Home Gujarat Vadodara Vadodara Dabhoi Road Flat Youth Dead Body Varnama Police Investigation

વડોદરાના ડભોઇ રોડ પર ફ્લેટમાંથી યુવકનો મૃતદેહ મળતા ચકચાર : વરણામા પોલીસ તપાસમાં જોતરાઈ

વડોદરાના ડભોઇ રોડ પર આવેલા કુબેર એક્સપ્રેશન ફ્લેટમાં મળી આવો મૃતદેહ
Published by: Prashant Doshiyar
Last Updated: Jul 14, 2026, 05:11 PM IST

Vadodara News: વડોદરા તાલુકાના વરણામા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ડભોઇ રોડ પર સ્થિત કુબેર એક્સપ્રેશન એપાર્ટમેન્ટના એફ-1 બ્લોકના 103 નંબરના ફ્લેટમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વરણામા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને ફ્લેટને કબજામાં લઈ સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તબક્કે પોલીસે સ્થળ પરથી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી છે.

મૃતકની ઓળખ માંજલપુરના આકાશ રવિભાઈ પાટીલ તરીકે થઈ

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ વડોદરાના માંજલપુર વિસ્તારમાં આકાશવાણી પાછળ આવેલી ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા આકાશ રવિભાઈ પાટીલ તરીકે થઈ હોવાનું સામે આવ્યું છે. ઘટનાની માહિતી મળતાં જ પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા બાદ તેમને વધુ પૂછપરછ માટે કેલનપુર પોલીસ ચોકી ખાતે લઈ જવામાં આવ્યા હતા.

ઈવા મોલ પાસે બાઈક મૂકી મિત્રો સાથે ઇકો વાનમાં ગયો હતો

તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ આકાશ પાટીલે પોતાની બાઈક માંજલપુરના ઈવા મોલ નજીક પાર્ક કરી હતી. ત્યારબાદ તે પોતાના કેટલાક મિત્રો સાથે ઇકો વાનમાં નીકળ્યો હતો. માહિતી મુજબ મિત્રો તેને ડભોઇ રોડ પર આવેલા ફ્લેટ સુધી મૂકીને ત્યાંથી પરત ફર્યા હતા. ત્યારબાદ ફ્લેટમાં શું બન્યું અને કયા સંજોગોમાં યુવકનું મોત થયું તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો યુવક

મૃતક આકાશ રવિભાઈ પાટીલ ખાનગી કંપનીમાં નોકરી કરતો હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પરિવારજનો અને નજીકના પરિચિતોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે, જેથી યુવક છેલ્લા કેટલાક દિવસોથી કોના સંપર્કમાં હતો અને ઘટનાના દિવસે તેની હિલચાલ કેવી હતી તે અંગે સ્પષ્ટ માહિતી મળી શકે.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું કારણ સ્પષ્ટ થશે

હાલ પોલીસને ઘટનાસ્થળેથી કોઈ સ્પષ્ટ કારણ મળ્યું નથી કે જેના આધારે મૃત્યુનું કારણ નક્કી કરી શકાય. પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસના આધારે જ યુવકનું મૃત્યુ કુદરતી, અકસ્માતજન્ય કે અન્ય કોઈ કારણસર થયું છે તે સ્પષ્ટ થશે. પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે.

સીસીટીવી ફૂટેજ અને મિત્રોની પૂછપરછ પર પોલીસનો ભાર

વરણામા પોલીસ હવે ફ્લેટની આસપાસ અને ડભોઇ રોડ વિસ્તારના સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. ઉપરાંત, આકાશને ફ્લેટ સુધી મૂકવા આવેલા મિત્રો સહિત ઘટનાથી જોડાયેલા તમામ લોકોના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. ઘટનાના સમયક્રમને સમજવા માટે પોલીસે ટેક્નિકલ અને વૈજ્ઞાનિક પુરાવાઓ પણ એકત્ર કરવાની પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચો
: સાબરકાંઠાના ખેડૂતો માટે પૂર્વ સ્પીકર રમણલાલ વોરા મેદાને : કેન્દ્રની નવી ખાતર વિતરણ પ્રણાલીમાંથી જિલ્લાને બાકાત રાખવા મુખ્યમંત્રીને પત્ર

તમામ એંગલથી તપાસ, પોલીસ કોઈ સંભાવનાને નકારી રહી નથી

વરણામા પોલીસે જણાવ્યું છે કે હાલમાં મૃત્યુનું ચોક્કસ કારણ જાહેર કરવું વહેલું ગણાશે. પોલીસ અકસ્માત, આત્મહત્યા, તબિયત બગડવી અથવા અન્ય કોઈ સંજોગો સહિત તમામ સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ વધારી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ, ફોરેન્સિક અભિપ્રાય અને તપાસમાં મળતા પુરાવાઓના આધારે જ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now