Surendranagar News: સુરેન્દ્રનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા અને ગુનેગારોમાં ફફડાટ ફેલાવવા માટે જિલ્લા પોલીસે એક મોટું અને પ્રશંસનીય પગલું ભર્યું છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં લાંબા સમયથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ આચરીને આતંક મચાવનારી એક સંગઠિત ટોળકીના પાંચ આરોપીઓ સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ તમામ આરોપીઓ વિરુદ્ધ ગુજસીટોક (GUJCTOC - ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ) હેઠળ ગુનો નોંધી કાયદાનો સિંકોજો કસવામાં આવ્યો છે.
ત્રણ આરોપીઓની ધરપકડ, એક જેલમાં અને એક ફરાર
જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પોલીસે આ ટોળકી વિરુદ્ધ સપાટો બોલાવ્યો છે. પોલીસે કાર્યવાહી કરીને આ ગેંગના પાંચમાંથી ત્રણ સભ્યોને ઝડપી પાડ્યા છે, જ્યારે બાકીના બે આરોપીઓ અંગેની સ્થિતિ નીચે મુજબ છે...
ઝડપાયેલા આરોપીઓ
૧. જયંતિ ધીરુભાઈ સરવૈયા
૨. શક્તિ ઉર્ફ લાલો થરેશા
૩. ભોલો કેશુભાઈ સરવૈયા
જેલમાં બંધ આરોપી: રાકેશ પેથાભાઇ સરવૈયા (હાલ અન્ય ગુનામાં જેલ હવાલે છે)
ફરાર આરોપી: રાહુલ પેથાભાઈ સરવૈયા (જેને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે)
ભય અને આતંકનો પર્યાય બનેલી ટોળકીનો પર્દાફાશ
પોલીસના જણાવ્યા અનુસાર, આ પાંચેય આરોપીઓ લાંબો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. સુરેન્દ્રનગર એ ડિવિઝન વિસ્તારમાં લૂંટ, ધાક-ધમકી, મારામારી અને ખંડણી જેવી અનેક અસામાજિક અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓમાં આ ટોળકી સક્રિય હતી. સ્થાનિક લોકોમાં આ ગેંગનો ભારે ભય હતો.
ગુજસીટોક કેમ લાગુ કરાયો?
જ્યારે કોઈ ટોળકી સંગઠિત થઈને વારંવાર ગંભીર ગુનાઓ આચરે અને સામાન્ય કાયદાથી તેના પર અંકુશ મેળવવો મુશ્કેલ બને, ત્યારે સરકાર અને પોલીસ દ્વારા આ કડક કાયદાનો ઉપયોગ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ આરોપીઓને જામીન મળવા ખૂબ મુશ્કેલ બની જાય છે.
પોલીસની કડક કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ
સુરેન્દ્રનગર પોલીસની આ ભીંસ વધારતી કાર્યવાહીના કારણે સ્થાનિક ગુંડાઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. સામાન્ય જનતાએ પોલીસના આ પગલાને આવકાર્યું છે. હાલમાં પોલીસે ઝડપાયેલા આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરી છે અને ફરાર આરોપી રાહુલ સરવૈયાને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસનું કહેવું છે કે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરનાર કોઈપણ ગુનેગારને બક્ષવામાં આવશે નહીં.





