બનાસકાંઠા જિલ્લાના ડીસા સહિત ગામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતાં ખેડૂતો માટે મુશ્કેલી ઉભી થઈ છે. મળતી માહિતી મુજબ, માત્ર 4 થી 6 કલાકમાં આશરે 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ અચાનક પડેલા વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયાં છે અને તૈયાર પાકને મોટું નુકસાન થયું છે.
ખેડૂતોની ચિંતા વધી
ખાસ કરીને ખેતી પાકની લણણી માટે તૈયાર પાક ખેતરમાં જ પાક પલળી જતાં ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. અનેક ખેડૂતોના ખેતરમાં બટેકાનું નવું વાવેતર પણ થયું હતું, જે આ વરસાદના કારણે બગડી જવાની સ્થિતિમાં છે. વરસાદના કારણે ખેતરમાં પાણી ભરાઈ જતાં જમીન ભીંજાઈ ગઈ છે અને પાક સડી જવાની આશંકા વ્યક્ત થઈ રહી છે.
ખેડૂતોને આર્થિક નુકસાન
આ કમોસમી વરસાદથી ખેડૂતોને આર્થિક નુકસાન થવાની શક્યતા છે. હાલ હવામાન વિભાગ તરફથી વધુ વરસાદની શક્યતા નકારી શકાય તેવી નથી, જેના કારણે ખેડૂતો ચિંતિત છે. રાજ્ય સરકાર તરફથી આ વિસ્તારોમાં થયેલા નુકસાનનું સર્વે કરીને ખેડૂતોને યોગ્ય સહાય મળી રહે તે માટેના પગલાં લેવામાં આવશે તેવી અપેક્ષા વ્યક્ત થઈ રહી છે.






