ભારતની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET UG 2026 અંગે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 3 મે 2026ના રોજ લેવાયેલી આ પરીક્ષા હવે સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ પેપર લીકના ગંભીર આક્ષેપો અને તપાસ એજન્સીઓ પાસેથી મળેલા ઈનપુટ્સના આધારે આ નિર્ણય લીધો છે.
સરકારના સ્તરે પણ મામલો ગંભીર ગણાતાં, કેન્દ્રિય એજન્સીઓને તપાસ સોંપવામાં આવી છે અને CBI તપાસના આદેશ આપવામાં આવ્યા છે. હવે NEET UG ફરીથી લેવાશે અને તેની નવી તારીખો ટૂંક સમયમાં જાહેર થશે તેવી માહિતી આપવામાં આવી છે.
શું છે પેપર લીક કાંડ?
આ સમગ્ર વિવાદની શરૂઆત રાજસ્થાનમાંથી થઈ હતી, જ્યાં “ગેસ પેપર” તરીકે ઓળખાતા પ્રશ્નપત્રો પરીક્ષા પહેલા વિદ્યાર્થીઓ વચ્ચે ફરતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે આ ગેસ પેપરના અનેક પ્રશ્નો NTAની પરીક્ષામાં પણ આવ્યાં હતા. કેટલાક અહેવાલો મુજબ 100થી વધુ પ્રશ્નો મળતા આવ્યા હતા જેનાથી પરીક્ષાની વિશ્વસનીયતા પર ગંભીર સવાલો ઊભા થયા.
તપાસ દરમિયાન એ પણ બહાર આવ્યું કે આ પ્રશ્નપત્રો એક રાજ્ય પૂરતા મર્યાદિત નહોતા પરંતુ રાજસ્થાન, ઉત્તરાખંડ અને મહારાષ્ટ્ર સુધી ફેલાયેલા નેટવર્ક દ્વારા વહેંચાયા હોવાની શક્યતા છે. આથી મામલો માત્ર લીક નહીં પરંતુ સુગઠિત ગેરરીતિનો બની ગયો છે.
NTA અને સરકારનો નિર્ણય
પરીક્ષા પ્રક્રિયા પર શંકા ઉભી થઈ હોવાથી પરીક્ષાને યથાવત રાખવી શક્ય નહોતી. “પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા” માટે પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવાયો છે. આ પહેલાં NTAએ 7 મેના રોજ ગેરરીતિ અંગે ઈનપુટ મેળવ્યા હતા અને 8 મેના રોજ મામલો કેન્દ્રિય એજન્સીઓને સોંપ્યો હતો. ત્યારબાદ થયેલી પ્રાથમિક તપાસે પરિસ્થિતિ ગંભીર હોવાનું સૂચવ્યું.
વિદ્યાર્થીઓ અને રાજકીય પ્રતિક્રિયા
આ ઘટનાએ દેશભરમાં 20 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતામાં ભારે અસંતોષ અને ચિંતા ઊભી કરી છે. અનેક વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે, કારણ કે વર્ષભરની તૈયારી બાદ ફરી પરીક્ષા આપવાની ફરજ પડશે.
રાજકીય સ્તરે પણ મુદ્દો ગરમાયો છે. વિરોધ પક્ષના નેતાઓએ પરીક્ષા પ્રણાલીની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવ્યા છે અને જવાબદારી નક્કી કરવાની માંગ કરી છે.
તપાસમાં શું બહાર આવ્યું
રાજસ્થાન પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ચાલી રહેલી તપાસમાં અનેક મહત્વના તાર મળ્યા છે કહેવાય છે કે પરીક્ષા પહેલાં 600 માર્ક્સના પ્રશ્નો સુધી વિદ્યાર્થીઓ સુધી પહોંચી ગયા હતા, જે જો સાચું સાબિત થાય તો સમગ્ર પરીક્ષા સિસ્ટમ માટે મોટો ઝટકો ગણાશે આ ઉપરાંત, ગેસ પેપર લાખો રૂપિયામાં વેચાયા હોવાના પણ આરોપો છે, જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ હજી સુધી થઈ નથી.





