નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા પુરવઠામાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારત સરકારે પોતાની સુરક્ષા અને પુરવઠા વ્યવસ્થા મજબૂત કરવા કમર કસી છે. સરકારે સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓને સૂચના આપી છે કે તેઓ દેશમાં LPG (રસોઈ ગેસ)નો ઓછામાં ઓછો 30 દિવસનો વ્યૂહાત્મક સ્ટોક જાળવી રાખે. આ નિર્ણય પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ભવિષ્યમાં કોઈ પણ સંભવિત પુરવઠા અવરોધ સામે દેશમાં ગેસની અછત સર્જાય નહીં તે સુનિશ્ચિત કરવાનો છે.
પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત પોતાની વ્યૂહાત્મક અનામત ક્ષમતા વધારવા પર કામ કરી રહ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી કંપનીઓને તેમની નિયમિત વ્યાપારી ઇન્વેન્ટરી ઉપરાંત વધારાની સંગ્રહ ક્ષમતા ઊભી કરવા માટેની યોજના તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત પોતાની LPG આયાતનો આશરે 90 ટકા હિસ્સો ગલ્ફ દેશોમાંથી મેળવે છે, તેથી આ પ્રદેશમાં સર્જાયેલી અશાંતિ ભારત માટે ગંભીર ચિંતાનો વિષય છે.
શું દેશમાં ગેસ કે ઇંધણની અછત છે?
સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ, LPG અને કુદરતી ગેસનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. સરકારી રિફાઇનરીઓ તેમની સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરી રહી છે અને LPGનું દૈનિક ઉત્પાદન અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તર એટલે કે 52,000 ટન સુધી પહોંચી ગયું છે. સરકારી અધિકારીઓના મતે, દેશના કોઈ પણ ગેસ ડિસ્ટ્રીબ્યુટર પોઈન્ટ પર સ્ટોક ખાલી હોવાના અહેવાલ નથી, એટલે કે સામાન્ય ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી.
આ પણ વાંચો: 8th Pay Commission: ફક્ત DA અને ફિટમેન્ટ ફેક્ટર જ નહીં, આ 'ફોર્મ્યુલા' પણ વધારશે તમારો પગાર!
પેટ્રોલ પંપો પર 'પાનિક બાયિંગ' અને વેચાણમાં વધારો
સરકારે સ્વીકાર્યું છે કે દેશના ઘણા પેટ્રોલ પંપો પર અસામાન્ય રીતે ઇંધણનું વેચાણ વધી રહ્યું છે. ખેતીવાડીની મોસમની માંગ અને સરકારી પંપોના ભાવ ખાનગી રિટેલર્સની સરખામણીએ ઓછા હોવાથી ગ્રાહકોનો ધસારો સરકારી આઉટલેટ્સ પર વધ્યો છે. આંકડા મુજબ, 150થી વધુ જિલ્લાઓમાં પેટ્રોલના વેચાણમાં 30 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે, જ્યારે 14 જિલ્લાઓમાં તો વેચાણ બમણું થઈ ગયું છે. તેવી જ રીતે, 156 જિલ્લાઓમાં ડીઝલના વેચાણમાં 30 ટકાથી વધુ વૃદ્ધિ નોંધાઈ છે.
હોર્ડિંગ અને બ્લેક માર્કેટિંગ રોકવા સરકાર સક્રિય
સરકાર સમગ્ર પરિસ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહી છે. ઇંધણના ભાવમાં તફાવતને કારણે થતા ગેરફાયદાને રોકવા માટે રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને 'સ્પેશિયલ સ્ક્વોડ' બનાવવાની સલાહ આપવામાં આવી છે, જે હોર્ડિંગ (સંગ્રહખોરી) અને બ્લેક માર્કેટિંગ પર લગામ લગાવશે. સરકાર તરફથી નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ અફવાઓ પર વિશ્વાસ ન કરે અને 'પાનિક બાયિંગ' (ગભરાટમાં ખરીદી) થી દૂર રહે.





