ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ગોંડલ ચર્ચાસ્પદ બન્યુ છે.ત્યારે ગોંડલના વોરાકોટડા ગામે જર,જમીન અને જોરુ ત્રણેય કજીયાના છોરુ એ કહેવત સાર્થક થતી હોય તેમ જમીન પ્રશ્ને કાકા બાપાના ભાઈઓ વચ્ચે લોહિયાળ ખેલ ખેલાયો હોવાની ઘટના સામે આવી છે.આ ઘટનામાં કાકા તથા તેના પુત્ર સહિતના પરીવારે કરેલા હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત થયું હતું. જ્યારે તેના પુત્રને ગંભીર ઈજા થતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. હત્યાની ઘટનાને લઇ ગોંડલ તાલુકા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદ લઇ 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે..
ગોંડલના વોરાકોટડા ગામે રહેતા રાજેશ ઉર્ફે રમેશભાઈ નાથાભાઈ સાકરીયા (ઉ.વ 45) અને તેના પુત્ર અનિલ સાકરિયા (ઉં.વ 23) પર રાત્રીના દોઢેક વાગે તેમના પિતાની વાડીએ હતા ત્યારે રમેશભાઇના કાકા ચીનુ જીણાભાઇ સાકરીયા તેના પત્નિ સવિતાબેન, પુત્ર અજય ઉર્ફ ટીટો તેની પત્નિ હેતલે ઝઘડો કરી છરી વડે હુમલો કરી દેતા છરીનાં ચાર થી પાંચ ઘા રાજેશભાઇને લાગતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડયા હતા. પુત્ર અનિલને પણ છરીના ઘા લાગતા બંને ગંભીર રીતે ઘવાયા હતા. બંન્નેને પ્રથમ સારવાર માટે ગોંડલ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર પહેલા જ રમેશભાઇ ઉર્ફે રાજેશભાઇનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો. જ્યારે ઇજાગ્રત અનિલ સાકરિયાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.
હત્યાના બનાવને લઈને મૃતક રાજેશભાઈનાં પુત્ર અનિલે પોલીસ ફરિયાદમાં ચિનુ જીણા સાકરીયા તેના પત્નિ સવિતાબેન તેનો પુત્ર અજય ઉર્ફ ટીટો તથા તેની પત્નિ હેતલબેનનાં નામ આપી જણાવ્યુ કે, રાત્રી સમયે મારા દાદા નાથાભાઈની વાડીનાં શેઢા પાસે આરોપીઓ દ્વારા બે ફુટ જમીન ખેડી નાખતા મારા દાદાએ ઠપકો આપતા ઉશ્કેરાયેલા આરોપીઓ તા.27/05/27ના મારા દાદાની વાડીએ જઈ અપશબ્દો બોલી ઝગડો કરી રહ્યા હતા.તેની જાણ મારા પિતાને થતા હું અને મારા પિતા દાદાની વાડીએ પહોચ્યા હતા.અને સમજાવવા જતા અમારી ઉપર છરીથી હુમલો કર્યો હતો.રમેશ ઉર્ફે રાજેશભાઈ અને તેના પુત્ર અનિલ પર છરી વડે હુમલો કરનાર ચિનુ સાકરીયા રાજેશભાઈના કાકા છે જ્યારે અજય ઉર્ફ ટીટો તેનો ભાઇ છે. વારસાઈ જમીન બાબતે ભાઈઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી માથાકૂટો ચાલતી હતી. ખેતરમાં હલાણ પ્રશ્ને તેમજ ટ્રેક્ટર ચલાવવા બાબતે બંને પરિવાર વચ્ચે ઝઘડાઓ થતા હતા. દરમિયાન રાત્રીના પિતા-પુત્ર સહિતનાએ વાડીએ આવીને ઝઘડો કરી બાદમાં છરી વડે હુમલો કરી દીધો હતો.
હત્યાના બનાવને લઈ ગોંડલ તાલુકા પોલીસ દ્વારા તપાસ હાથ ધરી મૃતકના પુત્રની ફરિયાદના આધારે આરોપીઓ સામે ગુનો હત્યાનો ગુનો નોંધીને હત્યારા ચીનુ જીણાભાઈ સાકરીયા,તેની પત્ની સવિતાબેન,પુત્ર અજય ઉર્ફે ટીટો,તેની પત્ની હેતલ સહિતના આરોપીઓને વોરાકોટડાની સીમમાંથી ઝડપી પાડ્યા હતા.હત્યાના ગુનામાં ઝડપાયેલા આરોપીઓ તપાસ હાથ ધરવામાં આવી છે.તો બીજી તરફ પોલીસે ઝડપી પાડેલા આરોપી પૈકીનો અજય ઉર્ફે ટીટો સાકરીયા ગુનાહિત પ્રવૃતિઓ ધરાવતો હોવાની સાથે તેમની સામે ગોંડલના વિવિધ પોલીસ સ્ટેશનોમાં 8 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનુ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.
ગઢડામાં વ્યાજખોરો બન્યા બેફામ!: 10 લાખના બદલે 70 લાખની માંગ! જમીન કબજે કરીને જાનથી મારવાની ધમકી આપતાં ખેડૂતે નોંધાવી FIR






