RR vs PBKS : IPL 2026 માં અત્યાર સુધી અણનમ યોદ્ધા તરીકે આગળ વધી રહેલી પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સની ટીમને આખરે હારનો સામનો કરવો પડ્યો છે. મંગળવારે રમાયેલી હાઇ-વોલ્ટેજ મેચમાં રાજસ્થાન રોયલ્સના 6 ફૂટ 4 ઇંચ લાંબા સ્પિનર યશ રાજ પુંજાએ પોતાની ધારદાર બોલિંગથી આખી રમત બદલી નાખી હતી. પંજાબની વિજયી ટ્રેન પર રાજસ્થાને એવી બ્રેક લગાવી કે શ્રેયસ ઐયરની સેના આ સિઝનમાં પ્રથમ વખત પરાજિત થઈ છે.
ટોસ અને રિયાન પરાગની રણનીતિ
મેચની શરૂઆતમાં રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. પરાગનો હેતુ પંજાબની આક્રમક બેટિંગ લાઇનઅપને શરૂઆતમાં જ પકડી રાખવાનો હતો. જોકે, શ્રેયસ ઐયરની ટીમે ફરી એકવાર પોતાની તાકાત બતાવી અને રાજસ્થાનના બોલરોનો સામનો કરતાં 20 ઓવરમાં 222/4 નો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. આ સ્કોર જોતાં એક સમયે પંજાબની જીત નિશ્ચિત જણાતી હતી.
યશ રાજ પુંજાનો એન્ટ્રી અને કૂપરની વિકેટ
જ્યારે પંજાબના બેટ્સમેનો રનનો વરસાદ કરી રહ્યા હતા, ત્યારે કેપ્ટન રિયાન પરાગે યુવા સ્પિનર યશ રાજ પુંજાને બોલિંગ એટેક પર લગાવ્યો. પુંજાએ પોતાની ઉંમર કરતાં વધુ પરિપક્વતા બતાવી હતી. તેને 9 મી ઓવરના બીજા બોલ પર કૂપર કોનોલીને પોતાની જાળમાં ફસાવ્યો. પુંજાએ એક શાનદાર ફુલ-લેન્થ ગુગલી ફેંકી, જે જોઈને કોનોલી સિક્સર મારવા લલચાયો, પણ બોલ સીધો લોંગ ઓફ પર ઊભા રહેલા ડોનોવન ફેરેરાના હાથમાં ગયો. આ વિકેટથી પંજાબની રન ગતિ પર પહેલીવાર લગામ લાગી હતી.
મેચનો નિર્ણાયક ટર્નિંગ પોઇન્ટ
પંજાબની ટીમ હજુ પણ મજબૂત હતી કારણ કે, પ્રભસિમરન સિંહ 59 રન બનાવીને ક્રીઝ પર સેટ હતો. 14 મી ઓવરના છેલ્લા બોલ પર પુંજાએ ફરી કમાલ કરી. તેને પ્રભસિમરનના આક્રમક મૂડને પારખીને અત્યંત ચતુરાઈથી બોલની ગતિ ધીમી કરી અને ઓફ-સ્ટમ્પની બહાર લેગ-બ્રેક ફેંક્યો. પ્રભસિમરન મોટો શોટ મારવા જતાં બોલ હવામાં ઊંચો ગયો અને એક્સ્ટ્રા કવર પર કેપ્ટન રિયાન પરાગે આસાન કેચ પકડી લીધો. પુંજાની આ બે વિકેટોએ પંજાબને 250 ના સ્કોર સુધી પહોંચતા રોકી દીધું, જે અંતમાં હારનું કારણ બન્યું.
ટીમનું મનોબળ
યશ રાજ પુંજાના આ સ્પેલને કારણે પંજાબની લય તૂટી ગઈ હતી. સાતમાંથી છ મેચ જીતનારી પંજાબની ટીમ આ હાર સાથે પોઈન્ટ ટેબલમાં થોડી નીચે સરકી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ માટે આ જીત બુસ્ટર સાબિત થશે. યુવા સ્પિનરની આ કમાલ દર્શાવે છે કે, IPL માં લંબાઈ અને ટેકનિકનું મિશ્રણ બેટ્સમેનો માટે કેટલું જોખમી સાબિત થઈ શકે છે.





