કરતાં કહ્યું કે, હૈદરાબાદની તાકાત તેમની આક્રમકતા છે. રસપ્રદ વાત એ છે કે, અક્ષરે વિરાટ કોહલીની મજબૂત RCB, શુભમન ગિલની ગુજરાત ટાઇટન્સ કે વૈભવ સૂર્યવંશીની રાજસ્થાન રોયલ્સ જેવી ટીમોને છોડીને માત્ર હૈદરાબાદ પર જ પોતાનો ભરોસો જતાવ્યો છે.
ઓસ્ટ્રેલિયન ખેલાડીના પરિવારને મળી રહ્યા છે ગંદા મેસેજ: વિરાટ કોહલી સાથે બબાલ કર્યા બાદ ખરાબ થયા હેડના હાલ!
દિલ્હી કેપિટલ્સ કેમ બહાર થઈ
બીજી તરફ જો દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો આ સિઝનમાં તેમનો પ્રવાસ નિરાશાજનક રહ્યો છે. દિલ્હીએ 14 મેચો રમીને 14 પોઇન્ટ મેળવ્યા અને નેટ રન રેટના કારણે તેઓ છઠ્ઠા સ્થાને રહ્યા. ટૂર્નામેન્ટની મધ્યમાં ટીમે સતત મેચો ગુમાવી જેના કારણે તેઓ પ્લેઓફની રેસમાં પાછળ રહી ગયા હતા. જોકે દિલ્હીએ છેલ્લી ત્રણ મેચો જીતીને શાનદાર કમબેકનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે ટોપ-4 માં જવા માટે પૂરતો ન હતો. આ સાથે જ દિલ્હીની ટીમ પ્લેઓફમાં પહોંચવા માટે સતત પાંચમા વર્ષે પણ અસફળ રહી છે. અક્ષરે સ્વીકાર્યું કે, એક કેપ્ટન તરીકે તેમણે ઘણું શીખવા મળ્યું છે અને કેપ્ટનસી દરમિયાન માનસિક સંતુલન જાળવવું ખૂબ જ જરૂરી છે.
કેએલ રાહુલે IPLમાં રચ્યો અનોખો ઇતિહાસ!: ગેલ-મેક્સવેલ પણ છૂટ્યા પાછળ! બન્યો આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન!
પ્લેઓફનું સંપૂર્ણ શેડ્યૂલ
આ સિઝનની પ્લેઓફ રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે કારણ કે, ચારેય ટીમો એકથી ચડિયાતી એક છે. શેડ્યૂલ મુજબ, ટેબલની ટોપ બે ટીમો એટલે કે RCB અને GT 26 મેના રોજ ક્વોલિફાયર 1 માં આમને-સામને ટકરાશે. આ મેચ જીતનારી ટીમ સીધી ફાઇનલમાં પહોંચશે. ત્યારબાદ 27 મેના રોજ SRH અને RR વચ્ચે એલિમિનેટર રમાશે. એલિમિનેટરની વિજેતા ટીમ 29 મેના રોજ ક્વોલિફાયર 2 માં, ક્વોલિફાયર 1 ની હારેલી ટીમ સામે રમશે. આ તમામ જંગ બાદ IPL 2026 ની ભવ્ય ફાઇનલ મેચ 31 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.





