Home Gujarat Raju Karpada Joins Bjp Surendranagar Local Election Impact

રાજુ કરપડાએ ધારણ કર્યા 'કેસરિયા' : ભાજપમાં જોડાયા બાદ શું બોલ્યા AAP ના પૂર્વ નેતા?

રાજૂ કરપડા
Play Video
Published by: Chintan Chavda
Last Updated: Apr 09, 2026, 09:39 AM IST

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકીય પરિસ્થિતિ દિવસેને દિવસે વધુ રસપ્રદ બની રહી છે. એક તરફ પક્ષો ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે, તો બીજી તરફ પક્ષ પરિવર્તનના બનાવો પણ વધતા જોવા મળી રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP) માટે મોટો ઝટકો માનવામાં આવે તેવી ઘટના બની છે, પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડા ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે.

ભાજપમાં જોડાયા બાદ શું બોલ્યા રાજુ કરપડા?

ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ કહ્યું, "હું 2017-18 થી ખેડૂતનું સંગઠન બનાવી ખેડૂતો માટે લડતો, ત્યાર પછી 2021 માં એક રાજકીય પાર્ટીની અંદર હું જોડાયો. એક સ્વપ્ન લઈને નીકળ્યા હતા કે અમારા ખેડૂતને કેવી રીતે સુખી સમૃદ્ધ બનાવી શકાય, કેવી રીતે ખેડૂતને ગામડાઓની અંદર જ વસવાટ કરી રહેલા ગામડાઓ ભાંગે નહીં ગામડા તૂટે નહીં ખેડૂતનું મજબૂત સંગઠન બનાવી નાના મોટા ખેડૂતના પ્રશ્ન હોય તો તેને વાંચા કેવી રીતે આપી શકાય? આ સપનું જોઈ અને એક ચોક્કસ પાર્ટીની અંદર 2021 માં જોડાયા કે અમારા ખેડૂતનો અવાજ બુલંદ બનાવી શકાશે."

આગળ બોલ્યા, "પરંતુ ખેડૂતોના મુદ્દે જ્યારે પણ લડાઈ લડવાની થઈ છે તો મજબૂતાઈથી ખેડૂતોનો અવાજ બની સૌરાષ્ટ્રના તમામ ગામડાઓની અંદર તમામ તાલુકાઓની અંદર જ્યારે જ્યારે પણ કુદરતી આફત આવી હોય અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તો તમામ મુદ્દે અવાજો ઉઠાવ્યા. છેલ્લે જ્યારે હડદળ વાળી ઘટના ઘટી હું જેલમાં ગયો ઘણા બધા વિચારો આવ્યા ઘણું બધું મંથન કર્યું ત્યારે એક વાત ચોક્કસથી સમજાણી કે ખરેખર જો ખેડૂતોનું હિત ઇચ્છીએ છીએ ખેડૂતના ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જવા છે તો સત્તા પક્ષની સામે રહી માત્ર આંદોલનો કરી જિંદાબાદ મુર્દાબાદના નારાઓ બોલાવી અને સતત સરકારનો વિરોધ કરીને ખેડૂતનું હિત નહીં કરી શકાય."

"ચોક્કસથી આપણો ચહેરો ચમકાવી શકાય, સરકારની સામે, સત્તાની સામે રોજેરોજ આંદોલનો કરી આપણો ચહેરો ચમકાવી શકાય, પણ જે લોકોની પીડા છે એ પીડાને કાયમી ધોરણે નિરાકરણ લાવવું હોય તો નિર્ણય સત્તામાં રહેલી પાર્ટીએ કરવાનો હોય છે. અને સત્તામાં રહેલી પાર્ટીને જ્યારે સામે બાંયો ચડાવી, સીંગડા માંડીને રજૂઆત કરવી અને ખેડૂતોનું હિત કરવા પ્રયત્ન કરતા હોય એવું દેખાડવું એના કરતા મને એવું લાગ્યું કે ખેડૂતોનું જો હિત જ કરવું છે અને દરેક ખેતર સુધી સિંચાઈનું પાણી પહોંચાડવું છે તો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને એની સાથે જોડાઈને મારા ખેડૂતોને સમૃદ્ધિ તરફ લઈ જઈએ," એમ બોલ્યા રાજુ કરપડા.

"મેં 5 વર્ષ મફતમાં ‘સાથીપણું’ કર્યું" : રાજુ કરપડા

આગળ તેમણે કહ્યું, "આવનાર દિવસોની અંદર જે લોકો પણ આજે જે પાર્ટીમાં હું હતો, આજે દુ:ખ સાથે કહેવું પડે છે કે મેં 5 વર્ષ મફતમાં ‘સાથીપણું’ કર્યું – અમારા ખેડૂતોની ભાષામાં કહીએ તો. બદલામાં જે મળ્યું છે એ પણ ગુજરાતના ખેડૂતોએ જોયું છે. મારી વાત તો એટલી છે કે હું કોઈ પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાઈને મેં પાર્ટી છોડી દીધી હોય તો મારા પર આક્ષેપ થવો જોઈએ, મેં તો મફતમાં હાથીપણું કર્યું હતું, શું કામ મારા પર આક્ષેપ કરો છો?"

"ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય..." : રાજુ કરપડા

"અમારા ખેડૂત સંગઠનને મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના જેટલા પણ પ્રશ્નો છે એને વાચા આપીને આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે ખેડૂતોના કામ થાય એ અપેક્ષા સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે."

"રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો" : રાજુ કરપડા

"પોતાનો ચહેરો ચમકાવવા માટે કે પોતાના રાજકીય રોટલા શેકવા હોય તો વિપક્ષમાં રહીને ચમકાવી શકાય ચહેરો, રાજકીય રોટલા શેકી શકાય, સહાનુભૂતિનો લાભ મેળવી શકાય, રોજ નવી નવટંકી કરી શકાય. પણ રાજુ કરપડા માટે નવટંકી કે ચહેરો ચમકાવવો વિશેષ નહોતો, મારા માટે વિશેષ એ હતું કે મારા ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેમ આવે? કેમ કરીને મારા ખેડૂતો ગામડામાં વસી રહે, કેમ કરીને ગામડાઓ ટકાવી શકાય? તો સરકારની સાથે મળીને અને સરકારની જે સાચી અને સારી યોજનાઓ છે એને દરેક ખેડૂતના ખેતર સુધી પહોંચાડીએ, ખેડૂતને લાભ અપાવીએ અને આવનાર દિવસોના જે પ્રશ્ન ખેડૂતના હશે એ સરકારમાં રજૂઆત કરી સરકાર થકી ખેડૂતોના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું – આ સપના સાથે આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે.”

રાજુ કરપડાનો ભાજપમાં પ્રવેશ: સુરેન્દ્રનગરથી ગાંધીનગર સુધીનો સફર

સુરેન્દ્રનગર જિલ્લાના જાણીતા રાજકીય ચહેરા રાજુ કરપડાએ ગાંધીનગર સ્થિત કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ ગયા છે. તેઓ ખેડૂતોના સમૂહ સાથે સુરેન્દ્રનગરથી ગાંધીનગર પહોંચશે, જે આ પ્રવેશને વધુ રાજકીય મહત્વ આપે છે.

રાજુ કરપડા લાંબા સમયથી ગ્રામ્ય વિસ્તાર સાથે જોડાયેલા નેતા તરીકે ઓળખાય છે. ખેડૂતો સાથે તેમનો સીધો સંપર્ક અને વિસ્તારની સમસ્યાઓ પર તેમની પકડને કારણે તેઓ સ્થાનિક રાજકારણમાં પ્રભાવશાળી માનવામાં આવે છે. તેમના ભાજપ પ્રવેશને કારણે સુરેન્દ્રનગર જિલ્લા અને ખાસ કરીને મૂળી વિસ્તારની રાજકીય ગણિતમાં મોટો ફેરફાર આવી શકે છે.

આ પણ વાંચો: ભાજપના ગઢમાં ગાબડું : પાલ આંબલિયાનો માસ્ટરસ્ટ્રોક, સતવારા સમાજના કદાવર નેતાએ કેસરીયો ત્યાગી પંજો પકડ્યો

મળતી માહિતી મુજબ, રાજુ કરપડા સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની મૂળી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, જે ભાજપ માટે એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now