Home Gujarat Rajkot Railway Police Hands Over 18 Year Old Girl Who Fled From Bihar To Her Family

"લગ્ન કરવા ન હોવાથી ઘરેથી નીકળી હતી" : બિહારથી ભાગીને આવેલી 18 વર્ષીય યુવતીને રાજકોટ રેલવે પોલીસે પરિવારને સોંપી

"લગ્ન કરવા ન હોવાથી ઘરેથી નીકળી હતી"
Published by: OBS Bureau
Last Updated: Jan 19, 2026, 11:58 AM IST

રાજકોટ રેલવે પોલીસ દ્વારા માનવતાભર્યું કાર્ય કરવામાં આવ્યું છે. બિહાર રાજ્યમાંથી ઘરેથી કોઈને કહ્યા વગર ભાગીને રાજકોટ રેલવે સ્ટેશન પર પહોંચી ગયેલી 18 વર્ષીય યુવતીને પોલીસે સુરક્ષિત રીતે શોધી કાઢી અને તેના પરિવારને સોંપી હતી.

મળતી માહિતી મુજબ, તા. 17 જાન્યુઆરી 2026 ના રોજ રાત્રે અંદાજે 1:30 વાગ્યે RPF તરફથી રાજકોટ રેલવે પોલીસ સ્ટેશનને હીંડીમા મેમો મળ્યો હતો. જેમાં સોનલકુમારી નામની યુવતી (ઉ.વ. 18) બિહાર રાજ્યના સીતામઢી જિલ્લાથી રાજકોટ રેલવે સ્ટેશન પર આવી હોવાની જાણ કરવામાં આવી હતી. આ અંગે RPF દ્વારા યુવતીને રાજકોટ રેલવે પોલીસને સોંપવામાં આવી હતી.

સી-ટીમની રચના હેઠળ રાજકોટ રેલવે પોલીસે યુવતીનો કબ્જો સંભાળી વિગતવાર પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું હતું કે તેને લગ્ન કરવા ન હોવાથી તે ઘરે કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગઈ હતી અને રાજકોટ પહોંચી હતી.

પોલીસે યુવતીને વિશ્વાસમાં લઈને તેના ભાઈનો મોબાઇલ નંબર મેળવી પરિવારનો સંપર્ક કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે બિહાર રાજ્યના ભુતહી પોલીસ સ્ટેશનમાં યુવતીના અપહરણ અંગે ગુનો નોંધાયેલ હતો. આ બાબતે બિહાર પોલીસ સાથે સંપર્ક સાધી સમગ્ર વિગતોની ખાતરી કરવામાં આવી હતી.

18 જાન્યુઆરી 2026ના રોજ બિહાર પોલીસ તરફથી ઇ-મેઇલ મારફતે યુવતીને પરિવારને સોંપવાની મંજૂરી મળતા, યુવતીની સંમતિ બાદ તેને તેના ભાઈ અને પિતાજીને સુરક્ષિત રીતે સોંપવામાં આવી હતી.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now