Home Gujarat Rajkot Rajkot Bjp Ticket Controversy Workers Discontent Meeting

રાજકોટ ભાજપમાં ટિકિટ વિવાદે ઊભો કર્યો અસંતોષ : પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જાતે મેદાનમાં ઉતરી નારાજગી શાંત કરવાની કોશિશ

જગદીશ વિશ્વકર્મા
Published by: Chintan Chavda
Last Updated: Apr 12, 2026, 10:33 AM IST

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે. ટિકિટ વિતરણની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અપેક્ષા મુજબના નામો ન આવતા કાર્યકર્તાઓમાં ફાટી નીકળેલો અસંતોષ હવે હાઈકમાન્ડ સુધી પહોંચ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની છે કે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આવ્યા છે.

ટિકિટ વિતરણ બાદ ભભૂકતો આંતરિક રોષ

રાજકોટ શહેર ભાજપમાં ઉમેદવારોના નામ જાહેર થયા બાદ જ સંગઠનમાં ભંગાણ જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વોર્ડ નંબર 7 અને 13માં ટિકિટ ફાળવણીમાં થયેલા ફેરફારોએ કાર્યકર્તાઓને ચોંકાવી દીધા છે. વોર્ડ નંબર 7માં પક્ષના વફાદાર અને શિક્ષણ જગતમાં મોટું નામ ધરાવતા શૈલેષ જાનીનું નામ લગભગ નક્કી માનવામાં આવતું હતું. પરંતુ અંતિમ ક્ષણે હાઈકમાન્ડ દ્વારા પૂર્વ કોર્પોરેટર નેહલ શુકલાને મેન્ડેટ આપતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે.

આ નિર્ણયને પગલે માત્ર શૈલેષ જાની જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલા સેંકડો સમર્થકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાર્યકર્તાઓનું કહેવું છે કે પક્ષ માટે રાત-દિવસ એક કરનાર પાયાના માણસોને અવગણીને અંતિમ ઘડીએ લેવાયેલા આવા નિર્ણયો પક્ષની આંતરિક લોકશાહી સામે સવાલ ઉભા કરે છે.

પ્રદેશ પ્રમુખની ‘ડેમેજ કંટ્રોલ’ કવાયત: ‘ચાય પર ચર્ચા’

મામલો વણસતા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ શનિવારે મોડી રાત્રે રાજકોટમાં ધામા નાખ્યા હતા. તેમણે શહેર પ્રમુખ ડો. માધવ દવેના નિવાસસ્થાને નારાજ નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે મેરેથોન બેઠક યોજી હતી. આ બેઠકમાં શૈલેષ જાની ઉપરાંત હેમુ પરમાર, નીતિન રામાણી, શૈલેષ ડાંગર અને સુરેન્દ્રસિંહ વાળા જેવા દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

બેઠકમાં કાર્યકર્તાઓએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું કે, પક્ષમાં આંતરિક સર્વેના નામે જે પ્રક્રિયા કરવામાં આવી તે માત્ર દેખાવ પૂરતી હતી, જ્યારે ટિકિટોની વહેંચણીમાં જૂથવાદ અને અંગત પસંદગીને મહત્વ અપાયું છે. જગદીશ વિશ્વકર્માએ અત્યંત શાંતિથી દરેક કાર્યકર્તાની રજૂઆત સાંભળી હતી અને તેમને ખાતરી આપી હતી કે ભાજપ એક પરિવાર છે અને પરિવારમાં મનદુઃખ હોઈ શકે, પણ મતભેદ ન હોવો જોઈએ.

વોર્ડ 13: વંશવાદ અને સ્થાનિક મુદ્દે વિરોધ

વોર્ડ નંબર 13માં પણ સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હોય તેવું જણાય છે. પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી અને સુરેન્દ્રસિંહ વાળાએ તેમને ટિકિટ ન મળતા ખુલ્લેઆમ અસંતોષ વ્યક્ત કર્યો છે. બીજી તરફ શૈલેષ ડાંગરે એવો આક્ષેપ કર્યો છે કે કેટલાક વોર્ડમાં એવા ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે જેઓ સ્થાનિક ભૌગોલિક સ્થિતિ કે પ્રશ્નોથી અજાણ છે. તેમણે ઉમેર્યું કે, "મારા માતા-પિતાએ પક્ષ માટે આજીવન સેવા આપી છે, તેમ છતાં નવા નિશાળિયાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું તે દુખદ છે."

“વ્યક્તિ નહીં, કમળ જ સર્વોપરી”: જગદીશ વિશ્વકર્માનો મંત્ર

તમામ નારાજગી વચ્ચે પ્રદેશ પ્રમુખે એક જ વાત પર ભાર મૂક્યો હતો કે, "આપણો ઉમેદવાર કોઈ વ્યક્તિ નથી, પણ સાક્ષાત્ 'કમળ' છે." તેમણે કાર્યકર્તાઓને ભાવુક અપીલ કરતા કહ્યું કે, ટિકિટ તો કોઈ એકને જ મળી શકે, પરંતુ પક્ષનો વિજય એ હજારો કાર્યકર્તાઓની મહેનતનું પરિણામ હોય છે. તેમણે વિશ્વાસ અપાવ્યો કે જેમને આ વખતે તક નથી મળી, તેમને આગામી સમયમાં સંગઠન અથવા સરકારમાં મોટી જવાબદારીઓ સોંપવામાં આવશે.

આ પણ વાંચો: ભાજપમાં છેલ્લી ઘડીએ મોટો ફેરફાર! : એકની ટિકિટ રદ્દ કરી બીજાને આપી, રાજકોટમાં રાજકારણ ગરમાયું

ચૂંટણી પરિણામો પર જોખમની લટકતી તલવાર?

રાજકીય વિશ્લેષકો માને છે કે જો આ નારાજગી સમયસર દૂર કરવામાં નહીં આવે, તો ભાજપને 'ભીતરમાંથી ઘા' પડી શકે છે. રાજકોટ ભાજપનો ગઢ મનાય છે, પરંતુ પૂર્વ પદાધિકારીઓની નિષ્ક્રિયતા મતદાનની ટકાવારી ઘટાડી શકે છે. ખાસ કરીને વોર્ડ નંબર 7 અને 13 માં જો કાર્યકર્તાઓ ઘરે બેસી જશે, તો વિપક્ષ માટે રસ્તો સાવ મોકળો થઈ શકે છે.

રાજકોટની આ ઘટના એ સ્પષ્ટ કરે છે કે ભાજપ જેવી શિસ્તબદ્ધ પાર્ટીમાં પણ ટિકિટ વિતરણ હંમેશા પડકારજનક રહ્યું છે. પ્રદેશ પ્રમુખની મધ્યસ્થીથી હાલતુરત તો મામલો થાળે પડતો દેખાય છે, પરંતુ કાર્યકર્તાઓના મનમાં લાગેલી આ આગ શાંત થાય છે કે પછી મતદાનના દિવસે જ્વાળામુખી બનીને ફાટે છે, તે જોવું રસપ્રદ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now