CNG Price Hike: મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર સીએનજી (CNG)ના ભાવમાં વધારો થતાં સામાન્ય વાહનચાલકો અને ખાસ કરીને ઓટો-રિક્ષા તથા ટેક્સી ચાલકોને મોટો ઝટકો લાગ્યો છે. છેલ્લા માત્ર 15 દિવસની અંદર બીજી વખત ભાવ વધારો કરવામાં આવતા લોકોમાં ચિંતા વધી છે. વૈશ્વિક સ્તરે ચાલી રહેલા ઊર્જા સંકટ અને મધ્ય-પૂર્વના દેશોમાં વધતા તણાવની સીધી અસર હવે ભારતના સ્થાનિક બજારોમાં પણ દેખાવા લાગી છે. 29 મે 2026ની મધ્યરાત્રિથી મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)માં સીએનજીના રીટેલ ભાવમાં પ્રતિ કિલો રૂ. 2 નો વધારો અમલમાં મુકાયો છે. નવા દર લાગુ થયા બાદ હવે મુંબઈમાં સીએનજીનો ભાવ રૂ. 86 પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. સતત વધી રહેલા ઇંધણના ભાવને કારણે રોજબરોજ મુસાફરી કરનારાઓ તેમજ વ્યવસાયિક વાહનચાલકોના ખર્ચમાં વધારો થવાની શક્યતા વધી ગઈ છે.
15 દિવસમાં બીજી વખત CNGના ભાવમાં વધારો
મુંબઈમાં સીએનજી વપરાશકર્તાઓ માટે ચિંતાજનક બાબત એ છે કે આ મહિનામાં માત્ર 15 દિવસની અંદર જ બીજી વખત ભાવ વધારો કરવામાં આવ્યો છે. ગત 14 મેના રોજ પણ સીએનજીના દરમાં રૂ. 2 નો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે ભાવ રૂ. 82 થી વધીને રૂ. 84 થયો હતો. હવે નવા વધારા બાદ મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં સીએનજી રૂ. 84 થી વધીને સીધો રૂ. 86 પ્રતિ કિલોગ્રામ વેચાઈ રહી છે. ગેસ વિતરણ કંપનીઓએ નવા દરો તાત્કાલિક અસરથી અમલમાં મૂકવા માટે તમામ સ્ટેશનો અને ડીલરોને સૂચના આપી દીધી છે.
ઓટો-રિક્ષા અને ટેક્સી ચાલકો પર વધશે આર્થિક બોજ
સીએનજીના ભાવમાં વારંવાર થઈ રહેલા વધારાનો સૌથી મોટો ફટકો ઓટો રિક્ષા, ટેક્સી અને અન્ય કોમર્શિયલ વાહનચાલકોને પડી રહ્યો છે. કારણ કે રોજિંદા ધંધા માટે તેઓ મોટા પ્રમાણમાં સીએનજીનો ઉપયોગ કરે છે. ઇંધણ ખર્ચ વધતા તેમના નફામાં ઘટાડો થવાની શક્યતા છે. સાથે જ આગામી દિવસોમાં મુસાફરો માટે ઓટો અને ટેક્સી ભાડામાં પણ વધારો થઈ શકે છે, જેનાથી સામાન્ય જનતાના ખિસ્સા પર વધુ બોજ પડી શકે છે.
આ પણ વાંચો: ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં થશે મોટી ટ્રેડ ડીલ: ગુજરાતના વેપારીઓ અને નિકાસકારો માટે ખુલશે નવી તકો
દિલ્હી કરતા મુંબઈમાં CNG હવે વધુ મોંઘી
તાજેતરના ભાવ વધારા બાદ મુંબઈમાં સીએનજી હવે દેશની રાજધાની દિલ્હી કરતાં પણ મોંઘી બની ગઈ છે. દિલ્હીમાં હાલમાં સીએનજીનો ભાવ રૂ. 83.09 પ્રતિ કિલોગ્રામ છે, જ્યારે મુંબઈમાં હવે તેનો ભાવ રૂ. 86 પ્રતિ કિલોગ્રામ પહોંચી ગયો છે. જોકે, નોઈડા અને ગાઝિયાબાદ જેવા વિસ્તારોની તુલનામાં મુંબઈમાં સીએનજી હજુ પણ થોડી સસ્તી હોવાનું કહેવાઈ રહ્યું છે. છતાં સતત વધી રહેલા ભાવને કારણે લોકોમાં અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે.
વૈશ્વિક ઊર્જા સંકટની અસર સ્થાનિક બજારો પર
વિશેષજ્ઞોના મતે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને વૈશ્વિક ગેસ સપ્લાયમાં ઉભી થયેલી અનિશ્ચિતતા ઊર્જા બજારોને અસર કરી રહી છે. તેની અસર હવે ભારત જેવા દેશોમાં પણ ઇંધણના વધતા ભાવ રૂપે સામે આવી રહી છે. જો આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ સામાન્ય નહીં બને તો CNG સહિત અન્ય ઇંધણના ભાવમાં પણ વધુ વધારો થવાની શક્યતા નકારી શકાય નહીં.





