નવી દિલ્હી: દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET-UG 2026 ને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે રાજકારણ ગરમાયું છે. પેપર લીક અને પરીક્ષામાં અનિયમિતતાના ગંભીર આરોપો બાદ રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) એ 3 મે 2026ના રોજ લેવાયેલી પરીક્ષા રદ કરવાની જાહેરાત કરી છે. કેન્દ્ર સરકારે આ સમગ્ર મામલાની તપાસ CBIને સોંપી છે, પરંતુ વિપક્ષ આ મુદ્દે સરકારને ઘેરવાની એક પણ તક છોડી રહ્યો નથી. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, આ માત્ર પરીક્ષા રદ થવાનો વિષય નથી, પરંતુ દેશના લાખો યુવાનોના ભવિષ્ય સાથે થયેલો બહુ મોટો અન્યાય છે.
ભાજપની ભ્રષ્ટ વ્યવસ્થાએ 22 લાખ છાત્રોના સપના કચડ્યા: રાહુલ ગાંધી
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા અને નિવેદનો દ્વારા સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે, "NEET-UG 2026ની પરીક્ષા રદ થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓની મહેનત, ત્યાગ અને સપનાઓને આ ભ્રષ્ટ ભાજપની વ્યવસ્થાએ કચડી નાખ્યા છે." તેમણે અત્યંત ભાવુક અંદાજમાં ઉમેર્યું કે, ઘણા પિતાઓએ પોતાના બાળકોને ભણાવવા માટે દેવું કર્યું હશે, તો ઘણી માતાઓએ પોતાના ઘરેણાં વેચીને ફી ભરી હશે. લાખો વિદ્યાર્થીઓએ રાત-રાત જાગીને તૈયારી કરી, પરંતુ બદલામાં તેમને પેપર લીક, સરકારી બેદરકારી અને શિક્ષણ વ્યવસ્થામાં વ્યાપ્ત સંગઠિત ભ્રષ્ટાચાર મળ્યો છે.
‘અમૃતકાળ’ હવે યુવાનો માટે ‘વિષકાળ’ બન્યો
રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતા કહ્યું કે, વડાપ્રધાન જે ‘અમૃતકાળ’ની વાતો કરે છે તે હવે દેશના યુવાનો માટે ‘વિષકાળ’ સાબિત થઈ રહ્યો છે. જો કોઈ વિદ્યાર્થીનું ભવિષ્ય તેની મહેનતથી નહીં, પણ પૈસા અને પહોંચથી નક્કી થતું હોય, તો પછી શિક્ષણનો અર્થ શું રહી જાય? તેમણે આક્ષેપ કર્યો કે પેપર માફિયાઓ વારંવાર બચી નીકળે છે અને પ્રામાણિક વિદ્યાર્થીઓએ સજા ભોગવવી પડે છે. હવે લાખો વિદ્યાર્થીઓએ ફરીથી માનસિક તણાવ, આર્થિક બોજ અને અનિશ્ચિતતાનો સામનો કરવો પડશે.
ઉમેદવારોની વ્યથા: "GPS-ટ્રેકિંગના દાવા વચ્ચે પેપર લીક કેવી રીતે?"
પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. એક ઉમેદવારે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, "જો NTA જેવી મોટી એજન્સી એવો દાવો કરતી હોય કે તેમની પાસે GPS-ટ્રેકિંગ વાળા વાહનો છે, તો આવી ઘટના કેવી રીતે બની શકે? આટલી મહેનત કર્યા પછી જ્યારે આવી ખબર પડે છે ત્યારે માનસિક રીતે અમે ભાંગી પડીએ છીએ." અન્ય એક ઉમેદવાર યુવરાજ સિંહે પણ પોતાનું દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે 2024માં પણ આવું જ થયું હતું અને વારંવાર થતી આવી ઘટનાઓ ઉમેદવારોને માનસિક આઘાત પહોંચાડે છે.
NEET-UG 2026ની એક્ઝામ રદ: 23 લાખ વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા, પેપર લીકની ફરિયાદ પછી લેવાયો નિર્ણય
અશોક ગેહલોતે પૂછ્યો સવાલ: "તત્કાલ FIR કેમ નોંધવામાં ન આવી?"
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ જયપુરમાં આ મુદ્દે કેન્દ્ર સરકારને સવાલો કર્યા છે. તેમણે કહ્યું કે, 3 મેના રોજ પરીક્ષા પૂરી થયા બાદ તરત જ વિદ્યાર્થીઓએ પેપર લીકની ફરિયાદ કરી હતી, તો પછી સમયસર કાર્યવાહી કેમ ન થઈ? તેમણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે ફરિયાદ છતાં 3 કે 4 મેના રોજ FIR કેમ નોંધવામાં ન આવી? ગેહલોતે વધુમાં ઉમેર્યું કે 2024, 2025 અને હવે 2026 - સતત ત્રણ વર્ષથી પેપર લીકની ઘટનાઓ સામે આવી રહી છે, જે દેશની યુવા પેઢી માટે ખૂબ જ ચિંતાનો વિષય છે અને આનો કાયમી ઉકેલ આવવો અનિવાર્ય છે.
પશ્ચિમ બંગાળમાં SIR વિવાદ: સુપ્રીમ કોર્ટમાં ગરમાયો મુદ્દો, TMCના આરોપો સામે રાજકીય ગરમાવાનાં સંકેત
શક્તિસિંહ ગોહિલની NEET પરીક્ષા અંગેની પ્રતિક્રિયા
પેપર લીક થતા NEET ની પરીક્ષા રદ થવા પર પ્રતિક્રિયા આપતા રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, NEET જેવી મહત્વની પરીક્ષાઓમાં જ્યારે પેપર લીક થવાની ઘટનાઓ સામે આવે છે, ત્યારે તે લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં સમાન છે. આ માત્ર પરીક્ષાનો પ્રશ્ન નથી, પરંતુ વર્ષો સુધી મહેનત કરનારા તેજસ્વી વિદ્યાર્થીઓના વિશ્વાસનો ભંગ છે. સરકારની આ નિષ્ફળતા છે કે, તેઓ એક સુરક્ષિત અને પારદર્શક પરીક્ષા પદ્ધતિ આપી શક્યા નથી. વધુમાં તેઓ કહે છે કે, અમે માંગણી કરીએ છીએ કે, આ મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જે કોઈ પણ દોષિત હોય તેની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. વિદ્યાર્થીઓના હિતમાં અને તેમની મહેનતની કદર થાય તે માટે યોગ્ય નિર્ણય લેવો ખૂબ જ જરૂરી છે. વારંવાર થતા પેપર લીકથી શિક્ષણ જગત અને યુવા પેઢીમાં ભારે રોષ અને અવિશ્વાસ જોવા મળી રહ્યો છે."





