Home Gujarat Panoli Police Station Acb Trap Three Policemen Caught Bribery Bharuch

ભરૂચમાં લાંચિયા પોલીસકર્મીઓ પર ACBની ટીમ ત્રાટકી : 1 લાખની લાંચ લેતા 3 પોલીસકર્મીઓ ઝડપાયા

Gujarat Police
Published by: OBS Bureau
Last Updated: Jul 14, 2026, 03:02 PM IST

Gujarat Police: ભરૂચ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ મંગળવારે વધુ એક સફળ ટ્રેપ કાર્યવાહી હાથ ધરી પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા ત્રણ પોલીસકર્મીઓને રૂ. 1 લાખની લાંચ સ્વીકારવાના આરોપસર રંગેહાથ ઝડપી પાડ્યા છે. ACBના જણાવ્યા મુજબ, પ્રોહિબિશન એક્ટ હેઠળ નોંધાયેલા ગુનામાં જપ્ત કરાયેલ મોબાઇલ ફોન પરત આપવા માટે કુલ રૂ. 3 લાખની લાંચ માંગવામાં આવી હતી. જેમાં પ્રથમ હપ્તા તરીકે રૂ. 1 લાખ સ્વીકારવામાં આવતા ACBએ ટ્રેપ ગોઠવી ત્રણેય આરોપીઓને કાયદાની જાળમાં લીધા હતા.

ACB દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર, આ કેસમાં ફરીયાદી એક જાગૃત નાગરિક છે. ફરીયાદી સામે અગાઉ પાનોલી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો, જેના અનુસંધાને કાયદેસરની કાર્યવાહી બાદ તેમને સબજેલ મોકલવામાં આવ્યા હતા. બાદમાં તેઓ જામીન પર મુક્ત થયા હતા અને પોતાનો જપ્ત કરાયેલ મોબાઇલ ફોન પરત મેળવવા માટે પાનોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.

શું છે કેસની વિગત અને લાંચની માંગણી

મળતી માહિતી મુજબ, પાનોલી પોલીસ સ્ટેશન સાથે સંકળાયેલા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધભાઈ વલકુભાઈ ધાધલ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ જયદીપસિંહ સુખદેવસિંહ પરમારે મોબાઇલ પરત આપવા બદલ રૂ. 3 લાખની લાંચની માંગણી કરી હતી. ફરીયાદીએ એકસાથે આટલી મોટી રકમની વ્યવસ્થા શક્ય ન હોવાનું જણાવતાં આરોપી અનિરુદ્ધભાઈ ધાધલે ત્રણ હપ્તામાં રકમ ચૂકવવાની વાત કરી હોવાનું ACBએ જણાવ્યું છે. ફરીયાદી લાંચ આપવા ઇચ્છતા ન હોવાથી તેમણે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની પ્રાથમિક ચકાસણી બાદ ACBની ભરૂચ એકમે ટ્રેપનું આયોજન કર્યું હતું.

ટ્રેપ દરમિયાન રૂ. 1 લાખ સ્વીકારતા કાર્યવાહી

તા. 14 જુલાઈ, 2026ના રોજ પાનોલી પોલીસ સ્ટેશનની સામે આવેલા કન્ટેનરમાં સ્થિત "ડી" સ્ટાફની ચેમ્બરમાં ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ACBના જણાવ્યા મુજબ, ફરીયાદીએ અગાઉથી નક્કી થયેલી યોજના મુજબ આરોપી અનિરુદ્ધભાઈ ધાધલ સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. ત્યારબાદ આરોપી દ્વારા લો.ર.પો.કો. સાગરભાઈ કરણભાઈ ચાવડાને રૂપિયા સ્વીકારવા માટે સૂચના આપવામાં આવી હતી.

બોટાદમાં બહેનને ઇન્સ્ટાગ્રામ પર રિક્વેસ્ટ મોકલવાના વિવાદમાં હત્યા : સમાધાન માટે ભેગા થયેલા જૂથો વચ્ચે લોહિયાળ ખેલ, 1નું મોત, 2 ઇજાગ્રસ્ત

ફરીયાદીએ રૂ. 1 લાખની લાંચની રકમ સાગરભાઈ ચાવડાને આપતા તેમણે તે સ્વીકારી લીધી હતી. ત્યારબાદ ACBની ટીમે તરત જ કાર્યવાહી કરીને રૂ. 1 લાખની લાંચની રકમ સાથે તેમને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેય આરોપીઓએ પરસ્પર મેળાપીપણામાં લાંચ સ્વીકારી હોવાનું પ્રાથમિક રીતે સામે આવતાં તેમની સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ત્રણેય આરોપીઓની ઓળખ

ACB દ્વારા જાહેર કરાયેલી વિગતો મુજબ ઝડપાયેલા આરોપીઓમાં અનિરુદ્ધભાઈ વલકુભાઈ ધાધલ, આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (વર્ગ-3), હાલ અંકલેશ્વર શહેર પોલીસ લાઇનમાં ફરજ બજાવે છે. બીજા આરોપી સાગરભાઈ કરણભાઈ ચાવડા, લોકરક્ષક પોલીસ કોન્સ્ટેબલ (વર્ગ-3), પાનોલી પોલીસ સ્ટેશનમાં ફરજ પર છે. જ્યારે ત્રીજા આરોપી જયદીપસિંહ સુખદેવસિંહ પરમાર આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ (વર્ગ-3) તરીકે ફરજ બજાવે છે. ACBએ જણાવ્યું છે કે આ કેસમાં લાંચની માંગણી, સ્વીકારેલી રકમ તેમજ સ્થળ પરથી કબજે લેવામાં આવેલી રકમ – ત્રણેય રૂ. 1 લાખ છે. ટ્રેપ દરમિયાન તમામ જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

જૂની પેન્શન યોજના તરફ વધુ એક પગલું : રાજ્ય સરકાર દ્વારા 2005 પહેલાંની ભરતી ધરાવતા કર્મચારીઓની વિગતો મંગાવાઈ

આરોપીઓની વિગત

૧. અનિરુદ્ધભાઈ વલકુભાઈ ધાધલ (અ.હે.કો, વર્ગ-૩) – હાલ રહે. અંકલેશ્વર શહેર પોલીસ લાઈન (મૂળ રહે. દેતળીયા, રાજકોટ).

૨. સાગરભાઈ કરણભાઈ ચાવડા (લો.ર.પો.કો., વર્ગ-૩, પાનોલી પો.સ્ટે.) – હાલ રહે. મનમંદીર સોસાયટી, કોસમડી (મૂળ રહે. જરીયા, ભાવનગર).

૩. જયદીપસિંહ સુખદેવસિંહ પરમાર (અ.હે.કો., વર્ગ-૩) – હાલ રહે. અંકલેશ્વર શહેર પોલીસ લાઈન (મૂળ રહે. પાંડરવા, સુરેન્દ્રનગર).

ACBની ટીમે કરી કાર્યવાહી

આ સમગ્ર ટ્રેપ કામગીરી ACB ભરૂચ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. જે. શિંદે અને તેમની ટીમે હાથ ધરી હતી. કાર્યવાહીની દેખરેખ ACB વડોદરા એકમના ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ. એન. પ્રજાપતિએ રાખી હતી, જ્યારે ઇન્ચાર્જ નાયબ નિયામક આર. આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી હતી. ACB દ્વારા હવે ત્રણેય આરોપીઓ સામે ભ્રષ્ટાચાર નિવારણ કાયદા તથા સંબંધિત જોગવાઈઓ હેઠળ આગળની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન લાંચની માંગણી, તેમાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી તથા સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો એકત્ર કરવામાં આવશે.

સાબરમતી કાળીગામ યાર્ડમાં ટ્રેનના કોચમાં લાગી ભીષણ આગ : ફાયર ફાઇટરોએ મેળવ્યો કાબૂ; તપાસ શરૂ


joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now