Home National Rbi Polymer Plastic Notes India Gujarati News

ભારતમાં આવશે પ્લાસ્ટિકની ચલણી નોટો? : ફાટવા, ભીંજાવાની સમસ્યાનો મળી શકે છે કાયમી ઉકેલ

RBIની છબી
Published by: Niraj Chokshi
Last Updated: May 31, 2026, 01:30 AM IST

ભારતમાં ચલણી નોટો ઝડપથી ફાટી જવી, ભીંજાઈને ખરાબ થઈ જવી અથવા ગંદી થઈ જવાના કારણે દર વર્ષે કરોડો નોટો સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચવી પડે છે. હવે આ સમસ્યાનો લાંબા ગાળાનો ઉકેલ શોધવા માટે ભારતીય રિઝર્વ બેંક (RBI) ફરી એકવાર પોલિમર એટલે કે પ્લાસ્ટિક આધારિત નોટો ચલણમાં લાવવાની સંભાવનાઓ પર ગંભીરતાથી વિચાર કરી રહી છે.

તાજેતરમાં પટણા અને મુંબઈમાં યોજાયેલી આરબીઆઈની બોર્ડ બેઠકોમાં પોલિમર નોટોના પ્રસ્તાવ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વધતા છાપકામ ખર્ચ, જૂની અને ફાટેલી નોટોના સંચાલનનો બોજ અને નોટોની ઓછી આયુષ્યને ધ્યાનમાં રાખીને આ વિકલ્પને ફરી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.

શું છે પોલિમર નોટો

પોલિમર નોટો સામાન્ય કાગળથી નહીં પરંતુ વિશેષ પ્રકારના સિન્થેટિક પોલિમરથી બનાવવામાં આવે છે. આ નોટો પર પાણી, ભેજ, ધૂળ અને સામાન્ય ઘસારાનો પ્રભાવ ખૂબ ઓછો પડે છે. પરિણામે, તેમની આયુષ્ય કાગળની નોટોની સરખામણીએ ઘણી વધારે હોય છે.

ભારત જેવા દેશોમાં, જ્યાં ઉનાળામાં ઊંચું તાપમાન અને ચોમાસામાં ભારે ભેજ જોવા મળે છે, ત્યાં પોલિમર નોટો વધુ ઉપયોગી સાબિત થઈ શકે છે. ખિસ્સામાં રાખવાથી, પસીનાથી ભીંજાવાથી અથવા વરસાદમાં પલળી જવાથી આ નોટો સરળતાથી ખરાબ થતી નથી. ઉપરાંત, નોટો ઝડપથી ફાટતી ન હોવાથી સામાન્ય નાગરિકોને પણ વારંવાર નોટ બદલાવવાની મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે. વિશ્વના અનેક દેશોમાં પોલિમર નોટો સફળતાપૂર્વક ઉપયોગમાં લેવામાં આવી રહી છે. ખાસ કરીને ઓસ્ટ્રેલિયા, કેનેડા અને બ્રિટન જેવા દેશોએ પોતાની કરન્સી સિસ્ટમમાં પોલિમર નોટોને સંપૂર્ણપણે અપનાવી છે.

આ પણ વાંચો: CNGના ભાવમાં ફરી વધારો : 15 દિવસમાં બીજી વખત તોતિંગ વધારો, જાણો આજનો નવો ભાવ અને રિક્ષા-ટેક્સી પર અસર

નોટોની છપાઈ પાછળ દર વર્ષે હજારો કરોડનો ખર્ચ

ભારતમાં ચલણી નોટોની છપાઈ અને વિતરણ પાછળ દર વર્ષે મોટો ખર્ચ થાય છે. RBIના ઉપલબ્ધ આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25 દરમિયાન નોટોની છપાઈ પર અંદાજે ₹6,372 કરોડનો ખર્ચ થયો હતો. ત્યારબાદ 2025-26માં આ ખર્ચ ઘટીને આશરે ₹4,875 કરોડ રહ્યો હતો. નોટબંધી બાદનું વર્ષ એટલે કે 2016-17માં તો નવા નોટોના છાપકામ માટે અંદાજે ₹7,965 કરોડનો ખર્ચ નોંધાયો હતો, જે અત્યાર સુધીના સૌથી મોટા ખર્ચમાંનો એક માનવામાં આવે છે.

પોલિમર નોટોની પ્રારંભિક ઉત્પાદન કિંમત કાગળની નોટોની સરખામણીએ વધારે હોઈ શકે છે, પરંતુ તેમની આયુષ્ય લાંબી હોવાથી લાંબા ગાળે કુલ ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. એટલે કે એકવાર ખર્ચ વધે પરંતુ પછી વર્ષો સુધી નોટો બદલવાની જરૂર ઓછી પડે.

આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે મોટી ટ્રેડ ડીલ : ગુજરાતના વેપારીઓ અને નિકાસકારો માટે ખુલશે નવી તકો

સૌથી મોટો પડકાર

RBI માટે માત્ર નવી નોટો છાપવી જ પડકારરૂપ નથી પરંતુ બજારમાંથી જૂની, ગંદી અને ફાટેલી નોટો પાછી એકત્રિત કરીને તેને નષ્ટ કરવી અને તેના સ્થાને નવી નોટો પહોંચાડવી પણ મોટી જવાબદારી છે. ઉપલબ્ધ આંકડા મુજબ, સૌથી વધુ પાછી ખેંચવામાં આવતી નોટોમાં ₹500 અને ₹100ના નોટોનો સમાવેશ થાય છે. કરોડોની સંખ્યામાં આ નોટો દર વર્ષે ખરાબ થવાના કારણે સર્ક્યુલેશનમાંથી દૂર કરવી પડે છે. નોટોની આ સતત બદલી પ્રક્રિયા ખર્ચાળ હોવા ઉપરાંત સમય અને સંસાધનોની પણ માંગ કરે છે. પોલિમર નોટો અપનાવવામાં આવે તો આ સમસ્યામાં નોંધપાત્ર ઘટાડો શક્ય બની શકે છે. કારણ કે આવી નોટો લાંબા સમય સુધી વપરાશયોગ્ય રહે છે અને તેમની ગુણવત્તા ઝડપથી બગડતી નથી.

ભારતમાં અગાઉ પણ થયો હતો પ્રયોગ

ભારત માટે પોલિમર નોટો સંપૂર્ણપણે નવી કલ્પના નથી. વર્ષ 2012 દરમિયાન આરબીઆઈએ કેટલાક શહેરોમાં પોલિમર નોટોનું પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યું હતું. આ પ્રયોગનો હેતુ ભારતીય પરિસ્થિતિઓમાં આવી નોટોની ઉપયોગિતા અને ટકાઉપણું ચકાસવાનો હતો. જોકે તે સમયે આ પ્રયોગને રાષ્ટ્રીય સ્તરે વિસ્તૃત કરવામાં આવ્યો નહોતો, પરંતુ હવે બદલાતી આર્થિક જરૂરિયાતો અને વધતા ખર્ચને જોતા આ વિચાર ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે.

જો પોલિમર નોટોને મંજૂરી મળે તો તે માત્ર ખર્ચ ઘટાડવામાં જ મદદરૂપ નહીં બને, પરંતુ નોટોની સુરક્ષા વધારવામાં પણ મદદ કરશે. આવા નોટોમાં અદ્યતન સુરક્ષા ફીચર્સ ઉમેરવાનું વધુ સરળ હોય છે, જેના કારણે નકલી નોટોના જોખમમાં પણ ઘટાડો થઈ શકે છે.

આ પણ વાંચો: રસોઈ ગેસ પર મોટી અપડેટ : પશ્ચિમ એશિયાના તણાવ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, કંપનીઓને 30 દિવસનો સ્ટોક રાખવા આદેશ

જૂની ચલણી નોટોનું શું થશે?

હાલમાં RBI દ્વારા પોલિમર નોટો અંગે કોઈ અંતિમ નિર્ણય જાહેર કરવામાં આવ્યો નથી. જો ભવિષ્યમાં આ યોજના અમલમાં આવે તો પણ હાલના કાગળના નોટો તરત જ અમાન્ય નહીં બને. સામાન્ય રીતે નવી કરન્સી રજૂ થતી વખતે જૂની અને નવી બંને નોટો લાંબા સમય સુધી સર્ક્યુલેશનમાં સાથે ચાલતી રહે છે. આથી સામાન્ય નાગરિકોએ હાલ પોતાના નોટો અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જોકે આરબીઆઈનો આ વિચાર સફળ થાય તો આગામી વર્ષોમાં ભારતીય ચલણ વ્યવસ્થામાં એક મોટો અને ઐતિહાસિક બદલાવ જોવા મળી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now