Home Gujarat Reached The Civil Hospital And Inquired About The Injured

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી : સિવિલ હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્તોના ખબરઅંતર પૂછ્યા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 13, 2025, 07:08 AM IST

   
ગુજરાતના અમદાવાદમાં ગુરુવારે બનેલી એર ઇન્ડિયાની વિમાન દુર્ઘટનાએ આખા દેશને હચમચાવી દીધો છે. લંડન જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, બોઇંગ 787-8 ડ્રીમલાઇનર, સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકથી ટેકઓફ કર્યાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાનો શિકાર બની. આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સમાંથી માત્ર એક વ્યક્તિ જ બચી, જ્યારે 241 લોકોના મૃત્યુ થયા. આ ઘટનામાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલમાં તાલીમ લેતા ડોક્ટરો અને વિદ્યાર્થીઓ પણ મૃત્યુ પામ્યા, જેના કારણે કુલ મૃત્યુઆંક 265 સુધી પહોંચ્યો.

ગુરુવારે બપોરે 1:38 વાગ્યે ટેકઓફ કરેલું આ વિમાન માત્ર 59 સેકન્ડમાં જ મેઘાણીનગર વિસ્તારમાં બીજે મેડિકલ કોલેજના હોસ્ટેલ અને સ્ટાફ ક્વાર્ટર્સમાં અથડાયું. વિમાને જમીન પર અથડાતાં જ ભીષણ આગ લાગી અને ગાઢ કાળા ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉઠ્યા. પાયલટે ટેકઓફ બાદ તરત જ ‘મેડે’ (Mayday) કોલ આપ્યો હતો, જે એક ગંભીર કટોકટીનો સંકેત આપે છે, પરંતુ ત્યારબાદ એર ટ્રાફિક કંટ્રોલ સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહીં.

આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 7 પોર્ટુગીઝ નાગરિકો અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભૂતપૂર્વ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે. જે ભાજપ અને ગુજરાતના રાજકારણ માટે મોટી ક્ષતિ છે.

PM મોદીની મુલાકાત

આ ભયંકર દુર્ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની મુલાકાત લીધી. તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ હવાઈ મથક પર ઉતર્યા અને સીધા મેઘાણીનગર વિસ્તારમાં દુર્ઘટનાસ્થળ પર પહોંચ્યા. તેમની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ, કેન્દ્રીય રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા. પીએમ મોદીએ દુર્ઘટનાસ્થળ પર રાહત અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું અને અધિકારીઓ સાથે ચર્ચા કરી.


વડાપ્રધાન મોદી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકો અને એકમાત્ર બચી ગયેલા વ્યક્તિ બ્રિટિશ નાગરિક વિશ્વાસકુમાર રમેશ સાથે મુલાકાત કરી. વિશ્વાસકુમાર જે સીટ નંબર 11A પર બેઠા હતા આ દુર્ઘટનામાં ચમત્કારિક રીતે બચી ગયા. તેમના ભાઈ અજય કુમાર રમેશ પણ વિમાનમાં હતા પરંતુ તેમનું મૃત્યુ થયું. પીએમ મોદીએ ઘાયલોની ખબરઅંતર પૂછી અને તેમની સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી.

પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને જણાવ્યું, “અમદાવાદના દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી. આ ઘટના દુઃખદ છે. અધિકારીઓ અને રાહત ટીમો સાથે મુલાકાત કરી. જે અથાક મહેનત કરી રહી છે. આ અકલ્પનીય દુર્ઘટનામાં પોતાના પ્રિયજનો ગુમાવનારાઓ પ્રત્યે અમારી સંવેદનાઓ છે.”

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now