Home International Quetta Train Blast Balochistan Pakistan

પાકિસ્તાનના ક્વેટામાં ટ્રેન પાસે ભયાનક બ્લાસ્ટ : ઓછામાં ઓછા 16નાં મોત; 30થી વધુ ઘાયલ

પાકિસ્તાનમાં બ્લાસ્ટના દ્રશ્યો
Image Credit: x
Published by: Chintan Chavda
Last Updated: May 24, 2026, 06:07 AM IST

પાકિસ્તાનના અશાંત અને લાંબા સમયથી હિંસાગ્રસ્ત બલૂચિસ્તાન પ્રાંતમાં ફરી એકવાર મોટા આતંકી હુમલાની ઘટના સામે આવી છે. ક્વેટા શહેરના ચમન ફાટક વિસ્તારમાં રેલવે ટ્રેક પાસે થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટે સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. સ્થાનિક અહેવાલો મુજબ કેન્ટોનમેન્ટ વિસ્તાર તરફથી આવી રહેલી ટ્રેનને નિશાન બનાવી આ હુમલો કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ટ્રેનની એક બોગીના ફુરચેફુરચા ઊડી ગયા હતા અને કેટલાક ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ઘટના બાદ ભારે ગભરાટનો માહોલ સર્જાયો હતો. ઘણા લોકોએ બ્લાસ્ટ બાદ અંધાધૂંધ ગોળીબારના અવાજો સંભળાયા હોવાનો દાવો કર્યો છે. જોકે, ગોળીબાર અંગે સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી. પ્રાથમિક અહેવાલો મુજબ આ હુમલો આત્મઘાતી બોમ્બ બ્લાસ્ટ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ પાકિસ્તાની સુરક્ષા એજન્સીઓએ હજુ સુધી હુમલાની પદ્ધતિ અંગે અંતિમ નિવેદન આપ્યું નથી.

આ પણ વાંચો: શું પશ્ચિમ એશિયામાં યુદ્ધ ટળશે? : ટ્રમ્પનો મોટો દાવો -ઈરાન યુરેનિયમ ભંડાર સોંપવા તૈયાર! હોર્મુઝ સ્ટ્રેટ મુદ્દે આશા વધી

મૃત્યુઆંક વધવાની ભીતિ

સ્થાનિક મીડિયા અનુસાર આ ભીષણ ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાકની સ્થિતિ અત્યંત ગંભીર હોવાનું કહેવાઈ રહ્યું છે, જેના કારણે મૃત્યુઆંક વધવાની આશંકા છે. બ્લાસ્ટ બાદ ટ્રેનના ડબ્બામાં આગ ફાટી નીકળી હતી અને આસપાસનો વિસ્તાર ઘેરા કાળા ધુમાડાથી ઢંકાઈ ગયો હતો.

વિસ્ફોટના કારણે રેલવે ટ્રેક નજીક પાર્ક કરાયેલા કેટલાક વાહનો પણ આગની ચપેટમાં આવી ગયા હતા. બચાવકર્મીઓએ આગ પર કાબૂ મેળવવા માટે કલાકો સુધી કામગીરી હાથ ધરી હતી. ઘટનાસ્થળના વીડિયો અને તસવીરોમાં ટ્રેનના નુકસાનગ્રસ્ત ડબ્બા, બળેલી સામગ્રી અને ગભરાયેલા મુસાફરો નજરે પડ્યા હતા.

આ પણ વાંચો: વ્હાઇટ હાઉસ બહાર ફરી ફાયરિંગ! : સુરક્ષા તંત્રમાં ખળભળાટ, શું ટ્રમ્પની જાન ખતરામાં?

સુરક્ષા દળોએ વિસ્તાર ઘેરી લીધો

ઘટનાની જાણ થતાં જ સુરક્ષા દળો, ફ્રન્ટિયર કોર અને એમ્બ્યુલન્સ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. ઘાયલોને ક્વેટાની સિવિલ હોસ્પિટલ તથા અન્ય નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓએ ઘટનાને ગંભીર સુરક્ષા ખતરા તરીકે ગણાવી તપાસ શરૂ કરી છે.

બલૂચિસ્તાનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં રેલવે ટ્રેક, સુરક્ષા દળો અને સરકારી માળખાઓ પર હુમલાઓમાં વધારો નોંધાયો છે. અગાઉ પણ જાફર એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનોને નિશાન બનાવવામાં આવી ચૂકી છે. માર્ચ 2025માં જાફર એક્સપ્રેસ હાઇજેકિંગની મોટી ઘટના બની હતી, જેમાં અનેક મુસાફરોના મોત થયા હતા.

તે ઉપરાંત ક્વેટા રેલવે સ્ટેશન અને બલૂચિસ્તાનના અન્ય વિસ્તારોમાં પણ અગાઉ આત્મઘાતી હુમલાઓ અને ટ્રેક બ્લાસ્ટની ઘટનાઓ બની ચૂકી છે.

બલૂચિસ્તાનમાં સતત વધી રહેલો તણાવ

બલૂચિસ્તાનમાં લાંબા સમયથી અલગાવવાદી સંગઠનો અને પાકિસ્તાની સુરક્ષા દળો વચ્ચે અથડામણ ચાલતી રહી છે. પાકિસ્તાની સરકાર વારંવાર દાવો કરતી આવી છે કે બલૂચ વિદ્રોહી સંગઠનો રેલવે, સુરક્ષા મથકો અને સરકારી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવી રહ્યા છે. બીજી તરફ સ્થાનિક સંગઠનો કેન્દ્ર સરકાર પર દમન અને બલૂચ નાગરિકોના અધિકારોના હનનના આરોપો લગાવતા આવ્યા છે.

હાલની ઘટનાની જવાબદારી કોઈ સંગઠને સત્તાવાર રીતે સ્વીકારી નથી. જોકે સુરક્ષા એજન્સીઓ આતંકી સંગઠનોની સંડોવણીના એંગલથી તપાસ કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now