Morbi News: મોરબી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સ્કૂલ સંચાલકના નામે ફોન કરીને OTP મેળવી લોકોના WhatsApp એકાઉન્ટ હેક કરનાર કુખ્યાત સાયબર ઠગની પોલીસે ધરપકડ કરી છે. આરોપી સામે નોંધાયેલા ગુનાની તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતાં ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે, જ્યાં વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
સ્કૂલ ફી અને ભાવનાત્મક બ્લેકમેલથી પડાવતો હતો રૂપિયા
ફરિયાદ મુજબ આરોપીએ ફરિયાદીના પત્નીને સ્કૂલ સંચાલકના નામે ફોન કરીને OTP મેળવી તેમનું WhatsApp હેક કર્યું હતું. ત્યારબાદ હેક કરાયેલા એકાઉન્ટનો ઉપયોગ કરીને ઓળખીતાઓને સ્કૂલ ફી ભરવાના બહાને મેસેજ મોકલ્યા અને કેટલાક લોકોને ભાવનાત્મક રીતે બ્લેકમેલ કરીને રૂપિયા પડાવ્યા હતા. એક કેસમાં આરોપીએ ₹30,000 પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
જાનથી મારી નાખવાની ધમકી આપી ₹10 લાખની ખંડણી માંગવાનો આરોપ
પોલીસ તપાસમાં વધુ એક ગંભીર બાબત સામે આવી છે. આરોપી માત્ર ઓનલાઈન ઠગાઈ સુધી સીમિત નહોતો, પરંતુ તેણે કેટલાક લોકોને રાત્રિના સમયે ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી ₹10 લાખની ખંડણી પણ માંગી હતી. આ પ્રકારની ધમકીથી પીડિતો ભયભીત થઈ જતા હતા, જેના કારણે આરોપી લોકો પાસેથી રૂપિયા પડાવવાનો પ્રયાસ કરતો હતો.
નાલંદા વિદ્યાલય અને ઈ-ઝોન સ્કૂલના વાલીઓ પણ બન્યા નિશાન
તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપીએ મોરબીની નાલંદા વિદ્યાલય તેમજ ઈ-ઝોન સ્કૂલના વાલીઓના WhatsApp ગ્રુપને પણ નિશાન બનાવ્યા હતા. એટલું જ નહીં, બ્યુટી પાર્લરના વ્યવસાય સાથે જોડાયેલા લોકોના ગ્રુપમાં પણ ઘૂસીને વિવિધ બહાનાં હેઠળ રૂપિયા માંગવાના પ્રયાસ કરતો હતો. આરોપી ખાસ કરીને મહિલાઓને ટાર્ગેટ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
13 ગુનામાં સંડોવણી, ગુના બાદ ગોવા ભાગી જતો હતો આરોપી
સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતિ અગાઉ પણ આવા 13 સાયબર ગુનાઓમાં સંડોવાયેલો છે. ગુનો આચર્યા બાદ તે ગોવા ભાગી જતો હતો અને ઓળખ છુપાવવા માટે મોટાભાગે ટ્રેનના જનરલ કોચમાં મુસાફરી કરતો હતો. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે પોલીસે આખરે તેની ધરપકડ કરવામાં સફળતા મેળવી.
Truecallerનો ઉપયોગ કરી મહિલાઓ પાસેથી મેળવતો હતો OTP
પોલીસના જણાવ્યા મુજબ આરોપી Truecaller એપ્લિકેશનની મદદથી મહિલાઓના મોબાઈલ નંબર અને વિગતો મેળવતો હતો. ત્યારબાદ ફોન કરીને કહેતો કે ભૂલથી તમારા નંબર પર OTP આવ્યો છે, કૃપા કરીને તે નંબર જણાવો. મહિલાઓ OTP શેર કરતાં જ આરોપી તેમના WhatsApp એકાઉન્ટ પર કબજો મેળવી લેતો હતો અને ત્યારબાદ તેમના સંપર્કો અને ગ્રુપનો ઉપયોગ કરીને સાયબર ફ્રોડ આચરતો હતો.
આ પણ વાંચો: જામનગરની શાન 'ભુજિયા કોઠો' પુનઃ ધબક્યો : રેસ્ટોરેશનનો પ્રથમ તબક્કો પૂર્ણ, 50 હજારથી વધુ પ્રવાસીઓએ લીધી મુલાકાત
સાયબર ક્રાઇમ પોલીસની અપીલ – OTP અને વ્યક્તિગત માહિતી ક્યારેય શેર ન કરો
આ કેસ બાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસે લોકોને સતર્ક રહેવાની અપીલ કરી છે. પોલીસનું કહેવું છે કે કોઈપણ વ્યક્તિ ફોન, મેસેજ અથવા સોશિયલ મીડિયા મારફતે OTP, બેંકિંગ વિગતો કે અન્ય સંવેદનશીલ માહિતી માંગે તો તે ક્યારેય શેર ન કરવી. અજાણ્યા નંબર પરથી આવતા ફોન અંગે સાવચેત રહેવું અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસનો સંપર્ક કરવો.






