31 ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ઉજવાતી રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીને લઈ એકતાનગર તૈયાર છે. દેશભરના આમંત્રિતો, અધિકારીઓ, કર્મચારીઓ અને જનતાને સુવિધા મળી રહે તે માટે વિશાળ તાત્કાલિક વસવાટની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે.
કોયારી-ગરૂડેશ્વર મામલતદાર કચેરી પાસે બનાવાયેલા ડોમોમાં રહેણાકથી લઈ ભોજન સુધીની સુવિધાઓ ઉપલબ્ધ
ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા કુલ 11 ડોમ ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 7 ડોમ અન્ય રાજ્ય અને જિલ્લાઓથી આવતા નાગરિકો માટે, 2 ડોમ બંદોબસ્ત માટે ફરજ બજાવનાર પોલીસ જવાનો માટે તથા 2 ડોમ ભોજન માટે બનાવવામાં આવ્યા છે. આ ડોમોમાં કુલ 9014 લોકોની અને 1400 પોલીસકર્મીઓ માટે સુવિધા ઉપલબ્ધ છે.
ડોમોમાં આરામદાયક પથારી, ચાર્જિંગ પોઇન્ટ, બેગ રાખવા માટે સ્ટેન્ડ, સ્વચ્છ બાથરૂમ અને ન્હાવાની સુવિધા જેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. પુરુષ અને મહિલા માટે અલગ ડોર્મિટરીની વ્યવસ્થા રાખવામાં આવી છે. દરેક ડોમમાં વેન્ટિલેશન અને ફાયર સેફ્ટી સહિતની સુવિધાઓની પણ પૂરતી તકેદારી લેવામાં આવી છે.
નોંધણી અને આરોગ્ય કાઉન્ટર દ્વારા સહાયતા
એકતાનગર ખાતે નોંધણી કાઉન્ટર અને પ્રાથમિક સારવાર કાઉન્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જ્યાં આવતા મહેમાનોની નોંધણી સાથે જરૂરી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
સ્વચ્છતા અને શૌચાલય વ્યવસ્થાનું વિશેષ ધ્યાન
પ્રવાસીઓની સુવિધા માટે આધુનિક શૌચાલય બ્લોક્સ ઉભા કરવામાં આવ્યા છે, જેમાં પુરુષ અને મહિલાઓ માટે અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. પાણી, લાઇટ અને સફાઈની સતત વ્યવસ્થા સાથે સ્વચ્છતાને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવી છે.
ઉપરાંત, 174 બસો માટે પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાઈ છે જેથી પરિવહનમાં કોઈ અડચણ ન રહે. તમામ ડોમ અને સુવિધા સ્થળોએ રંગીન ફેબ્રિક કવરિંગ, પૂરતો પ્રકાશ અને સજાવટ સાથે એકતાનગરમાં તહેવારમય વાતાવરણ છવાઈ ગયું છે.
રાષ્ટ્રીય એકતા દિવસની આ ભવ્ય ઉજવણીમાં આવતા દરેક મહેમાનને સુવિધા અને આરામની અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકારે તંત્ર સાથે મળી સુવ્યવસ્થિત આયોજન કર્યું છે.






