Home Gujarat Ramanlal Vora Letter Cm Sabarkantha Fertilizer Framework System

સાબરકાંઠાના ખેડૂતો માટે પૂર્વ સ્પીકર રમણલાલ વોરા મેદાને : કેન્દ્રની નવી ખાતર વિતરણ પ્રણાલીમાંથી જિલ્લાને બાકાત રાખવા મુખ્યમંત્રીને પત્ર

રમણલાલ વોરાની CMને રજૂઆત
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 14, 2026, 04:56 PM IST

Sabarkantha News: ગુજરાત વિધાનસભાના પૂર્વ સ્પીકર, પૂર્વ કેબિનેટ મંત્રી અને ઈડર-28 બેઠકના વર્તમાન ધારાસભ્ય રમણલાલ વોરાએ સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરતો પત્ર લખ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવેલી 100 ટકા રાસાયણિક ખાતર વિતરણની નવી 'નેશનલ ફર્ટિલાઇઝર સેલ, ફ્રેમવર્ક પ્રણાલી'માંથી સાબરકાંઠા જિલ્લાને મુક્તિ આપી જૂની પદ્ધતિ જ યથાવત રાખવા તેમણે આગ્રહભરી વિનંતી કરી છે.



પ્રાયોગિક ધોરણે લાગુ કરાયેલી નવી સિસ્ટમ સામે વિરોધનો સૂર

કૃષિ વિભાગના ગત તા. 4/6/2026ના પરિપત્ર અનુસાર, સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માત્ર બે જિલ્લાઓ – સાબરકાંઠા અને નવસારી ખાતે આ નવી ખાતર વિતરણ પ્રણાલી પાયલોટ પ્રોજેક્ટ (પ્રાયોગિક ધોરણે) તરીકે લાગુ કરવામાં આવી છે. જો કે, આ નવી વ્યવસ્થાને કારણે સ્થાનિક સ્તરે જગતનો તાત મોટી મુશ્કેલીમાં મુકાયો હોવાની વિગતો સામે આવી રહી છે.

સાબરકાંઠાની ભૌગોલિક અને આર્થિક સ્થિતિ ચિંતાજનક

ધારાસભ્ય રમણલાલ વોરાએ મુખ્યમંત્રીનું ધ્યાન દોરતા જણાવ્યું છે કે, સાબરકાંઠા જિલ્લો આ અગાઉ લાંબા સમય સુધી 'ડાર્કઝોન' (પાણીની અછત વાળો વિસ્તાર) માં રહ્યો હોવાના કારણે અહીંના ખેડૂતો પહેલેથી જ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. વધુમાં, સાબરકાંઠા એ શુદ્ધ ખેતી આધારિત જિલ્લો છે. અહીં રોજગારી કે આજીવિકા માટે અન્ય કોઈ મોટા ઉદ્યોગો, ધંધા કે વેપાર વિકસ્યા નથી. પરિણામે, ખેતીમાં આવતી નાની મુશ્કેલી પણ સમગ્ર જિલ્લાના અર્થતંત્રને પ્રભાવિત કરે છે.

'ભારતીય કિસાન સંઘ'ની રજૂઆત અને 21 પ્રશ્નો

ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં 'ભારતીય કિસાન સંઘ'નું નેટવર્ક અત્યંત મજબૂત અને પ્રભાવશાળી છે. કિસાન સંઘ દ્વારા ગત તા. 30/6/2026ના રોજ એક પત્ર લખીને નવી વિતરણ પ્રણાલી સામે કુલ 21 જેટલા મહત્વના મુદ્દાઓ અને ખેડૂતોની સમસ્યાઓ તરફ વહીવટી તંત્રનું ધ્યાન દોર્યું હતું. ધારાસભ્ય રમણલાલ વોરાએ આ તમામ 21 મુદ્દાઓની યાદી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરીને કિસાન સંઘની માંગણીઓને યોગ્ય ગણાવી છે.

ચાલુ વર્ષે કુદરતી આફત અને નવી પ્રણાલીનો ડબલ માર

પત્રમાં ઉલ્લેખ કરાયા મુજબ, ચાલુ વર્ષે સાબરકાંઠા જિલ્લામાં ચોમાસુ સિઝનની વાવણી ખેડૂતોએ શરૂ કરી દીધી છે. પરંતુ, અપૂરતા વરસાદને કારણે ખેડૂતોને અત્યારથી જ 30 ટકાથી વધુ નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે ખેડૂત આર્થિક અને માનસિક રીતે સંઘર્ષ કરી રહ્યો હોય, ત્યારે નવી ડિજિટલ કે માળખાકીય ખાતર વિતરણ પ્રણાલી (Framework System) સાથે અનુકૂળ થવું (સેટ થવું) ખેડૂતો માટે અત્યંત અઘરું અને ગૂંચવણભર્યું સાબિત થઈ રહ્યું છે.

"યોજના કેન્દ્ર સરકારની અને ખેડૂતલક્ષી હોવા છતાં, વર્તમાન સંજોગોમાં તેનો અમલ સાબરકાંઠાના ખેડૂતો માટે મોટી આફત સમાન છે."

રમણલાલ વોરા (ધારાસભ્ય, ઈડર)

આ પણ વાંચો: ભરૂચમાં લાંચિયા પોલીસકર્મીઓ પર ACBની ટીમ ત્રાટકી : 1 લાખની લાંચ લેતા 3 પોલીસકર્મીઓ ઝડપાયા

ધારાસભ્યની આગ્રહભરી માંગ: જુની પદ્ધતિ ચાલુ રાખો

રમણલાલ વોરાએ પત્રના અંતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નમ્ર અપીલ કરી છે કે, ભલે આ યોજના લાંબા ગાળે ખેડૂતોના હિત માટે કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવી હોય, પરંતુ વર્તમાન સંજોગો અને ચાલુ વર્ષની પરિસ્થિતિ જોતા તેનો ત્વરિત અમલ કરવો હિતાવહ નથી. આથી સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને વ્યાપક નુકસાની અને હાલાકીમાંથી બચાવવા માટે આ પાયલોટ પ્રોજેક્ટમાંથી જિલ્લાને હાલ પૂરતો બાકાત રાખવામાં આવે અને અગાઉની જે જૂની ખાતર વિતરણ પદ્ધતિ હતી તે જ ચાલુ રાખવામાં આવે. હવે જોવાનું એ રહેશે કે કિસાન સંઘ અને પૂર્વ સ્પીકરની આ સંયુક્ત રજૂઆત બાદ રાજ્ય સરકાર અને કૃષિ વિભાગ સાબરકાંઠાના ખેડૂતોના હિતમાં શું નિર્ણય લે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now