Home Gujarat Rainy Weather Prevails In Gujarat

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ : અમદાવાદમાં ધુમ્મસ, બોટાદમાં વરસાદ, આ જિલ્લાઓમાં યલો એલર્ટ

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 01, 2025, 05:46 AM IST

ગુજરાતમાં હાલ હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી રહ્યા છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે. બોટાદ જિલ્લામાં વહેલી સવારથી જ સતત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. અમરેલી જિલ્લામાં ધાતરવડી નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી પડી રહી છે. અમદાવાદ શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું છે. વિઝિબીલીટી ઘટી જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હળવાથી મધ્યમ વરસાદ સાથે ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હોવાથી તાપમાનમાં પણ થોડો ઘટાડો નોંધાઈ રહ્યો છે.

આ જિલ્લાઓમાં યેલો એલર્ટ

અરબી સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન હાલમાં ગુજરાતના દરિયાકાંઠાથી આશરે 300 કિલોમીટર દૂર છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ સિસ્ટમ આગામી 24 કલાકમાં ધીમે ધીમે નબળી પડશે, છતાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. 1 નવેમ્બરના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરત જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે હવામાન વિભાગે યેલો એલર્ટ જાહેર કર્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ

રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાં માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે સમુદ્રમાં તરંગોની ઉંચાઈ વધી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ તંત્રને ચેતવણી આપવામાં આવી છે કે વરસાદ અને પવનના કારણે વીજળી તથા ઝાડ પડવાની ઘટનાઓ શક્ય છે. એકંદરે, ગુજરાતમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદી માહોલ યથાવત રહેશે.

અમદાવાદમાં ઠંડુ વાતાવરણ

હવામાન વિભાગના અનુમાન મુજબ વરસાદ બાદ સિસ્ટમ નબળી પડશે અને હવામાન ધીમે ધીમે સુધરવાનું શરૂ થશે. અમદાવાદ સહિત દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ઠંડા પવન સાથે શિયાળાની શરૂઆતનો અહેસાસ થવાની શક્યતા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now