Jamnagar News: જામનગરની ઐતિહાસિક ઓળખ અને રાજવી વારસાનું પ્રતિક ગણાતા ભુજિયા કોઠાને ફરી એકવાર તેનું ગુમાવેલું ગૌરવ મળ્યું છે. વર્ષ 2001ના વિનાશક ભૂકંપમાં ગંભીર રીતે ક્ષતિગ્રસ્ત થયેલા આ ઐતિહાસિક સ્મારકના રેસ્ટોરેશનનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. વર્ષ 2021માં જામનગર મહાનગરપાલિકા દ્વારા શરૂ કરાયેલી આ મહત્ત્વાકાંક્ષી કામગીરી લગભગ સાડા ચાર વર્ષ બાદ પૂર્ણ થતાં હવે ભુજિયા કોઠો ફરીથી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
દુષ્કાળમાં રોજગારી આપવા માટે જામ રણમલજીએ શરૂ કરાવ્યું હતું નિર્માણ
ભુજિયા કોઠો માત્ર એક ઐતિહાસિક ઇમારત નથી, પરંતુ લોકકલ્યાણની અનોખી મિસાલ પણ છે. જામ રણમલજી બીજાના શાસનકાળ દરમિયાન ઈ.સ. 1839થી 1852 વચ્ચે પડેલા ભયંકર દુષ્કાળમાં લોકોને રોજગારી મળે તે હેતુથી આ ભવ્ય ઇમારતનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું. આશરે 13 વર્ષ સુધી ચાલેલા નિર્માણ બાદ તૈયાર થયેલો પાંચ માળનો અને 137 ફૂટ ઊંચો ભુજિયા કોઠો તે સમયની સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત તરીકે ઓળખાતો હતો. તેના નિર્માણ પાછળ અંદાજે 4.25 લાખ કોરીનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
વોચ ટાવરથી લઈને હેલિયોગ્રાફી સુધી ભજવી હતી મહત્વપૂર્ણ ભૂમિકા
રાજાશાહી સમયગાળામાં ભુજિયા કોઠો માત્ર સ્થાપત્યનો નમૂનો નહોતો પરંતુ સુરક્ષા અને સંદેશાવ્યવહાર માટે પણ અત્યંત મહત્વપૂર્ણ કેન્દ્ર હતો. તેની ઊંચાઈને કારણે તેનો ઉપયોગ વોચ ટાવર તરીકે કરવામાં આવતો હતો. ઉપરાંત સૂર્યપ્રકાશના પ્રતિબિંબ દ્વારા દૂર સુધી સંદેશા પહોંચાડવાની હેલિયોગ્રાફી પદ્ધતિ માટે પણ આ સ્થળનો ઉપયોગ થતો હતો. આ ઇતિહાસ આજે પણ ભુજિયા કોઠાની દિવાલોમાં જીવંત અનુભવાય છે.
રાજપૂત સ્થાપત્યની અદ્ભુત કળાનો અનુભવ કરાવે છે ભુજિયા કોઠો
ભુજિયા કોઠામાં પ્રવેશતા જ મુલાકાતીઓને ભવ્ય સિંહદ્વાર, મજબૂત લાકડાના થાંભલાઓ, મકરાકૃતિ કમાનો અને કલાત્મક રંગમંડપ રાજવી યુગની સ્થાપત્ય કળાનો જીવંત અનુભવ કરાવે છે. પ્રવાસીઓ 66 પગથિયાં ચડી પ્રથમ માળ સુધી પહોંચી શકે છે, જ્યાં પ્રાચીન સ્થાપત્યની સાથે આધુનિક રીતે તૈયાર કરાયેલી પ્રદર્શન ગેલેરી પણ નિહાળી શકે છે.
ભૂકંપથી રેસ્ટોરેશન સુધીની સફર દર્શાવતી ખાસ ગેલેરી
પ્રથમ માળ પર તૈયાર કરાયેલી વિશેષ પ્રદર્શન ગેલેરી પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં વર્ષ 2001ના ભૂકંપમાં થયેલા નુકસાનથી લઈને રેસ્ટોરેશન પૂર્ણ થવા સુધીની સમગ્ર સફર તસવીરો, દસ્તાવેજો અને પેઇન્ટિંગ્સના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. 'બીફોર એન્ડ આફ્ટર' ફોટોગ્રાફ્સ દ્વારા ભુજિયા કોઠાના પરિવર્તનને નજીકથી નિહાળવાની અનોખી તક મળે છે.
પાંચમા માળેથી જામનગર શહેરનો અદભૂત નજારો
ભુજિયા કોઠાના પાંચમા માળે પહોંચતા જ સમગ્ર જામનગર શહેરનો મનમોહક નજારો જોવા મળે છે. અહીંથી દરિયાકિનારો, થેબા ચોકડી, જેસીઆર ટાવર સહિત શહેરના અનેક મહત્વના વિસ્તારો સ્પષ્ટ રીતે નજરે પડે છે. આ પેનોરમિક વ્યૂના કારણે પ્રવાસીઓમાં પાંચમો માળ સૌથી વધુ લોકપ્રિય બન્યો છે.
રેસ્ટોરેશન બાદ 50 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
જામનગર મહાનગરપાલિકાના વર્ક આસિસ્ટન્ટ હિરેન સોલંકીના જણાવ્યા મુજબ ભુજિયા કોઠાના રેસ્ટોરેશનનો પ્રથમ તબક્કો પૂર્ણ થયા બાદ તેને પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 50 હજારથી વધુ લોકો આ ઐતિહાસિક સ્મારકની મુલાકાત લઈ ચૂક્યા છે. પ્રવાસીઓનો સતત વધતો પ્રતિસાદ જામનગરના હેરિટેજ ટુરિઝમને નવી દિશા આપી રહ્યો છે.
આ પણ વાંચો: સાબરકાંઠાના ખેડૂતો માટે પૂર્વ સ્પીકર રમણલાલ વોરા મેદાને : કેન્દ્રની નવી ખાતર વિતરણ પ્રણાલીમાંથી જિલ્લાને બાકાત રાખવા મુખ્યમંત્રીને પત્ર
જામનગરના હેરિટેજ ટુરિઝમને મળશે નવી ઓળખ
ભુજિયા કોઠાના જીર્ણોદ્ધારથી જામનગરના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને નવી ઓળખ મળી રહી છે. સ્થાનિક તંત્રને આશા છે કે ભવિષ્યમાં ભુજિયા કોઠો રાજ્ય અને દેશભરના પ્રવાસીઓ માટે મુખ્ય હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે વિકસશે. આ પ્રોજેક્ટ માત્ર એક ઐતિહાસિક સ્મારકનું સંરક્ષણ જ નહીં પરંતુ જામનગરના પર્યટન અને સ્થાનિક અર્થતંત્રને પણ પ્રોત્સાહન આપશે.





