ગુજરાતમાં દિલ્હીથી રાજકીય પક્ષોના નેતાઓના આંટાફેરા વધી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પછી રાહુલ ગાંધી પણ ગુજરાત પ્રવાસે આવશે. જેઓ 26 જુલાઈએ ગુજરાત આવશે. રાહુલ ગાંધી કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને રાજનીતિના પાઠ ભણાવશે. જે ટ્રેનિંગ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખો ઉપસ્થિત રહેશે.
કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને અપાશે ટ્રેનિગ
અત્રે જણાવીએ કે, 26થી 28 જુલાઈ સુધી કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોનો આણંદ જિલ્લામાં ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાશે. જેમાં પ્રથમ દિવસે રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને પાઠ ભણાવશે જ્યારે બાકીના બે દિવસ કોંગ્રેસના અગ્રણી નિષ્ણાંતો જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે
પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ...
ગુજરાતમાં થોડા દિવસ અગાઉ યોજાયેલી પેટા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. AAP અને કોંગ્રેસના કેન્દ્રીય મોવડી મંડળના નેતાઓએ હવે ગુજરાત તરફ નજર કરી છે. પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પ્રમુખ પદ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું હતું ત્યારબાદ ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે.





