Home Gujarat Bhuj Delhi Direct Express Train Launch Gujarat

કચ્છને હવે મળશે દિલ્હીની સીધી કનેક્ટિવિટી! : ભુજ-દિલ્હી નવી એક્સપ્રેસ ટ્રેનનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે ગણાવી ઐતિહાસિક ભેટ

Gujarat CM
Published by: Viral Patel
Last Updated: May 22, 2026, 02:11 PM IST

Gujarat CM: કચ્છના પ્રજાજનો અને પ્રવાસીઓ માટે એક ઐતિહાસિક ક્ષણ આવી પહોંચી છે. કચ્છને દેશની રાજધાની નવી દિલ્હી સાથે જોડતી સીધી રેલ સેવાનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી મુખ્યમંત્રી અને રાજસ્થાનના પાલી ખાતેથી કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આ ગૌરવપૂર્ણ અવસરમાં સહભાગી થયા હતા અને ભુજ-દિલ્હી એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ કચ્છને દિલ્હી સાથે જોડતી આ સીધી રેલ સેવાની અણમોલ ભેટ તેમજ તાજેતરમાં મંજૂર થયેલા અમદાવાદ-ધોલેરા સેમી હાઇ સ્પીડ પ્રોજેક્ટ માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

કચ્છના ગાંધીધામ BSF કેમ્પમાં AK-47થી ફાયરિંગ : જવાનનું મોત, સુરક્ષા એજન્સીઓ તપાસમાં લાગી!

12 વર્ષમાં ભારતીય રેલવેનો અભૂતપૂર્વ કાયાકલ્પ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતીય રેલવે એ દેશના પરિવહનની સૌથી મહત્વની કડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં પાછલા બાર વર્ષમાં રેલવે ક્ષેત્રે મોટાપાયે કાયાકલ્પ થયો છે. વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ ગુજરાતે આધુનિક રેલવે ક્રાંતિમાં દેશભરમાં અગ્રેસર ભૂમિકા (લીડ) લીધી છે.

ગુજરાતમાં રેલવે વિકાસના મુખ્ય આંકડા:

વર્ષ ૨૦૧૪ પછી ગુજરાતમાં અંદાજે ૨૯૦૦ કિલોમીટર લાંબા નવા રેલવે ટ્રેકનું નિર્માણ કરવામાં આવ્યું છે. હાલમાં સમગ્ર રાજ્યમાં ૧ લાખ ૨૮ હજાર કરોડ રૂપિયાના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ પૂરજોશમાં કાર્યરત છે. વર્ષ ૨૦૨૬-૨૭ના રેલવે બજેટમાં ગુજરાતને રેકોર્ડબ્રેક ₹૧૭,૩૬૬ કરોડની રકમ ફાળવવામાં આવી છે, જે ૨૦૧૪ની તુલનાએ ૨૯ ટકા વધુ છે.

નર્મદામાં દારૂ-જુગારના અડ્ડા મામલે સાંસદ મનસુખ વસાવા આક્રમક : ગૃહમંત્રી હર્ષ સંઘવીને સનસનાટીપૂર્ણ પત્ર લખતા ખળભળાટ

દેશની પ્રથમ બુલેટ ટ્રેન અને આધુનિક કનેક્ટિવિટી

મુખ્યમંત્રીએ મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ (બુલેટ ટ્રેન) પ્રોજેક્ટનો વિશેષ ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટનું કામ અત્યારે પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગર્વની વાત એ છે કે આ પ્રોજેક્ટનો સૌથી મોટો ભાગ આશરે ૩૪૮ કિલોમીટર જેટલો ટ્રેક ગુજરાતની ધરતી પર નિર્માણ પામી રહ્યો છે.

વધુમાં તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાનએ ગુજરાતને ૫ વંદે ભારત ટ્રેન, ૧ અમૃત ભારત ટ્રેન અને ૧ નમો ભારત ટ્રેનની આધુનિક ભેટ આપી છે. આ ઉપરાંત વિશ્વના અગ્રણી પ્રવાસન સ્થળ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધી દેશ-વિદેશના યાત્રિકો સરળતાથી પહોંચી શકે તે માટે એકતા નગર (કેવડિયા)ને પણ ભવ્ય રેલવે કનેક્ટિવિટીથી જોડી દેવામાં આવ્યું છે. ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાનના નેતૃત્વ અને રેલ્વે મંત્રીના માર્ગદર્શનમાં આઝાદીનો આ અમૃતકાળ રેલવેને નવી ગતિ આપનારો અને 'વિકસિત ભારત'ના નિર્માણનો સુવર્ણ કાળ બનશે."

ગુજરાતમાં ભૂક્કા કાઢી નાંખશે કમોસમી વરસાદ! : એકાએક આ વિસ્તારનું હવામાન પલટાયું! ગાજવીજ સાથે મેઘો ત્રાટક્યો, ખેડૂતો ચિંતિત

ભુજ રેલવે સ્ટેશન ખાતે ભારે ઉત્સાહ

ભુજ રેલવે સ્ટેશન ખાતે આયોજિત આ પ્રસ્થાન ઉત્સવમાં રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદ ચાવડા, કચ્છ જિલ્લાના ધારાસભ્યો, સ્થાનિક પદાધિકારીઓ, રેલવેના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા. આ નવી રેલ સેવા શરૂ થવાથી કચ્છના વેપાર, ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રને ખૂબ જ મોટો વેગ મળશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now