Home Gujarat Rajkot Rajkot Minor Girl Pocso R A P E Case Arrest

રાજકોટમાં ધોરણ-12ની સગીરાનું શોષણ : ગર્ભપાત કરાવ્યાનો પણ આક્ષેપ; બે સામે POCSO હેઠળ ગુનો

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
Published by: Chintan Chavda
Last Updated: Jul 04, 2026, 09:49 AM IST

રાજકોટ શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મનો ગંભીર કેસ સામે આવ્યો છે. ધોરણ-12માં અભ્યાસ કરતી સગીરાએ પ્રેમસંબંધની આડમાં વારંવાર શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. ફરિયાદમાં ગર્ભવતી બન્યા બાદ દવા આપીને ગર્ભપાત કરાવવામાં આવ્યો હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી સતત માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં પોક્સો (POCSO) અધિનિયમ સહિત ભારતીય ન્યાય સંહિતાની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે મુખ્ય આરોપી અને તેના સગીર વયના ભત્રીજાને કાયદેસરની કાર્યવાહી હેઠળ ઝડપી પાડ્યા છે અને સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

જૂનાગઢમાં થઈ હતી ઓળખાણ, રાજકોટ સુધી પહોંચ્યો આરોપી

પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, પીડિતા મૂળ જૂનાગઢ જિલ્લાના રહેવાસી છે અને હાલ રાજકોટમાં ગર્લ્સ હોસ્ટેલમાં રહી ધોરણ-12માં અભ્યાસ કરી રહી છે. ફરિયાદમાં જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના કાત્રાસા ગામના હર્ષદસિંહ દેવધરીયા અને રાજકોટમાં રહેતા તેના સગીર વયના ભત્રીજાનું નામ આરોપી તરીકે નોંધાયું છે.

પ્રાથમિક તપાસ મુજબ, બંનેની ઓળખાણ જૂનાગઢમાં અભ્યાસ દરમિયાન થઈ હતી. ત્યારબાદ આરોપીએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પીડિતા અભ્યાસ માટે રાજકોટ આવ્યા બાદ પણ આરોપી તેનો સંપર્ક જાળવી રાખતો હતો અને બાદમાં પોતાના ભત્રીજાની મદદથી તેને ધરમનગર વિસ્તારમાં આવેલા સરકારી ક્વાર્ટરમાં લઈ ગયો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

આ પણ વાંચો: રાજકોટનાં જંગલેશ્વરમાં તોડાયા હતાં મકાનો : હવે ખર્ચના આંકડાઓ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલો

વારંવાર દુષ્કર્મ અને ગર્ભપાત કરાવ્યાનો આક્ષેપ

ફરિયાદ અનુસાર, આરોપીએ સગીરાની ઇચ્છા વિરુદ્ધ અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. સતત શારીરિક શોષણના કારણે પીડિતા ગર્ભવતી બની હતી. ત્યારબાદ સમગ્ર ઘટના બહાર ન આવે તે માટે આરોપીઓએ દવા આપીને ગર્ભપાત કરાવ્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. પીડિતાના નિવેદનના આધારે પોલીસે આ તમામ મુદ્દાઓને તપાસમાં સામેલ કર્યા છે. ગર્ભપાત સંબંધિત તબીબી પુરાવા સહિત અન્ય જરૂરી પુરાવાઓ એકત્ર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

અશ્લીલ ફોટા-વીડિયોથી બ્લેકમેઇલ કરવાનો પણ આરોપ

ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે આરોપીઓએ પીડિતાના અશ્લીલ ફોટા અને વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની તેમજ પરિવારને બદનામ કરવાની ધમકી આપી હતી. આ ધમકીઓના કારણે પીડિતા સતત માનસિક દબાણ હેઠળ રહી હતી. અંતે કંટાળીને સગીરાએ સમગ્ર ઘટના પોતાના પરિવારને જણાવી હતી, જેના આધારે પરિવાર દ્વારા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

આ પણ વાંચો: એક ક્ષણની દુર્ઘટના કે બેદરકારીની કિંમત? : વડોદરાની સયાજી હોસ્પિટલમાં શ્રમિકના મોતથી ઉઠ્યા સવાલો

મોબાઇલ ફોન કબજે, ડિજિટલ ફોરેન્સિક તપાસ શરૂ

રાજકોટના એસીપી બી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે ફરિયાદના આધારે બંને આરોપીઓ સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બંનેની અટકાયત કરીને તેમના મોબાઇલ ફોન સહિતના ડિજિટલ પુરાવા કબજે કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ અશ્લીલ ફોટા અને વીડિયો અંગે ડિજિટલ ફોરેન્સિક તપાસ પણ કરી રહી છે. સાથે જ સમગ્ર ઘટનાના દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરીને વધુ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

રાજકોટમાં સામે આવેલી આ ઘટના ફરી એકવાર સગીરાઓની સુરક્ષા, ઓનલાઈન બ્લેકમેઇલિંગ અને વિશ્વાસના સંબંધોના દુરુપયોગ જેવા ગંભીર મુદ્દાઓ તરફ ધ્યાન દોરે છે. હાલ પોલીસે સમગ્ર કેસમાં કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now