Gujarat Politics: ચૂંટણી પંચે રાજ્યસભાની 24 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરતા દેશભરના રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે. ગુજરાત, મધ્ય પ્રદેશ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશ સહિત 10 રાજ્યોની બેઠકો માટે 18 જૂન, 2026ના રોજ મતદાન યોજાશે. આ બેઠકો પર હાલના સભ્યોનો કાર્યકાળ જૂન અને જુલાઈ મહિનામાં પૂર્ણ થવાનો હોવાથી ચૂંટણી યોજાઈ રહી છે.
ગુજરાતની રાજ્યસભાની રાજનીતિમાં છેલ્લા છ દાયકામાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. એક સમય એવો હતો જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસનું એકછત્ર પ્રભુત્વ હતું, પરંતુ હવે ભાજપે લગભગ સંપૂર્ણ દબદબો સ્થાપિત કરી દીધો છે. હાલમાં સામે આવેલી આંકડાકીય માહિતી મુજબ 2026 બાદ ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપના 11 અને કોંગ્રેસના શૂન્ય સભ્યો રહે તેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપકના માતા-પિતાનો ઘટસ્ફોટ: "પોલીસના ડરથી રાતે ઊંઘ નથી આવતી", બીજું જે કહ્યું એ જાણીને તમે પણ ચોંકી જશો
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં એક અભૂતપૂર્વ અને મોટો સત્તાપલટો જોવા મળવા જઈ રહ્યો છે. રાજ્યના ઈતિહાસમાં પહેલીવાર એવું બનશે કે રાજ્યસભામાં કોંગ્રેસનો એક પણ સભ્ય નહીં હોય, એટલે કે ગુજરાતમાંથી કોંગ્રેસનું ખાતું સાવ સાફ થઈ જશે. આ પરિસ્થિતિ ગુજરાત કોંગ્રેસના એકમાત્ર વરિષ્ઠ રાજ્યસભા સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની નિવૃત્તિ બાદ સર્જાશે. વર્તમાન નિયમો મુજબ, રાજ્યસભાની એક બેઠક જીતવા માટે કોઈપણ પક્ષને 46 ધારાસભ્યોના મતોની જરૂર હોય છે. જોકે, ગુજરાત વિધાનસભામાં હાલમાં કોંગ્રેસનું સંખ્યાબળ ખૂબ જ નબળું છે અને તેની પાસે માત્ર 12 ધારાસભ્યો જ બચ્યા છે. આ આંકડો બેઠક મેળવવા માટે બિલકુલ પૂરતો નથી, જેના કારણે કોંગ્રેસ પોતાની બેઠક ગુમાવશે. ૧ જૂન ૨૦૨૬ના રોજ ચૂંટણીનું સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરાશે. ૧૮ જૂન ૨૦૨૬ના રોજ સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા હાથ ધરાશે
ચૂંટણી કાર્યક્રમની વિગતો
ક્રમ ચૂંટણી પ્રક્રિયા નિયત તારીખ અને સમય
૧ જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ ૦૧.૦૬.૨૦૨૬ (સોમવાર)
૨ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ ૦૮.૦૬.૨૦૨૬ (સોમવાર)
૩ ઉમેદવારી પત્રોની ચકાસણી (Scrutiny) ૦૯.૦૬.૨૦૨૬ (મંગળવાર)
૪ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ ૧૧.૦૬.૨૦૨૬ (ગુરૂવાર)
૫ મતદાનની તારીખ ૧૮.૦૬.૨૦૨૬ (ગુરૂવાર)
૬ મતદાનનો સમય સવારે ૦૯:૦૦ થી સાંજના ૦૪:૦૦ વાગ્યા સુધી
૭ મતગણતરી ૧૮.૦૬.૨૦૨૬ (ગુરૂવાર) સાંજે ૦૫:૦૦ વાગ્યે
૮ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની આખરી તારીખ ૨૨.૦૬.૨૦૨૬ (સોમવાર)
New Delhi: મોદી-ક્રિસ્ટોડોલિડ્સ મુલાકાત: સાયપ્રસ ભારત માટે યુરોપનો નવો વ્યૂહાત્મક દ્વાર કેમ બની શકે?
નિવૃત્ત થઈ રહેલા અગ્રણી નેતાઓ
આગામી સમયમાં ગુજરાત અને દેશના અન્ય રાજ્યોમાંથી ઘણા દિગ્ગજ નેતાઓ નિવૃત્ત થઈ રહ્યા છે:
ગુજરાતના સાંસદો: શક્તિસિંહ ગોહિલ (કોંગ્રેસ) ઉપરાંત ભાજપના રામ મોકરીયા, નરહરી અમીન અને રમીલાબેન બારા નિવૃત્ત થઈ રહ્યા છે.
રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ પણ રાજ્યસભામાંથી નિવૃત્ત થઈ રહ્યા છે.
કેન્દ્રીય મંત્રીઓ: કેન્દ્રીય મંત્રી રવનીત સિંહ બિટ્ટુ અને જ્યોર્જ કુરિયનનો કાર્યકાળ પણ પૂર્ણ થઈ રહ્યો છે.
રાજસ્થાનની બેઠકો: આ ઉપરાંત રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગેહલોત અને નીરજ ડાંગી જેવા નેતાઓની બેઠકો પણ ખાલી થવા જઈ રહી છે.
ગુજરાત વિધાનસભામાં ભાજપની પ્રચંડ બહુમતી હોવાને કારણે, આ ખાલી પડનારી તમામ બેઠકો પર હવે ભાજપનો વિજય નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ માટે આ એક મોટો રાજકીય ફટકો છે.
સપનાનું ઘર હવે થશે સાકાર!: PM આવાસ યોજના 2.0 હેઠળ સરકાર આપશે 1 કરોડ ઘર, આ રીતે કરો ઓનલાઇન અરજી

2026ની સ્થિતિ મુજબ ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદોની યાદી
હાલ 2026ની સ્થિતિ મુજબ ગુજરાતમાંથી રાજ્યસભામાં કુલ 11 સભ્યો છે. તેમાં ભાજપના 10 અને કોંગ્રેસના 1 સભ્યનો સમાવેશ થાય છે.
ક્રમ | સાંસદનું નામ | પક્ષ |
|---|---|---|
1 | જે.પી. નડ્ડા | ભાજપ |
2 | એસ. જયશંકર | ભાજપ |
3 | જશવંતસિંહ પરમાર | ભાજપ |
4 | બાબુભાઈ જેસંગભાઈ દેસાઈ | ભાજપ |
5 | મયંક નાયક | ભાજપ |
6 | ગોવિંદભાઈ ઢોળકિયા | ભાજપ |
7 | ડૉ. કિરીટ સોલંકી | ભાજપ |
8 | રામભાઈ હરજીભાઈ મોકરિયા | ભાજપ |
9 | નરહરી અમીન | ભાજપ |
10 | રમિલા બેચરભાઈ બારા | ભાજપ |
11 | શક્તિસિંહ ગોહિલ | કોંગ્રેસ |
પક્ષ | બેઠકો |
|---|---|
ભાજપ | 10 |
કોંગ્રેસ | 1 |
કુલ | 11 |

એક નજર કરીએ ગુજરાતમાં રાજ્યસભાના રાજકીય ઇતિહાસ પરઃ
1960થી 1980: કોંગ્રેસનો સુવર્ણકાળ
ગુજરાત રાજ્યની સ્થાપના બાદના પ્રથમ બે દાયકામાં કોંગ્રેસનું પ્રભુત્વ સ્પષ્ટ જોવા મળતું હતું. 1960થી 1980 દરમિયાન રાજ્યસભામાં કોંગ્રેસ પાસે 29 બેઠકો હતી, જ્યારે ભાજપ અથવા જનસંઘ જેવી વિચારધારાના પક્ષો પાસે માત્ર 0થી 2 બેઠકો જ હતી. તે સમયગાળા દરમિયાન ગુજરાતની રાજનીતિમાં કોંગ્રેસનું એકહથ્થું શાસન હતું.
1980 બાદ ભાજપનો ધીમે ધીમે ઉછાળો
1980થી 1990 દરમિયાન ભાજપે ગુજરાતમાં પોતાનું સંગઠન મજબૂત બનાવવાનું શરૂ કર્યું. આ દાયકામાં ભાજપ પાસે 4 બેઠકો પહોંચી, જ્યારે કોંગ્રેસ 7 બેઠકો સુધી સીમિત થઈ ગઈ. આ સમયગાળા દરમિયાન રામ મંદિર આંદોલન અને હિન્દુત્વની રાજનીતિએ ભાજપને મજબૂત આધાર આપ્યો.
1990થી 2000: ભાજપ કોંગ્રેસને ટક્કર આપવા લાગ્યો
1990થી 2000 દરમિયાન ગુજરાતની રાજનીતિમાં મોટો ટર્નિંગ પોઈન્ટ આવ્યો. ભાજપ પાસે 6 બેઠકો થઈ ગઈ જ્યારે કોંગ્રેસ 5 બેઠકો સુધી ઘટી ગઈ. રાજ્યમાં કેશુભાઈ પટેલ અને ત્યારબાદ નરેન્દ્ર મોદીના ઉદય સાથે ભાજપનો પ્રભાવ સતત વધતો ગયો.
2000 પછી ભાજપનું પ્રભુત્વ
2000થી 2010 દરમિયાન ભાજપે રાજ્યસભામાં 8 બેઠકો મેળવી લીધી અને કોંગ્રેસ માત્ર 3 બેઠકો સુધી સીમિત રહી. ત્યારબાદ 2010થી 2020 દરમિયાન ભાજપે 9 બેઠકો સુધી પહોંચીને કોંગ્રેસને માત્ર 2 બેઠકો પર લાવી દીધી.
2020થી 2026: કોંગ્રેસ લગભગ ગાયબ
હાલના સમયગાળા એટલે કે 2020થી 2026 દરમિયાન ગુજરાતમાંથી રાજ્યસભામાં ભાજપના 10 સભ્યો અને કોંગ્રેસનો માત્ર 1 સભ્ય છે. આ આંકડો રાજ્યની વર્તમાન રાજકીય સ્થિતિને સ્પષ્ટ દર્શાવે છે.
2026 બાદ 11-0ની શક્યતા
સામે આવેલી માહિતી અનુસાર આગામી રાજ્યસભા ચૂંટણી બાદ ગુજરાતમાંથી ભાજપના તમામ 11 સભ્યો રાજ્યસભામાં જઈ શકે છે અને કોંગ્રેસનું પ્રતિનિધિત્વ સંપૂર્ણપણે ખતમ થઈ શકે છે. જો આવું બનશે તો ગુજરાતના રાજકીય ઇતિહાસમાં આ પહેલીવાર હશે જ્યારે રાજ્યસભામાં કોંગ્રેસનો એકપણ સભ્ય નહીં હોય.
ભાજપના વધતા પ્રભાવ પાછળના કારણો
રાજકીય વિશ્લેષકો માને છે કે ભાજપના વધતા પ્રભાવ પાછળ સંગઠનશક્તિ, સતત ચૂંટણી જીત, નરેન્દ્ર મોદી અને અમિત શાહ જેવા નેતાઓનો પ્રભાવ અને કોંગ્રેસની નબળી સ્થિતિ મુખ્ય કારણો છે. બીજી તરફ કોંગ્રેસમાં આંતરિક ગોઠવણો, નેતૃત્વનો અભાવ અને સતત ચૂંટણી હારને કારણે પાર્ટીનું સંખ્યાબળ ઘટતું ગયું છે.
આગામી ચૂંટણી પર સૌની નજર
18 જૂને યોજાનારી રાજ્યસભાની ચૂંટણી હવે માત્ર બેઠકોની જ નહીં પરંતુ ગુજરાતની રાજકીય દિશા નક્કી કરતી ચૂંટણી તરીકે પણ જોવામાં આવી રહી છે. ભાજપ પોતાની સંપૂર્ણ બહુમતી દર્શાવવા પ્રયત્ન કરશે જ્યારે કોંગ્રેસ માટે આ ચૂંટણી અસ્તિત્વની લડાઈ સમાન બની શકે છે.
આંધ્ર પ્રદેશની 4 બેઠકો પર ચૂંટણી
આંધ્ર પ્રદેશમાં ચાર બેઠકો માટે ચૂંટણી યોજાશે. અહીંથી નિવૃત્ત થતા સભ્યોમાં અયોધ્યા રામી રેડ્ડી અલ્લા, પરિમલ નથવાણી, પિલ્લી સુભાષચંદ્ર બોઝ અને સાના સતીશ બાબુના નામ સામેલ છે. રાજ્યની રાજકીય સ્થિતિને જોતા આ બેઠકો પર મુખ્ય રાજકીય પક્ષો વચ્ચે રસપ્રદ ટક્કર થવાની શક્યતા છે.
ગુજરાતની ચાર બેઠકો પર સૌની નજર
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. અહીંથી નિવૃત્ત થતા સાંસદોમાં રામભાઈ હરજીભાઈ મોકરિયા, નરહરી અમીન, ગોહિલ શક્તિસિંહજી હરિચંદ્રસિંહજી અને રમિલા બેચરભાઈ બારાના નામ સામેલ છે. ગુજરાતમાં ભાજપ પાસે મજબૂત સંખ્યાબળ હોવાથી ફરી એકવાર રાજ્યસભામાં ભાજપનો દબદબો વધવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.
ઝારખંડ અને મધ્ય પ્રદેશમાં પણ રસપ્રદ સમીકરણ
ઝારખંડની બે બેઠકો માટે ચૂંટણી યોજાશે. અહીં દીપક પ્રકાશની બેઠક ઉપરાંત શિબુ સોરેનની ખાલી બેઠક પર પણ મતદાન થશે. બીજી તરફ મધ્ય પ્રદેશમાં જ્યોર્જ કુરિયન, દિગ્વિજય સિંહ અને સુમેર સિંહ સોલંકીની બેઠકો ખાલી થઈ રહી છે. મધ્ય પ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી રાજકીય ટક્કર જોવા મળી શકે છે.
કર્ણાટકમાં દિગ્ગજ નેતાઓની બેઠકો ખાલી
કર્ણાટકની ચાર બેઠકોમાં નારાયણા કોરગપ્પા, ઇરન્ના કડાડી, પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવગૌડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની બેઠકો સામેલ છે. આ રાજ્યની ચૂંટણી પર સમગ્ર દેશની નજર રહેશે કારણ કે અહીંના પરિણામો રાષ્ટ્રીય રાજકારણમાં પણ મહત્વ ધરાવે છે.
અન્ય રાજ્યોની બેઠકો
રાજસ્થાનમાં નીરજ ડાંગી, રાજેન્દ્ર ગહલોત અને રવનીત સિંહની બેઠકો માટે ચૂંટણી થશે. જ્યારે અરુણાચલ પ્રદેશમાંથી નાબામ રેબિયા, મણિપુરમાંથી મહારાજા સનાજાઓબા લિશેમ્બા, મેઘાલયમાંથી વાનવેઇરોય ખારલુખી અને મિઝોરમમાંથી કે. વનલાલવેનાની બેઠકો માટે પણ મતદાન યોજાશે.
8 જૂન સુધી ઉમેદવારી નોંધાવી શકાશે
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ ઉમેદવારી નોંધાવવાની છેલ્લી તારીખ 8 જૂન રહેશે. ત્યારબાદ 9 જૂને ઉમેદવારી પત્રોની ચકાસણી હાથ ધરાશે. ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન નક્કી કરવામાં આવી છે. તમામ બેઠકો માટે 18 જૂને મતદાન અને એ જ દિવસે સાંજે મતગણતરી કરવામાં આવશે.
કેવી રીતે યોજાય છે રાજ્યસભાની ચૂંટણી?
રાજ્યસભાની ચૂંટણી સીધી જનતા દ્વારા નહીં પરંતુ સંબંધિત રાજ્યના ધારાસભ્યો દ્વારા યોજાય છે. એટલે કે રાજ્યસભાના સભ્યો પરોક્ષ રીતે ચૂંટાય છે. રાજ્યસભા સંસદનું કાયમી ગૃહ હોવાથી તે ક્યારેય ભંગ થતું નથી. તેના એક તૃતીયાંશ સભ્યો દર બે વર્ષે નિવૃત્ત થાય છે અને નવી ચૂંટણી યોજાય છે. રાજ્યસભાની કુલ બેઠકો 245 છે. જેમાંથી 233 સભ્યો વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી ચૂંટાય છે, જ્યારે 12 સભ્યોને રાષ્ટ્રપતિ દ્વારા નામાંકિત કરવામાં આવે છે.
મતદાનની પ્રક્રિયા કેવી હોય છે?
રાજ્યસભાની ચૂંટણીમાં ધારાસભ્યો પોતાના મત આપે છે. ચૂંટણી માટે “સિંગલ ટ્રાન્સફરેબલ વોટ સિસ્ટમ” અપનાવવામાં આવે છે. જીત માટે જરૂરી મતનો આંકડો રાજ્યની કુલ વિધાનસભા બેઠકો અને રાજ્યસભાની ખાલી બેઠકોના આધારે નક્કી થાય છે. એક ધારાસભ્યના મતનું મૂલ્ય 100 ગણવામાં આવે છે.
રાજકીય દ્રષ્ટિએ કેમ મહત્વપૂર્ણ છે ચૂંટણી?
રાજ્યસભા સંસદનું ઉચ્ચ સદન હોવાથી કેન્દ્ર સરકાર માટે અહીં મજબૂત સંખ્યાબળ ખૂબ મહત્વનું હોય છે. અનેક મહત્વપૂર્ણ બિલો પસાર કરવા રાજ્યસભામાં બહુમતી અથવા પૂરતું સમર્થન જરૂરી બને છે. તેથી આ ચૂંટણી માત્ર બેઠકો પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશના રાજકીય સમીકરણોને પણ અસર કરતી માનવામાં આવે છે.






