Vadodara ST Depot Accident: સંસ્કારી નગરી વડોદરાના હાર્દ સમાન અને અત્યંત વ્યસ્ત રહેતા સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેન્ડ (ST ડેપો) ખાતે આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે. બસ સ્ટેન્ડના ઉપરના ભાગનું ભારેખમ સ્ટ્રક્ચર અચાનક પત્તાના મહેલની જેમ તૂટી પડતા ત્યાં હાજર મુસાફરોમાં નાસભાગ અને ચીસાચીસ મચી ગઈ હતી. આ ભયાનક દુર્ઘટનામાં કાટમાળ નીચે દબાઈ જવાથી એક વ્યક્તિનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય અનેક મુસાફરો ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ઘટનાની જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડ, પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો છે. કાટમાળમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકાને પગલે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર પોલીસે સમગ્ર બસ સ્ટેન્ડ વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને સામાન્ય નાગરિકોની અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે.
રેસ્ક્યુ ઓપરેશન: 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમો તૈનાત
દુર્ઘટના બાદ રાહત અને બચાવ કામગીરી માટે 108 એમ્બ્યુલન્સની 4 થી વધુ ટીમો ઘટનાસ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. કાટમાળમાંથી બહાર કાઢવામાં આવેલા ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડવામાં આવી રહ્યા છે. જેસીબી અને આધુનિક કટર મશીનોની મદદથી ભારેખમ સ્લેબ અને લોખંડના સ્ટ્રક્ચરને હટાવવાની કામગીરી અત્યારે ફૂલ સ્પીડમાં ચાલી રહી છે.
આ પણ વાંચો: અઠવા બ્રિજ પર દોડતી કાર બની 'અગનગોળો' : ભભૂકતી આગને પગલે વાહનચાલકોમાં ફફડાટ અને ટ્રાફિકજામ
ટ્રાફિક અને બસ રૂટમાં ફેરફાર
બસ સ્ટેશન વિસ્તારમાં ભીડને નિયંત્રિત કરવા અને બચાવ કાર્યમાં કોઈ અડચણ ન આવે તે માટે રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ તરફ જતા તમામ મુખ્ય માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. એસ.ટી. નિગમ દ્વારા મુસાફરોની હાલાકી ઘટાડવા માટે બસોના રૂટ અન્ય સ્થળોએ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. બસ સ્ટેન્ડના એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

તંત્રના મેન્ટેનન્સ સામે ઉઠ્યા સવાલો
પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, જ્યારે બસ સ્ટેન્ડ મુસાફરોથી ખીચોખીચ ભરેલું હતું ત્યારે અચાનક જોરદાર ધડાકા સાથે ઉપરનું સ્ટ્રક્ચર નીચે ખાબક્યું હતું. આ ઘટનાએ એસ.ટી. ડેપોના મેન્ટેનન્સ અને બિલ્ડિંગની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. લાખો રૂપિયાના ખર્ચે બનેલા આ આધુનિક બસ સ્ટેન્ડમાં આવી દુર્ઘટના કઈ રીતે સર્જાઈ, તેની તપાસની માંગ પણ ઉઠી રહી છે.
પોલીસ કાર્યવાહી અને તપાસ
વડોદરા પોલીસે હાલમાં અકસ્માતે મોતનો ગુનો નોંધીને પ્રાથમિક તપાસ શરૂ કરી છે. ડેપોના સીસીટીવી ફૂટેજ અને સ્ટ્રક્ચરના નમૂના લઈ તપાસ હાથ ધરવામાં આવશે કે આ ઘટનામાં કોઈની બેદરકારી જવાબદાર છે કે કેમ. તંત્ર દ્વારા હાલમાં પ્રાથમિકતા કાટમાળ નીચે ફસાયેલા તમામ જીવને સુરક્ષિત બહાર કાઢવાની છે.





