Rajkot News: પૂર્વ ધારાસભ્ય અને સૌરાષ્ટ્ર ભાજપના દિગ્ગજ નેતા જયરાજસિંહ જાડેજાના નિવેદનથી ગોંડલમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂર્વે રાજકીય માહોલ ઝડપથી ગરમાઈ રહ્યો છે. મોવિયા ગામે યોજાયેલી ભાજપની જાહેરસભા દરમિયાન પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ આપેલા એક નિવેદનથી રાજકારણમાં નવી ચચા જગાવી છે. “જો કોઈ એક ઈંચ જમીન મારી પાસેથી કઢાવી આપે, તો હું મારા ધર્મપત્નીને ધારાસભ્ય પદેથી રાજીનામું અપાવી દઈશ,” એમ જાહેર મંચ પરથી આપેલા પડકારને કારણે વિરોધ પક્ષો સહિત રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે.
આ સભા ‘ચોરાના ચોક’ ખાતે યોજાઈ હતી, જ્યાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક લોકો હાજર રહ્યા હતા. સભામાં જયરાજસિંહ જાડેજાએ પોતાના કાર્યકાળ દરમિયાન વિકાસ અને પારદર્શિતાના મુદ્દે વાત કરતાં વિરોધ પક્ષોના આક્ષેપોને સીધો જવાબ આપ્યો હતો. ખાસ કરીને ‘ગુંડાગીરી’ અને જમીન મુદ્દે લાગેલા આરોપોને તેમણે તીવ્ર શબ્દોમાં ફગાવ્યા હતા.
‘ગુંડાગીરી’ના આક્ષેપો સામે પ્રતિક્રિયા
સભામાં ઉપસ્થિત સરપંચોને સંબોધતા જયરાજસિંહે સવાલ કર્યો હતો કે શું ગ્રાન્ટ માટે ક્યારેય એક રૂપિયો માંગવામાં આવ્યો છે? હાજર સરપંચોએ ‘ના’માં જવાબ આપતાં તેમણે પોતાના કાર્યકાળની પારદર્શિતાને ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો હતો. જાડેજાએ વધુમાં કહ્યું કે, ગરીબોની જમીન પચાવી પાડવી એ સાચી ગુંડાગીરી છે, જ્યારે પ્રજાના હિત માટે લડવું એ પોતાનો ક્ષત્રિય ધર્મ હોવાનું તેમણે જણાવ્યું. તેમના મતે, તેઓ હંમેશા જનહિત માટે કામ કરતા આવ્યા છે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવણીના આક્ષેપો બિનઆધારભૂત છે.
રાજીનામાના નિવેદનથી રાજકારણમાં ચર્ચા
જમીન મુદ્દે આપેલો પડકાર આ સભાનો સૌથી વધુ ચર્ચિત મુદ્દો રહ્યો. “કોઈએ મારી પાસેથી ગેરરીતે જમીન કઢાવી બતાવે, તો હું કાલે જ મારી પત્નીને MLA પદેથી રાજીનામું અપાવી દઈશ,” એમ તેમણે ખુલ્લેઆમ કહ્યું હતું. આ નિવેદનને લઈને વિરોધ પક્ષોએ પ્રતિક્રિયા આપવાની શરૂઆત કરી છે, જ્યારે રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ પ્રકારના નિવેદનો ચૂંટણી પૂર્વે મતદારોને સંદેશ આપવા માટેનો પ્રયાસ પણ હોઈ શકે છે. તેમ છતાં, આ નિવેદન રાજકીય ચર્ચાના કેન્દ્રમાં આવી ગયું છે.
ભાજપ-કોંગ્રેસ વચ્ચે તીવ્ર ટક્કર
એક તરફ ભાજપે મોવિયા ગામે શક્તિ પ્રદર્શન કર્યું, તો બીજી તરફ કોંગ્રેસે ગોંડલના માંડવી ચોક ખાતે સભા યોજી શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. બંને પક્ષના નેતાઓએ એકબીજા પર ગંભીર આક્ષેપ-પ્રતિઆક્ષેપ કરતા ચૂંટણી જંગ વધુ રસપ્રદ બની રહ્યો છે. જયરાજસિંહ જાડેજાએ પક્ષપલટુઓ પર પણ નિશાન સાધતા તેમને ‘ચાઈના પ્રોડક્ટ’ કહી કટાક્ષ કર્યો હતો. તેમના મતે, વિરોધ પક્ષના નેતાઓને પોતાના લોકો પર વિશ્વાસ નથી, કારણ કે તેઓ ગમે ત્યારે પક્ષ બદલી શકે છે.
ચૂંટણી પૂર્વે ગરમાયેલું રાજકીય માહોલ
સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીને ધ્યાનમાં લેતા ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં રાજકીય ગતિશીલતા વધી રહી છે. વિકાસ, પારદર્શિતા, અને સ્થાનિક પ્રશ્નો હવે મુખ્ય ચૂંટણી મુદ્દા બની રહ્યા છે. આવા સમયમાં બંને મુખ્ય પક્ષો મતદારો સુધી પહોંચવા માટે સક્રિય બન્યા છે, જેના કારણે આગામી દિવસોમાં વધુ તીવ્ર રાજકીય પ્રચાર અને નિવેદનો સામે આવવાની શક્યતા છે.






