Home Gujarat Rain Hit Ahmedabad And Northen Parts Of Gujarat As Weather Forecast Predicted

અમદાવાદમાં વહેલી સવારે વરસાદ : ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં મોડીરાતથી વરસાદ, જાણો ક્યાં ક્યાં જોવા મળશે કમોસમી વરસાદનો વરતારો?

અમદાવાદમાં વહેલી સવારે વરસાદ
Published by: OBS Bureau
Last Updated: May 04, 2025, 03:32 AM IST

હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રવિવાર સવારથી અમદાવાદ સહિત ઘણા શહેરોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. આગામી 2 દિવસ સુધી અમદાવાદમાં વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વહેલી સવારથી ભેજવાળા ઠંડા પવન અને વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું..જે બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં જોવા મળ્યાં. મેની કાળઝાળ ગરમીમાં કમોસમી વરસાદને કારણે શહેરમાં ઠંડક પ્રસરી છે.

જો કે રાજ્યના 12 જેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આગામી થોડા દિવસો સુધી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાબરકાંઠા, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી વગેરેનો સમાવેશ થાય છે.

ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની અસર જોવા મળી રહી છે. મોડી રાતે વીજળી સાથે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. મહેસાણા, પાલનપુર અને દાંતા જેવા વિસ્તારોમાં ભારે પવન સાથે કરા પડ્યા છે, જેના કારણે પાકને નુકસાન થવાની આશંકા છે.

સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ તેમજ કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને 30-50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 9મી મે સુધી રાજ્યના મોટા ભાગમાં અંધારું વાતાવરણ અને છાંટાની શક્યતા યથાવત રહેશે.

આખા ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:.

6થી 9 મે સુધી ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની આગાહી છે. આગામી 9મે સુધી જુદા-જુદા જિલ્લાઓમાં 30થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી પણ કરાઈ છે. ત્યારે મહેસાણામાં ભરઉનાળે કમોસમી વરસાદ વરસ્યો છે. વીજળીના કડકા સાથે મહેસાણામાં વરસાદ શરૂ થયો. મોડીરાત્રે અનેક સ્થળે વરસાદ ખાબક્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ ભારે પવન સાથે વરસાદ જોવા મળ્યો. પાલનપુર, વડગામમાં પવન સાથે કરા પડ્યા છે. તથા ડીસા, લાખણી, દાંતીવાડામાં ભારે પવન ફૂંકાયો છે
કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા:
ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ શરૂ થતા ખેડૂતોને ચિંતા વ્યાપી છે. બનાસકાંઠા જિલ્લામાં અનેક તાલુકામાં કમોસમી વરસાદ થયો છે. મોડી રાત્રે બનાસકાંઠા જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ આવ્યો છે. બનાસકાંઠાના દાંતા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં પણ વરસાદી ઝાપટા પડ્યા છે. ભારે પવન અને ગાજવીજ સાથે અંબાજી અને દાંતાના અંતરિયાળ ગામોમાં વરસાદથી ભર ઉનાળે ઠંડીનું વાતાવરણ સર્જાયું છે. કમોસમી વરસાદથી અનેક ઉનાળુ પાકને નુકસાનની ભીતિ છે. તેવામાં ખેડૂતો ભારે પવન અને વરસાદને લઇને ચિંતિત જોવા મળી રહ્યા છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now