Home Gujarat Rajkot Triple Murder Over Minor Issue On Diwali Night

કાળી ચૌદશની રાત્રિએ કાળ ભરખી ગયો : સામાન્ય બાબતની બબાલમાં રાજકોટમાં ત્રિપલ મર્ડર

કાળી ચૌદશની રાત્રિએ કાળ ભરખી ગયો
Published by: OBS Bureau
Last Updated: Oct 20, 2025, 04:48 AM IST

દિવાળી તહેવારની રાત્રે રાજકોટ શહેરમાં ઘટેલી ત્રિપલ હત્યાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી છે. આંબેડકરનગર વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી ઝપાઝપી બાદ છરીના ઘા ઝીંકી ત્રણ લોકોના મોત થયા હતા. આ નરાધમ ઘટના કાળી ચૌદશની મધ્યરાત્રિએ એક સામાન્ય વાહન અથડામણ બાદ ઉગ્ર બોલાચાલીમાંથી સર્જાઈ હતી.


બે સગા ભાઈઓની છરીના ઘા મારી હત્યા

પોલીસ સૂત્રો મુજબ, આંબેડકરનગર વિસ્તારમાં વાહન અથડાવાની બાબતે શરૂ થયેલી તનાતન બાદ બે સગા ભાઈ — સુરેશ વશરામ પરમાર (ઉંમર 45) અને વિજય વશરામ પરમાર (ઉંમર 40) પર હુમલો થયો હતો. હુમલાખોરોએ છરી વડે હુમલો કરતાં બંનેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છતાં બંનેએ જીવ ગુમાવ્યો હતો.

હુમલા દરમિયાન સામા પક્ષનો અરુણ વિનુભાઈ બારોટ પણ ઘાયલ થયો હતો, જેના મોતની પણ બાદમાં પુષ્ટિ થઈ છે. આ રીતે નાની બોલાચાલી ઘાતક રૂપ ધારણ કરી ત્રણ પરિવારોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.


‘સામે જોઈને વાહન ચલાવવા કહ્યું, ત્યાર બાદ હુમલો થયો’

મૃતક બે ભાઈના પિતા વશરામભાઈએ જણાવ્યું કે તેમના દીકરા મજૂરીનું કામ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. “રાત્રે લગભગ 10:30થી 11:00 વાગ્યાની વચ્ચે તેમનું વાહન અથડાયું હતું. મારી દીકરાઓએ સામે જોઈને ચલાવવા કહ્યું હતું, પરંતુ વાતચીત ઉગ્ર બની અને સામા પક્ષના લોકોએ છરી વડે હુમલો કર્યો. મારી પુત્રવધૂ અને પૌત્ર પર પણ હુમલો થયો હતો,” એમ વશરામભાઈએ આક્રંદભેર જણાવ્યું.

તેમણે ઉમેર્યું કે વિસ્તારમા દારૂનું દૂષણ વધી રહ્યું છે અને દારૂના નશામાં લુખ્ખાગીરી કરતા તત્ત્વો સામે કાર્યવાહી થવી જરૂરી છે.

પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો

ઘટનાની જાણ થતાં જ ડી.સી.પી. ક્રાઇમ જગદીશ બાંગરવા સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. માલવિયાનગર પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ મોડી રાત્રે સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી, હત્યાની કલમ હેઠળ ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે.


પોલીસની પ્રાથમિક તપાસ: જૂથ અથડામણમાં ત્રણના મોત

એ.સી.પી. બી.જે. ચૌધરીએ જણાવ્યું કે આંબેડકરનગર વિસ્તારમાં જૂથ અથડામણની ઘટના બની હતી, જેમાં ત્રણ લોકોનાં મોત થયા છે. મૃતકોની ઓળખ અરુણ વિનુભાઈ બારોટ તેમજ બે સગાભાઈ સુરેશભાઈ અને વિજયભાઈ વશરામભાઈ પરમાર તરીકે થઈ છે.

ચૌધરીએ વધુમાં જણાવ્યું કે સામાન્ય અકસ્માત બાદ બોલાચાલી હિંસામાં ફેરવાઈ હતી. બંને પક્ષો વચ્ચે છરી, બેટ, ધારિયા અને ધોકા વડે હુમલા થયા હતા. ઘટનામાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમાં બે ગંભીર રીતે ઘાયલ છે જ્યારે એક મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે.


શહેરમાં ચકચાર, પોલીસે શરૂ કરી તપાસ

ત્રણ લોકોના મોત બાદ આખા આંબેડકરનગર વિસ્તારમાં તંગદિલીનું વાતાવરણ સર્જાયું છે. પોલીસે વિસ્તારમા બંદોબસ્ત વધારી દીધો છે અને ઘટનામાં સામેલ વ્યક્તિઓની ઓળખ તેમજ તેમના વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી પહેલા ગુજરાત પોલીસ બેડામાં મોટો ફેરફાર!
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો શંખનાદ
વાવ-થરાદમાં PM મોદીની સભા દરમિયાન બની ચોંકાવનારી ઘટના
ખંભાળીયામાં સાંસદ પૂનમ માડમનો ભક્તિમય અંદાજ
ગુજરાતમાં ત્રિપલ રેન સિસ્ટમ સક્રિય, આગામી ચાર દિવસ ભારે