Home Gujarat Reinvestigation Into The Rs 1500 Crore Land Scam Case In Surendranagar

સુરેન્દ્રનગર 1500 કરોડના જમીન સ્કેમ મામલો : તત્કાલિન કલેક્ટરના સરકારી નિવાસ્થાને EDની ફરી તપાસ, સોનું-ચાંદી કબજે કર્યાની ચર્ચા, મોટા ખુલાસો થશે

સુરેન્દ્રનગર 1500 કરોડના જમીન સ્કેમ મામલો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 11:49 AM IST

Surendranagar ED Case : સુરેન્દ્રનગર જિલ્લામાં અગાઉ ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા કરાયેલા દરોડા અને સર્ચ ઓપરેશન મામલે તપાસનો દોર વધુ તેજ બન્યો છે. આ કેસમાં તત્કાલિન જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલને સાથે લઈ જઈ તેમના સુરેન્દ્રનગર ખાતે આવેલા સરકારી નિવાસ સ્થાને ઈ.ડી. દ્વારા પુછપરછ કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી સમગ્ર જિલ્લામાં ફરી એકવાર ભારે ચર્ચા જાગી છે.

EDની ત્રણ અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

મળતી માહિતી મુજબ, મોડી રાતથી વહેલી સવાર સુધી ઈ.ડી.ની ત્રણ અલગ અલગ ટીમો દ્વારા તપાસનો ધમધમાટ ચાલ્યો હતો. સરકારી નિવાસ સ્થાને કરવામાં આવેલી આ લાંબી તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. આ સાથે જ સરકારી નિવાસ સ્થાનેથી મોટા પ્રમાણમાં સોનું અને ચાંદી કબજે કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ પણ જોરશોરથી ચાલી રહી છે, જો કે આ અંગે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

કાર્યવાહીનો રેલો

ઉલ્લેખનીય છે કે આ મામલો મોટાપાયે જમીન કૌભાંડ સાથે સંકળાયેલો છે. આ કૌભાંડ મામલે ઈ.ડી. દ્વારા ગત તા.23 ડિસેમ્બરના રોજ સુરેન્દ્રનગરમાં વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા બાદ તપાસ વધુ ઊંડી બનતા અનેક અધિકારીઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

અગાઉ ACB એ અપ્રમાણસર મિલકતનો કેસ નોંધ્યો હતો

અગાઉ ઈ.ડી.ની રેઇડ બાદ સુરેન્દ્રનગર ACB કચેરી ખાતે અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં તે સમયના જિલ્લા કલેક્ટર ડો. રાજેન્દ્રકુમાર પટેલ, નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલા તથા ક્લાર્ક મયુરસિંહ ગોહિલના નામો સામે આવ્યા હતા. આ તમામ સામે આવક કરતાં વધુ સંપત્તિ ધરાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

તપાસ બાદ મોટો ખુલાસા થઈ શકે!

હાલ ઈ.ડી. દ્વારા કરવામાં આવેલી તાજેતરની પુછપરછ અને તપાસ બાદ વધુ નવા ખુલાસાઓ બહાર આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ કેસમાં હજુ કેટલાય મહત્વના દસ્તાવેજો અને નાણાકીય વ્યવહારો સામે આવી શકે છે, જેને લઈને પ્રશાસનિક અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે. હવે ઈ.ડી.ની આગળની કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now