Home Sports IPL 2026 Riyan Parag Vaping Video Ipl 2026 Controversy Rajasthan Royals Bcci Action

ખાલી બેટથી જ નહીં, હરકતોથી પણ ચર્ચામાં રિયાન પરાગ : ડ્રેસિંગ રૂમમાં 'વેપિંગ' કરતો ઝડપાયો કેપ્ટન, સોશિયલ મીડિયા પર ફેન્સનો ભારે રોષ

Riyan Parag IPL 2026 Vaping Video
Published by: Nirali Gohil
Last Updated: Apr 29, 2026, 04:58 AM IST

IPL 2026ની સીઝનમાં મેદાન પર શાનદાર પ્રદર્શન કરી રહેલી રાજસ્થાન રોયલ્સ (RR) ટીમ માટે એક મોટા વિવાદના સમાચાર સામે આવ્યા છે. પંજાબ કિંગ્સ (PBKS) સામેની રોમાંચક મેચમાં જીત મેળવ્યા બાદ ટીમ ઉત્સાહમાં હતી, પરંતુ કેપ્ટન રિયાન પરાગનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. આ વીડિયોમાં રિયાન પરાગ ટીમના ડ્રેસિંગ રૂમમાં 'વેપિંગ' (ઈ-સિગારેટ) કરતો જોવા મળી રહ્યો છે, જે રમતની શિસ્ત અને નિયમોનું ગંભીર ઉલ્લંઘન માનવામાં આવે છે.

મંગળવારે ન્યૂ ચંદીગઢના મુલ્લાનપુરમાં રમાયેલી મેચ દરમિયાન જ્યારે કેમેરો રાજસ્થાનના ડ્રેસિંગ રૂમ તરફ ગયો, ત્યારે રિયાન પરાગ તેના સાથી ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ અને ધ્રુવ જુરેલની હાજરીમાં કથિત રીતે વેપિંગ કરતો ઝડપાયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા જ ચાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને ઘણા લોકો તેને એક યુવા કેપ્ટન માટે બિનવ્યાવસાયિક વર્તન ગણાવી રહ્યા છે. ખાસ કરીને જ્યારે ટીમમાં વૈભવ સૂર્યવંશી જેવા 15 વર્ષીય યુવા ખેલાડીઓ પણ સામેલ હોય, ત્યારે આ પ્રકારનું કૃત્ય ખોટો સંદેશ આપે છે તેવી ટીકાઓ થઈ રહી છે.

શું છે સમગ્ર વિવાદ અને કેવી રીતે સામે આવી ઘટના?

રાજસ્થાન રોયલ્સ જ્યારે 223 રનના વિશાળ સ્કોરનો પીછો કરી રહી હતી, ત્યારે ઇનિંગની 16મી ઓવર દરમિયાન બ્રોડકાસ્ટ કેમેરા ટીમ ડ્રેસિંગ રૂમ તરફ વળ્યા હતા. તે ક્ષણે કેપ્ટન રિયાન પરાગ તેના હાથમાં ઈ-સિગારેટ જેવું ઉપકરણ પકડીને તેનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. વીડિયોમાં તે ખૂબ જ સાવધાનીપૂર્વક વેપિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ તેની આ હરકત લાઈવ ટીવી પર કેદ થઈ ગઈ હતી. આ વીડિયો 'X' (અગાઉનું ટ્વિટર) પર વાયરલ થતા જ ક્રિકેટ પ્રેમીઓએ BCCI પાસે કડક કાર્યવાહીની માંગ કરી છે.

BCCI અને ભારત સરકારના કયા નિયમોનું થયું ઉલ્લંઘન?

રિયાન પરાગની આ હરકત તેને બેવડી મુશ્કેલીમાં મૂકી શકે છે. પ્રથમ તો, BCCI અને IPLના નિયમો મુજબ ડ્રેસિંગ રૂમ, ડગઆઉટ કે સ્ટેડિયમ પરિસરમાં (નક્કી કરેલા ઝોન સિવાય) ધૂમ્રપાન કરવું સખત પ્રતિબંધિત છે. બીજું, ભારતમાં 'ઇલેક્ટ્રોનિક સિગારેટ પ્રતિબંધ અધિનિયમ (PECA), 2019' હેઠળ વેપિંગ ઉપકરણોના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. આ કાયદાના ઉલ્લંઘન બદલ દંડ અને જેલની સજાની પણ જોગવાઈ છે, જેના કારણે હવે પરાગ પર કાનૂની જોખમ પણ મંડરાઈ રહ્યું છે.

આ પણ વાંચો: IPL 2026માં પંજાબનો વિજય રથ રોકાયો : રાજસ્થાનની પંજાબ પર 6 વિકેટથી જીત

રાજસ્થાન રોયલ્સ પર વિવાદોનું ગ્રહણ

નોંધનીય છે કે આ સીઝનમાં રાજસ્થાન રોયલ્સ સાથે સંકળાયેલો આ બીજો વિવાદ છે. અગાઉ ટીમના મેનેજર રોમી ભીંડરને ડગઆઉટમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા બદલ (PMOA પ્રોટોકોલ ઉલ્લંઘન) 1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હવે ખુદ કેપ્ટન જ વિવાદમાં ફસાતા ફ્રેન્ચાઈઝીની છબીને પણ નુકસાન પહોંચ્યું છે. અત્યાર સુધી આ મામલે BCCI કે રાજસ્થાન રોયલ્સ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ આ મામલે કડક વલણ અપનાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now