જામનગરના મોટાપીર ચોક વિસ્તારમાં આવેલું એક જૂનું અને જર્જરિત બે માળનું મકાન અચાનક ધરાશાયી થતાં ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. મકાનની છત ધરાશાયી થતાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે, જેમાં રજીયા અબ્દુલભાઈ સાટી (ઉંમર 58)ની હાલત અત્યંત ગંભીર છે. આ મકાનમાં ઉપરના માળે રજીયાબેન રહેતા હતા જ્યારે નીચેની માળે હુસૈન મુસાભાઈ સાટી (ઉંમર 61) ભાડૂઆત તરીકે રહેતા હતા. અચાનક છત ધસાઈ જતા રજીયાબેન સીધા નીચે પટકાયા અને હુસૈનભાઈ મકાનના કાટમાળ નીચે દબાઈ ગયા હતા.
બંને ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢ્યા
ઘટનાની જાણ થતા જ સ્થાનિક અગ્રણી સૈયદ મોહમદઅલી બાપુએ તાત્કાલિક જામનગર ફાયર વિભાગ તેમજ સિટી-એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ ફાયર વિભાગ, સિટી-એ ડિવિઝનનાં જવાનો અને સ્થાનિક નાગરિકોએ મળીને ઝડપી રેસ્ક્યુ ઓપરેશન ચલાવી બંને ઘાયલોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા.
વિસ્તારમાં જૂના મકાનોની સલામતી અંગે ચિંતા પ્રસરી
બંને ઇજાગ્રસ્તોને તરત જ 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તબીબો મુજબ રજીયાબેનને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાને કારણે તેમની સ્થિતિ અત્યંત ગંભીર છે, જ્યારે હુસૈનભાઈને પણ ઇજા થઈ છે અને સારવાર ચાલુ છે. આ અચાનક બનેલી દુર્ઘટનાએ સ્થળ પર દહેશતનું વાતાવરણ પેદા કર્યું છે અને વિસ્તારના જૂના મકાનોની સલામતી અંગે ચિંતા વધી ગઈ છે.






