હોળી પહેલા એક સારા સમાચાર આવ્યા છે. ભારતના મોંઘવારી દરમાં મોટો ઘટાડો થયો છે, જેનાથી લોકોને રાહત મળી છે. હોળી પહેલા મોંઘવારી દરમાં થયેલા ઘટાડાની ખબરથી બજારમાં ખુશીની લહેર છે. ફેબ્રુઆરીમાં ગ્રાહક મોંઘવારી દર છેલ્લા સાત મહિનાના નીચલા સ્તરે પહોંચ્યો છે. આરબીઆઈના મર્યાદા કરતાં આ દર ઘણો ઓછો છે. ફેબ્રુઆરી 2025માં ગ્રાહક મોંઘવારી દર 3.61% રહ્યો છે, જે મોટો ઘટાડો છે અને સરકારની નીતિઓની મોટી સિદ્ધિ ગણાય. નોંધનીય છે કે જાન્યુઆરીમાં ગ્રાહક મોંઘવારી દર 4.26% હતો.
સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા અર્થશાસ્ત્રીઓ દ્વારા અપાયેલી ધારણાની તુલનામાં સારા છે. અર્થશાસ્ત્રીઓએ મોંઘવારી વધુ રહેવાની સંભાવના વ્યક્ત કરી હતી. જો કે, સરકાર દ્વારા જાહેર કરાયેલા વાસ્તવિક આંકડા તેની તુલનામાં ઓછા રહ્યા. આંકડા મુજબ, જાન્યુઆરી 2025ની સરખામણીમાં ફેબ્રુઆરી 2025ની ગ્રાહક મોંઘવારીમાં 0.65 ટકાના પોઈન્ટનો ઘટાડો થયો છે. જુલાઈ 2024 પછી, એટલે કે છેલ્લા સાત મહિનામાં ફેબ્રુઆરીનો મોંઘવારી દર સૌથી નીચલા સ્તરે રહ્યો છે.
આ વસ્તુઓ સસ્તી થઈ
માત્ર આંકડાઓમાં જ નહીં, હકીકતમાં પણ મોંઘવારી દર ઘટાડો થયો છે. ટમેટા, બટેટા અને લીલાં શાકભાજીના ભાવમાં ઘટાડો નોંધાયો છે, જેનાથી મોંઘવારીમાં ઘટાડો થયો છે. ગ્રાહકો માટે ખાદ્ય પદાર્થો અને અન્ય ઉપભોક્તા સામાનની કિંમતોમાં પણ ઘટાડો થયો છે.
આ વસ્તુઓના ભાવ ઘટવાથી પડ્યો પ્રભાવ
એનએસઓ (NSO) એ જણાવ્યું કે ફેબ્રુઆરી દરમિયાન, કુલ મોંઘવારી અને ખાદ્ય મોંઘવારીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને શાકભાજી, ઈંડા, માંસ, માછલી, દાળ અને દાળના ઉત્પાદનોની કિંમતો ઘટવાને કારણે મોંઘવારીમાં ઘટાડો જોવા મળ્યો છે. એનએસઓએ વધુમાં જણાવ્યું કે શાકભાજી અને પ્રોટીનયુક્ત ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલા ઘટાડાને કારણે મોંઘવારી દર નીચે લાવવામાં મુખ્ય ભૂમિકા રહી છે.
આરબીઆઈ ઘટાડે શકે છે રેપો રેટ
ભારતીય રિઝર્વ બેન્કે છેલ્લા મોનિટરી પૉલિસીમાં રેપો રેટમાં ઘટાડો કર્યો હતો, જેના કારણે લોન લેવા માંગતા લોકોને મોટી રાહત મળી હતી. હવે મોંઘવારીમાં મોટા પાયે ઘટાડો થતાં એવું માનવામાં આવી રહ્યું છે કે ભારતીય રિઝર્વ બેન્ક પોતાની આગામી મોનિટરી પૉલિસીમાં વ્યાજદરમાં વધુ એક વખત ઘટાડો કરી શકે છે.
મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું સારુ પ્રદર્શન
મેન્યુફેક્ચરિંગ સેક્ટરના સારા પ્રદર્શનને કારણે દેશમાં ઔદ્યોગિક ઉત્પાદન (IIP)માં જાન્યુઆરી 2025માં 5%ની વૃદ્ધિ નોંધાઈ છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP)ના આધારે માપવામાં આવતું ઉત્પાદન જાન્યુઆરી 2024માં 4.2% વધ્યું હતું. બુધવારે જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ, સરકારે ડિસેમ્બર 2024માં 3.2% વૃદ્ધિના પ્રારંભિક અંદાજમાં સુધારો કર્યો છે અને હવે તેને 3.5% કરવામાં આવ્યું છે.
શા માટે મોંઘવારી ઓછી થઈ?
મોંઘવારીમાં ઘટાડાનું એક મોટું કારણ ખાદ્ય પદાર્થોના ભાવમાં થયેલો ઘટાડો છે. ફેબ્રુઆરીમાં કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ (CFPI) મોંઘવારી 3.75% રહી, જે જાન્યુઆરી કરતા 222 બેઝિસ પોઈન્ટ ઓછું છે. આ મે 2023 પછીની સૌથી ઓછી ખાદ્ય મોંઘવારી છે.
આંકડાઓ દર્શાવે છે કે ગ્રામીણ વિસ્તારોમાં મોંઘવારી શહેરી વિસ્તારોની તુલનામાં વધુ રહી. ગ્રામીણ વિસ્તારોમાં ફેબ્રુઆરીમાં કુલ મોંઘવારી દર 3.79% રહ્યો, જે જાન્યુઆરીમાં 4.59% હતો. ગ્રામીણ ભારતમાં ખાદ્ય મોંઘવારી જાન્યુઆરીના 6.31% થી ઘટીને ફેબ્રુઆરીમાં 4.06% થઈ ગઈ. શહેરી વિસ્તારોમાં મોંઘવારી જાન્યુઆરીના 3.87% થી ઘટીને ફેબ્રુઆરીમાં 3.32% થઈ ગઈ, જ્યારે ખાદ્ય મોંઘવારી 5.53% થી ઘટીને 3.20% થઈ ગઈ.





















