Rajkot News: તમે જરા વિચાર કરો કે તમે કોઈ મોડી રાત્રે મેળામાં ચકડોળમાં બેઠા છો, અને તમારું ચકડોળ 100 ફૂટ ઊંચાઈ પર છે. તેમ તેની મઝા માણી રહ્યા છો અને અચાનક જ ચકડોળ બંધ થઈ જાય. તો આવી સ્થિતિમાં તમારી પરિસ્થિતિ કેવી હોય? આવું જ કાંઈક રાજકોટના એક પરિવાર સાથે થયું. અહીં રાઈડ ઓપરેટર ચકડોળ બંધ કરીને ઘરે જોવા નીકળી ગયો હતો. આ ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈએ એક જ પરિવાર ફસાઈ ગયો હતો.
વાત જાણે એમ છે કે, રાજકોટના અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટર રાત્રે 10:30 વાગ્યા આસપાસ ચકડોળ બંધ કરીને જતો રહ્યો. પરંતુ તેની બેદરકારીના કારણે ચકડોળમાં 5 થી 6 લોકોનો પરિવાર 100 ફૂટની ઊંચાઈએ હવામાં 20 મિનિટ સુધી રહ્યો હતો. તેઓ ડરી ગયા હતા. જેથી તેઓએ ફાયર બ્રિગેડની ફોન કરીને મદદ માંગી હતી. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.
આમ, ઓપરેટરની બેદરકારીથી ચકડોળમાં સવાર લોકોના જીવ ટાળવે ચોંટી ગયા હતા. જોકે ફાયર વિભાગની જાણ કરવામાં આવતા ફાયર વિભાગ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું. બીજી તરફ અટલ સરોવરના સિક્યુરિટી ગાર્ડે ચકડોળ ઓપરેટરને ફોન કરીને બોલાવ્યો હતો. પરિવારના 5 સભ્યોના હેમખેમ નીચે ઉતારવામાં આવ્યા હતા. એ તો સારું થયું કે કોઈ અકસ્માત ન સર્જાયો, પરંતુ અટલ સરોવરના રાઇટ્સ ઓપરેટરની ગંભીર બેદરકારી સામે આવી છે.
આ ઘટના બાદ રાઈડ ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મૂકાયો હતો. ત્યારે હવે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે જોવાનું રહ્યું.






