RP Patel Umiya Foundation Kadi: મહેસાણા જિલ્લાના કડી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ અને જાણીતા પાટીદાર અગ્રણી આર.પી. પટેલે આપેલા એક નિવેદને હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવી છે. તેમણે સમાજમાં વધી રહેલા 'એક જ સંતાન'ના ટ્રેન્ડ સામે લાલબત્તી ધરી છે અને પરિવારોને ત્રણ સંતાનો રાખવા માટે મજબૂત તર્ક સાથે અપીલ કરી છે.
કેમ આર.પી. પટેલે એક જ સંતાનના ચલણ પર ચિંતા વ્યક્ત કરી?
આજના આધુનિક યુગમાં મોંઘવારી અને ઉછેરની જવાબદારીઓને કારણે મોટાભાગના પરિવારો 'એક જ સંતાન'ની નીતિ અપનાવી રહ્યા છે. આર.પી. પટેલે આ માનસિકતા સામે સામાજિક અને પારિવારિક સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે. તેમના મતે, જો કોઈ પરિવારમાં માત્ર એક જ પુત્ર હોય અને તે ઉચ્ચ અભ્યાસ કે કારકિર્દી માટે અમેરિકા કે વિદેશ સ્થાયી થઈ જાય, તો પાછળથી માતા-પિતા અને પરિવારની સુરક્ષાનું શું? વળી, કોઈ અણધારી કુદરતી આફત કે ઘટના બને ત્યારે પણ પરિવારનું અસ્તિત્વ જોખમમાં મુકાઈ શકે છે. આ જ કારણોસર તેમણે એકલવાયા સામાજિક માળખા સામે ચિંતા વ્યક્ત કરી છે.
ત્રણ સંતાન માટેની 'સ્પેશિયલ ફોર્મ્યુલા'
આર.પી. પટેલે મંચ પરથી એક પ્રેરક સૂત્ર આપ્યું હતું કે દરેક પરિવારમાં ત્રણ સંતાન હોવા જોઈએ, જેમના માટે તેમણે ચોક્કસ જવાબદારીઓ વહેંચી છે. પ્રથમ સંતાન - પરિવાર (Family) માટે: જે કુટુંબની જવાબદારી સંભાળે અને વંશવેલો આગળ વધારે. બીજું સંતાન - ધર્મ (Religion) માટે: જે ધાર્મિક મૂલ્યોનું જતન કરે અને સંસ્કારોને જીવંત રાખે. ત્રીજું સંતાન - રાષ્ટ્ર (Nation) માટે: જે દેશની સુરક્ષા અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું જીવન સમર્પિત કરે. આર.પી. પટેલે વધુમાં જણાવ્યું હતું કે પરિવાર, ધર્મ અને રાષ્ટ્ર - આ ત્રણ સ્તંભોને મજબૂત કરવા માટે આ નવી ફોર્મ્યુલા અપનાવવી અનિવાર્ય છે.
કડીની નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં અપાયો સંદેશ
કડીમાં આયોજિતકડવા પાટીદાર 42 સમાજની નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટની ફાઈનલ મેચમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આર.પી. પટેલે યુવાનોને સંબોધતા આ વાત કરી હતી. તેમણે જણાવ્યું કે રમતગમતની સાથે સમાજ નિર્માણમાં પણ યુવાનોનું યોગદાન જરૂરી છે.
અમદાવાદના કલેક્ટર બદલાયા; જાણો કોણે સંભાળ્યો પદભાર : પૂર્વ કલેક્ટર સુજીત કુમારને અપાઈ ભાવભીની વિદાય
સંગઠિત સમાજ અને શક્તિ પ્રદર્શન
આ પ્રસંગે તેમણે અમદાવાદમાં નિર્માણ પામી રહેલા 504 ફૂટ ઊંચા જગત જનની મા ઉમિયાના ભવ્ય મંદિરનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ મંદિર માત્ર આસ્થાનું કેન્દ્ર નથી, પરંતુ પાટીદાર સમાજની એકતા અને શક્તિનું પ્રતિક છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે જ્યારે સમાજ સંગઠિત અને સંખ્યાત્મક રીતે મજબૂત હશે, ત્યારે જ તે દેશના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી શકશે. આર.પી. પટેલના આ નિવેદને સામાજિક સ્તરે એક નવી ચર્ચા છેડી છે. એક તરફ જ્યાં વસ્તી નિયંત્રણની વાતો થાય છે, ત્યાં બીજી તરફ સામાજિક અસ્તિત્વ અને સુરક્ષા માટે અપાયેલી આ હાકલ કેટલી અસરકારક સાબિત થાય છે તે જોવું રહ્યું.
આર.પી. પટેલ કોણ અને કેમ ચર્ચામાં રહે છે?
Vishv Umiya Foundation ના પ્રમુખ તરીકે ઓળખાતા આર.પી. પટેલ છેલ્લા કેટલાક વર્ષોથી સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રોમાં સક્રિય રહ્યા છે. અમદાવાદના જસપુર સ્થિત વિશ્વ ઉમિયાધામ પ્રોજેક્ટ સાથે તેમનું નામ ખાસ જોડાયેલું છે. ફાઉન્ડેશન દ્વારા સમાજ એકતા, શિક્ષણ, યુવાઓને માર્ગદર્શન અને ધાર્મિક જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવે છે. આર.પી. પટેલનો પ્રવાસ સામાન્ય ખેડૂત પરિવારમાંથી શરૂ થઈ સામાજિક નેતૃત્વ સુધી પહોંચ્યો હોવાનું વિવિધ અહેવાલોમાં દર્શાવવામાં આવ્યું છે. તેઓએ બેન્કિંગ ક્ષેત્રમાં સેવા આપ્યા બાદ સામાજિક પ્રવૃત્તિઓમાં વધુ સક્રિય ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં તેમના કેટલાક નિવેદનો સોશિયલ મીડિયા અને સમાજમાં ચર્ચાનો વિષય બન્યા છે. ખાસ કરીને પરિવાર વ્યવસ્થા, સમાજની સંસ્કૃતિ, યુવાનો અને પાટીદાર સમાજના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર તેઓ ખુલ્લેઆમ પોતાના વિચારો વ્યક્ત કરતા રહ્યા છે.
ગુજરાતની રાજનીતિમાં નવા જૂનીના એંધાણ : જવાહર ચાવડા અને ગોપાલ ઈટાલિયા એક મંચ પર સાથે દેખાતા ખળભળાટ!
મહેસાણા અને કડી વિસ્તારમાં નિવેદનને લઈને ચર્ચા કેમ વધી?
મહેસાણા અને કડી વિસ્તાર પાટીદાર સમાજ માટે મહત્વપૂર્ણ સામાજિક અને રાજકીય કેન્દ્રો માનવામાં આવે છે. અહીં સમાજ સાથે જોડાયેલા મુદ્દાઓ ઝડપથી ચર્ચામાં આવે છે. આર.પી. પટેલના નિવેદન બાદ સોશિયલ મીડિયા પર સમર્થન અને વિરોધ બંને પ્રકારની પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક લોકોનું માનવું છે કે સમાજમાં ઘટતી પરિવાર વ્યવસ્થા, યુવાનોમાં બદલાતી જીવનશૈલી અને સામાજિક બંધારણ અંગે ગંભીર ચર્ચાની જરૂર છે. બીજી તરફ કેટલાક લોકો માને છે કે આવા નિવેદનો ખૂબ જ સંવેદનશીલ વિષયો સાથે જોડાયેલા હોવાથી તેને વધુ સંતુલિત રીતે રજૂ કરવાની જરૂર રહે છે. આ પહેલો પ્રસંગ નથી જ્યારે આર.પી. પટેલનું નિવેદન ચર્ચામાં આવ્યું હોય. અગાઉ પણ સમાજમાં લગ્ન વ્યવસ્થા, સંતાન સંખ્યા અને સામાજિક ગોઠવણ અંગે તેમના નિવેદનો ચર્ચાસ્પદ બન્યા હતા.
સમાજમાં બદલાતી માનસિકતા અને નવી ચર્ચાઓ
ગુજરાત સહિત સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં પરિવાર પ્રણાલી, લગ્ન વય, કારકિર્દી પ્રાથમિકતા અને યુવાનોની જીવનશૈલીમાં મોટો બદલાવ આવ્યો છે. શહેરોમાં વધતી વ્યસ્તતા, શિક્ષણ અને નોકરી માટે સ્થળાંતર, તેમજ આર્થિક દબાણો જેવા પરિબળો સમાજની રચનાને અસર કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં સામાજિક સંગઠનો દ્વારા વારંવાર સમાજને સંદેશ આપવાના પ્રયાસો કરવામાં આવે છે. પરંતુ આજના ડિજિટલ યુગમાં આવા નિવેદનો તરત વાયરલ થઈ જતાં હોવાથી ચર્ચા વધુ ઝડપથી ફેલાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકો આર.પી. પટેલના વિચારોને “સમાજ ચિંતન” તરીકે જોવે છે, જ્યારે કેટલાક લોકો તેને વ્યક્તિગત જીવનમાં દખલ તરીકે પણ જોતા હોય છે. આ પ્રકારની વિભાજિત પ્રતિક્રિયાઓ દર્શાવે છે કે ગુજરાતના સમાજમાં હવે પરંપરા અને આધુનિકતા વચ્ચેનું મंथન વધુ સ્પષ્ટ બની રહ્યું છે





