રાજકોટમાં ખોરાકમાં ભેળસેળના વધતા મુદ્દાને લઈને રાજકોટ મહાનગરપાલિકા (RMC)એ મોટું અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. મેયર ડૉ. નેહલ શુક્લ અને મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંયુક્ત પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ખાદ્યચીજોમાં ભેળસેળ કરનાર તત્વો સામે હવે વર્ષભર સતત ઝુંબેશ ચલાવવામાં આવશે. મનપા દ્વારા આજથી જ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મેયર ડૉ. નેહલ શુક્લે ભેળસેળના મુદ્દાને અત્યંત ગંભીર ગણાવતા જણાવ્યું કે ખોરાકમાં ભેળસેળ માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ નથી, પરંતુ લોકોના સ્વાસ્થ્ય સામેનું એક “નાનકડું આતંકવાદી કાવતરું” છે. તેમણે કહ્યું કે નફાખોરી માટે કરવામાં આવતી ભેળસેળ બાળકો, વૃદ્ધો અને સામાન્ય નાગરિકોના આરોગ્ય પર સીધી અસર કરે છે અને આવી પ્રવૃત્તિ કોઈપણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં.
અમિત ચાવડા, ગેનીબેન સહિતના કોંગ્રેસના નેતાઓ મેદાનમાં: ગાંધીનગરમાં ખેડૂતોના મુદ્દે સરકારને ઘેરવાનો પ્રયાસ
એક વર્ષ સુધી સતત ચાલશે અભિયાન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અગાઉ પણ ભેળસેળ સામે કાર્યવાહી કરવામાં આવી છે, પરંતુ હવે તેને માત્ર ડ્રાઇવ નહીં પરંતુ એક વર્ષ લાંબી કેમ્પેઇન તરીકે હાથ ધરવામાં આવી રહી છે. મેયરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આ કાર્યવાહી 15 દિવસ કે એક મહિના પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ આખું વર્ષ સતત ચાલશે.
તેમણે ભેળસેળ કરતા વેપારીઓને ચેતવણી આપતાં કહ્યું કે સ્વૈચ્છિક રીતે આવી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી જોઈએ. જો નિયમોનું પાલન નહીં થાય તો તંત્ર કાયદાકીય મર્યાદા હેઠળ દંડથી લઈને સીલિંગ સુધીની તમામ કાર્યવાહી કરશે.
8 વિશેષ ટીમો કરશે સઘન ચેકિંગ
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું કે રાજકોટ શહેરના તમામ ખાણીપીણીના આઉટલેટ્સ, રેસ્ટોરન્ટ, હોટેલ, ફૂડ સ્ટોલ, હોકર ઝોન અને અન્ય ખાદ્ય વ્યવસાયોને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે.
આ માટે મનપાએ પ્રાથમિક તબક્કે 8 વિશેષ ટીમોની રચના કરી છે. આવનારા સમયમાં જરૂરિયાત મુજબ ટીમોની સંખ્યા વધારવામાં આવશે. શહેરભરમાં નિયમિત સેમ્પલિંગ, ચેકિંગ અને તપાસની કાર્યવાહી હાથ ધરાશે.
તુષાર સુમેરાએ જણાવ્યું કે મનપા પાસે ઉપલબ્ધ તમામ કાયદાકીય સત્તાઓનો ઉપયોગ કરીને ભેળસેળ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જેમાં દંડ, લાઇસન્સ સંબંધિત કાર્યવાહી અને ગંભીર કિસ્સામાં એકમોને સીલ કરવાની કામગીરી પણ સામેલ રહેશે.
ભુજના માધાપરમાં બટુક ભોજન બાદ 30થી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ: મધરાતે હોસ્પિટલમાં ખસેડયા
દૂધની ભેળસેળને અપાશે વિશેષ પ્રાથમિકતા
મનપાના આરોગ્ય વિભાગે સ્પષ્ટ કર્યું છે કે દૂધ અને દૂધજન્ય પદાર્થોમાં થતી ભેળસેળને આ અભિયાનમાં વિશેષ પ્રાથમિકતા આપવામાં આવશે. ઉપરાંત મીઠાઈ, તેલ, મસાલા, નાસ્તા, પીણાં અને રોજિંદા ઉપયોગમાં આવતી ખાદ્યચીજોના નમૂનાઓ પણ તપાસ માટે લેવામાં આવશે.
ખાદ્યચીજોના વિવિધ કેટેગરીમાં ટેસ્ટિંગ હાથ ધરાશે અને તેના પરિણામો નિયમિત રીતે જાહેર કરવામાં આવશે. જેના આધારે નાગરિકોને પણ ખાદ્ય સુરક્ષા અંગે વધુ માહિતી ઉપલબ્ધ થશે.
મનપા પોતાની ફૂડ ટેસ્ટિંગ લેબ શરૂ કરશે
કમિશનર તુષાર સુમેરાએ વધુમાં જણાવ્યું કે ટેસ્ટિંગ પ્રક્રિયાને વધુ ઝડપી અને અસરકારક બનાવવા રાજકોટ મહાનગરપાલિકા પોતાની ફૂડ ટેસ્ટિંગ લેબ શરૂ કરવાની તૈયારી કરી રહી છે. હાલની વ્યવસ્થામાં નમૂનાઓના રિપોર્ટ આવવામાં સમય લાગતો હોવાથી મનપા હવે પોતાની લેબ દ્વારા ઝડપથી પરિણામો મેળવવા માંગે છે.
તેમણે જણાવ્યું કે લેબની કામગીરી શરૂ થાય તેની રાહ જોયા વગર અભિયાન તાત્કાલિક શરૂ કરવામાં આવશે અને પાછળથી ટેકનિકલ સુવિધાઓ વધુ મજબૂત કરવામાં આવશે.
ગુજરાતના ST બસના ડ્રાઇવર-કંડક્ટરો પર તવાઇ: હવે ડ્યુટી દરમિયાન મોબાઇલનો ઉપયોગ કર્યો તો થશે કાર્યવાહી, GSRTCનો કડક નિર્ણય
નાગરિકોને પણ આગળ આવવા અપીલ
મેયર ડૉ. નેહલ શુક્લે રાજકોટના નાગરિકોને પણ આ અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે જ્યાં પણ ખાદ્યચીજોમાં ભેળસેળ થતી હોવાની શંકા હોય અથવા ગેરરીતિઓ જોવા મળે ત્યાં લોકો વીડિયો અને ફોટોગ્રાફિક પુરાવા સાથે મનપાને જાણ કરી શકે છે.
મનપાનું માનવું છે કે નાગરિકોના સહયોગથી ભેળસેળ સામેની લડત વધુ અસરકારક બની શકે છે અને શહેરમાં સુરક્ષિત ખાદ્ય વ્યવસ્થા ઉભી કરી શકાય છે.
જાહેર આરોગ્યને પ્રાથમિકતા
રાજકોટ મહાનગરપાલિકાએ આ અભિયાનને માત્ર નિયમનકારી કાર્યવાહી નહીં પરંતુ જાહેર આરોગ્ય સુરક્ષાનું મિશન ગણાવ્યું છે. શહેરના લાખો નાગરિકોને શુદ્ધ અને સુરક્ષિત ખોરાક મળે તે માટે આગામી એક વર્ષ દરમિયાન સતત દેખરેખ, સેમ્પલિંગ અને કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.





