સુરેન્દ્રનગર જિલ્લાના થાન નજીક સોમવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજકોટના દંપતિનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટથી પ્રેમજીભાઈ તથા તેમની ધર્મપત્ની લાભુબેન પરિવાર સાથે કોઢ ગામે માતાજીના માંડવાં માટે જઈ રહ્યા હતા, ત્યારે થાન નજીક કાર અને ટ્રેક્ટર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માત એટલો જોરદાર હતો કે, કારમાં બેઠેલા પ્રેમજીભાઈ અને લાભુબેનનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોચતા, તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક લોકોએ તુરંત પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરેન્દ્રનગર જિલ્લામાં સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે, જેને લઈને લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.ગમખ્વાર અકસ્માતની સામે આવેલી તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે, સફેદ કલરની કાર, જે ગંભીર રીતે નુકસાન પામી છે, ટ્રેક્ટર પાછળના ભાગે જોરદાર અથડાઈ ગઈ હતી. કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચકનાચૂર થયો છે, જે અકસ્માતની ભયાનકતા બતાવે છે.
આ કારમાં મુસાફરી કરી રહેલા પ્રેમજીભાઈ અને તેમની પત્ની લાભુબેને ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યા. વૃદ્ધ દંપતિ કોડ ગામે માતાજીના માંડવાં માટે પરિવાર સાથે જઈ રહ્યાં હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.
અકસ્માતમાં પાછળ બેઠેલી એક નાની બાળકી અને અન્ય બે સભ્યોને ગંભીર ઈજાઓ પહોંચતા, તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
"ખાડિયાના ધારાસભ્ય અને આખી કોગ્રેસની માનસિકતા અસ્થિર થઈ ગઈ છે": ઈમરાન ખેડાવાલાના નિવેદન બાદ ભૂષણ ભટ્ટનો વળતો જવાબ






