Home Gujarat Rahul Gandhi Gujarat Tour Congress Amit Chavda Politics

"રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવે ત્યારે ભાજપને ફાયદો થાય છે" : દિલીપ સંઘાણીના નિવેદનથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે કહ્યું- ચર્ચામાં રહેવા માંગે છે હાંસિયામાં ધકેલાયેલાં નેતા

"રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવે ત્યારે ભાજપને ફાયદો થાય છે"
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 12:02 PM IST

Rahul Gandhi Gujarat Visit: રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલાં રાજકારણ ગરમાયું છે. સહકાર ક્ષેત્રના અગ્રણી અને ભાજપના વરિષ્ઠ નેતા દિલીપ સંઘાણીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. દિલીપ સંઘાણીએ કહ્યુંકે, કે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસથી હંમેશા ભાજપને જ ફાયદો થાય છે. રાહુલ ગાંધી ગુજરાત આવીને ભાજપને લાભ કરાવે છે. રાહુલ ગાંધીનો ઈતિહાસ રહ્યો છેકે, તેઓ જયારે જ્યારે ગુજરાત આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીને જ લાભ થાય છે. એટલું જ નહીં રાહુલ ગાંધી જે-જે વિસ્તારમાં પ્રવાસ કરે છે તે વિસ્તારમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ જાય છે.

આ મુદ્દે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યુંકે, દિલીપ સંઘાણી હવે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. ભાજપમાં હવે કોઈ તેમની નોંધ સુદ્ધા લેતું નથી. જેને કારણે દિલીપ સંઘાણી ચર્ચામાં રહેવા માટે આ પ્રકારના નિવેદનો આપે છે.

જ્યારે ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા ડો.તુષાર ચૌધરીએ જણાવ્યુંકે, દિલીપભાઈએ કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા કરવા જેવી સ્થિતિ તો અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં છે. સંઘાણી પોતે પણ આંતરિક રાજકારણનો ભોગ બનવાને કારણે હાંસિયામાં ધકેલાઈ ગયા છે. જેને કારણે આવા નિવેદનો આપીને ચર્ચામાં રહેવા માંગે છે.

ઉલ્લેખનીય છેકે, ગુજરાતમાં દિલ્હીથી રાજકીય પક્ષોના નેતાઓના આંટાફેરા વધી રહ્યા છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન બે દિવસથી ગુજરાતના પ્રવાસે છે. મોડાસા બાદ આજે નર્મદાના દેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં આખી આમ આદમી પાર્ટીએ જાહેરસભા ગજવી હતી. કેજરીવાલ બાદ હવે રાહુલ ગાંધી પણ ગુજરાત આવી રહ્યાં છે. રાહુલ ગાંધી 26 જુલાઈએ ગુજરાત પ્રવાસે આવી રહ્યાં છે. ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી કોંગ્રેસના નવા નિયુક્ત પ્રમુખોને રાજનીતિના પાઠ ભણાવવાના છે. જે ટ્રેનિંગ કાર્યક્રમમાં જિલ્લાના પ્રમુખો ઉપસ્થિત રહેશે.

કોંગ્રેસ જિલ્લા પ્રમુખોને અપાશે ટ્રેનિગઃ

અત્રે જણાવીએ કે, 26થી 28 જુલાઈ સુધી કોંગ્રેસના નવનિયુક્ત જિલ્લા પ્રમુખોનો આણંદ જિલ્લામાં ટ્રેનિંગ પ્રોગ્રામ યોજાશે. જેમાં પ્રથમ દિવસે રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને પાઠ ભણાવશે જ્યારે બાકીના બે દિવસ કોંગ્રેસના અગ્રણી નિષ્ણાંતો જિલ્લા પ્રમુખોને તાલીમ આપશે.

પેટા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદઃ

ગુજરાતમાં થોડા દિવસ અગાઉ યોજાયેલી પેટા ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક્શન મોડમાં જોવા મળી રહી છે. AAP અને કોંગ્રેસના કેન્દ્રીય મોવડી મંડળના નેતાઓએ હવે ગુજરાત તરફ નજર કરી છે. પેટા ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પ્રમુખ પદ પરથી શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું હતું ત્યારબાદ ગુજરાત કોંગ્રેસની કમાન અમિત ચાવડાને સોંપવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now